Iran Israel War : અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને આજે(28 ફેબ્રુઆરી) ઈરાન પર હુમલો કર્યો છે. ત્યારે હવે ઈરાને પણ ઈઝરાયલના હુમલાનો જવાબ આપવા માટે મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાન તરફથી ઈઝરાયલ પર ઓછામાં ઓછી 70 મિસાઇલો છોડવામાં આવી છે. ઈઝરાયલી સેનાના અનુસાર, ઈરાને બેલેસ્ટિક મિસાઇલથી હુમલા કર્યા છે, જોકે અમારી એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે.
ઈરાન-યમન-લેબેનૉનનો સંયુક્ત હુમલો
યુદ્ધમાં ઈરાનને યમન અને લેબેનૉનનો સાથ મળ્યો છે. ત્રણેયે સાથે મળીને ઈઝરાયલ પર હુમલા શરુ કર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
ઈરાન સમર્થિત હૂથીઓ ફરી હુમલા શરુ કરશે, હિઝબુલ્લાહ પણ સક્રિય
યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોર સંગઠને રાતા સમુદ્રના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર હુમલાને ફરી શરુ કરવાની જાહેરાત કરી છે. આ માહિતી 2 હૂથી અધિકારીઓએ અમેરિકન સમાચાર એજન્સી APને આપી છે. નામ ન જણાવવાની શરત પર એક અધિકારીએ કહ્યું કે, બળવાખોરો દ્વારા પહેલો હુમલો આજે રાત્રે જ થઈ શકે છે. ત્યારે, લેબેનૉનથી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર હુમલા કર્યા છે.
ઈઝરાયલમાં ઇમરજન્સી જાહેર, સાયરન વાગવાનું શરુ
ઈરાને પલટવાર શરુ કરી દેતાં ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે, ઈરાન તરફથી મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેને લઈને દેશના અનેક વિસ્તારોમાં સાયરન વાગવા લાગી છે. ખતરાને રોકવા માટે અને જ્યાં જરૂરી હોય ત્યાં તેને નષ્ટ કરવા માટે કાર્યવાહી કરાઈ રહી છે. યુએઈ અને બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. અમેરિકાના ઇસ્લામિક દેશોમાં જેટલા પણ બેઝ છે તે તમામ સ્થળો પર ઈરાને તબક્કાવાર રીતે હુમલા શરુ કરી દીધા છે. અમેરિકા દ્વારા પણ પોતાના તમામ બેઝ ખાલી કરવા માટેના આદેશ આપી દેવાયો છે.
ઈરાને એક સાથે 5 દેશો પર કર્યો હુમલો
ઈરાને એક સાથે કતાર, બેહરીન, કુવૈત, UAE અને ઈઝરાયલ પર હુમલો કર્યો છે. જેમાં કતાર, બેહરીન, કુવૈત અને UAEમાં US બેઝને ટાર્ગેટ બનાવ્યા છે. ઈરાને બેહરીનમાં અમેરિકન હેડક્વાર્ટર પર હુમલા કર્યા છે. કતારમાં US બેઝ પર હુમલા કર્યા છે. બેહરીનમાં સાયરનના અવાજ સાંભળવા મળી રહ્યા છે.


