રાતા સમુદ્રમાંથી એકેય જહાજ પસાર નહીં થવા દઈએ..., ઈરાન પર હુમલા બાદ યમનના હૂતી પણ મેદાનમાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Iran Missile Conflict : ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સીધા મિસાઈલ યુદ્ધની વચ્ચે હવે યમનના હૂથી બળવાખોરો પણ આ જંગમાં કૂદી પડ્યા છે. સોમવારે હૂથીઓએ મધ્ય ઇઝરાયેલ તરફ કેટલાય રોકેટ દાગ્યા હતા. જો કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. આ હુમલા બાદ હૂથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ મોટી ધમકી આપતા જણાવ્યું છે કે, 'લાલ સમુદ્ર (Red Sea)માં ઇઝરાયેલી જહાજોની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને હવે કોઈપણ ઇઝરાયેલી ટાર્ગેટને નિશાન બનાવવામાં આવશે.' તેમણે ચેતવણી આપી કે, 'ઈંટનો જવાબ પથ્થરથી અપાશે' અને ક્ષેત્રની પરિસ્થિતિઓ અનુસાર અમારા સૈન્ય અભિયાનો વધુ ઝડપી બનશે.'
રોકેટ હુમલાની જવાબદારી લેતા હૂથી પ્રવક્તાએ કહ્યું કે, 'ફ્રન્ટ્સની એકતા' (Unity of Fronts) ના સિદ્ધાંત હેઠળ અને લેબનાન, ઈરાન તેમજ ગાઝા વિરુદ્ધ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં હૂથી દળોએ 'કબ્જા હેઠળના જાફા' (તેલ અવીવ વિસ્તાર) માં સંવેદનશીલ ઠેકાણાઓ પર મિસાઇલોનો મારો ચલાવ્યો છે.'
સોમવારે સવારે યમનથી દાગવામાં આવેલી એક શક્તિશાળી મિસાઈલ બાદ ઇઝરાયેલના મોટાભાગના વિસ્તારોમાં એર રેડ (હવાઈ હુમલા) ની ચેતવણી આપતા સાયરન વાગી ઉઠ્યા હતા. આના એક દિવસ પહેલા જ ઈરાને ઇઝરાયેલ પર સીધો મિસાઈલ હુમલો કર્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે આ હુમલો બેરૂતના દાહિયેહ વિસ્તારમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાનના ઓપરેશનમાં જોડાયા હૂથીઓ
ઈરાને ઇઝરાયેલ પર સેંકડો મિસાઈલ હુમલા કર્યા છે, જેના પછી હવે હૂથી બળવાખોરો પણ ઈરાનના આ સૈન્ય અભિઆનમાં સંપૂર્ણ રીતે સામેલ થતા જોવા મળી રહ્યા છે. સોમવારે વહેલી સવારે થયેલા આ હુમલા બાદ ઇઝરાયેલના મધ્ય અને શેફેલા (મેદાની વિસ્તારો) માં ભયના સાયરન સંભળાયા હતા.
ઇઝરાયેલે ઈરાનના પેટ્રોકેમિકલ પ્લાન્ટને ઉડાવ્યો
હૂથી અને ઈરાનના આ પ્રારંભિક હુમલાના જવાબમાં ઇઝરાયેલી સેના (IDF) એ જવાબી કાર્યવાહી કરતા ઈરાનની સરહદની અંદર ઘૂસીને કેટલાય મહત્વના ટાર્ગેટ્સ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં માહશહર (Mahshahr)માં આવેલો એક મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ પણ સામેલ છે.

સોમવારે સવારથી જ ઇઝરાયેલના અલગ-અલગ હિસ્સાઓમાં વારંવાર રોકેટ વોર્નિંગ સાયરન વાગી રહ્યા છે. પ્રથમ એલર્ટ યમનથી હૂથીઓ દ્વારા દાગવામાં આવેલી મિસાઈલના કારણે જાહેર થયું હતું, ત્યારબાદ ઈરાને પણ ઉપરાઉપરી મિસાઈલો દાગી હતી. આ ભયાનક હુમલાઓને કારણે જોર્ડન વેલી, યરૂશલેમ, ગ્રેટર તેલ અવીવ વિસ્તાર (ગુશ દાન), બીયર શેવા અને વેસ્ટ બેંકના કેટલાક ભાગોમાં લોકોને તાત્કાલિક સુરક્ષિત બંકરો કે આશ્રયસ્થાનોમાં આશરો લેવો પડ્યો હતો. ઈરાન તરફથી થયેલા મિસાઈલ હુમલાના થોડા જ સમય બાદ બીયર શેવા વિસ્તારમાં ફરી સાયરન વાગવા લાગ્યા હતા, જેના જવાબમાં ઇઝરાયેલી વાયુસેના (IAF)એ ઈરાનની અંદર પોતાના હવાઈ હુમલા વધુ તેજ કરી દીધા છે.









