Get The App

ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલમાં સંપૂર્ણ લોકડાઉન; શાળા-કૉલેજ અને ઑફિસો બંધ રાખવા આદેશ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલમાં સંપૂર્ણ લોકડાઉન; શાળા-કૉલેજ અને ઑફિસો બંધ રાખવા આદેશ 1 - image


Israel Iran War : ઈરાન પર વળતા પ્રહાર બાદ ઈઝરાયલ હાઇઍલર્ટ પર : દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ 'ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ'(IDF)ના હોમ ફ્રન્ટ કમાન્ડે દેશભરમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા છે.

પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય

પરિસ્થિતિની નવી સમીક્ષા કર્યા બાદ, સેનાએ જાહેરાત કરી છે કે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાહેર મેળાવડાઓ અને બિન-આવશ્યક ક્ષેત્રોમાં કામકાજ પર પ્રતિબંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોને જ કાર્યરત રહેવાની છૂટ આપવામાં આવી છે. ઈઝરાયલી સૈન્યએ શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર કાર્યક્રમો અને કાર્યસ્થળો પર આ વ્યાપક પ્રતિબંધની જાહેરાત ઈરાન સામેના 'પ્રી-એમ્પટિવ સ્ટ્રાઇક' (અગમચેતીના ભાગરૂપે કરાયેલા હુમલા) બાદ કરી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ હુમલાને એક અનિવાર્ય અને જરૂરી પગલું ગણાવ્યું છે.

માત્ર જરૂરી ક્ષેત્રોને જ કાર્યરત રહેવા માટે આદેશ

સેનાએ એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આ પ્રતિબંધો વચ્ચે પણ આવશ્યક ક્ષેત્રો કાર્યરત રહેશે. ઈરાન તરફથી આવતા સંભવિત જોખમોને પહોંચી વળવા માટે વધારાના પ્રયાસોના ભાગરૂપે આ ગંભીર પગલાં લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધો આ ક્ષેત્રમાં વધી રહેલા ભારે તણાવને સ્પષ્ટપણે દર્શાવે છે. ઈઝરાયલ સંભવિત જોખમોનો સામનો કરવા માટે મક્કમ પગલાં લઈ રહ્યું છે, જેની અસર ત્યાંની સામાન્ય જનતા પર લાદવામાં આવેલા આ વ્યાપક નાગરિક પ્રતિબંધોમાં જોવા મળી રહી છે.