Get The App

LIVE: લારિજાનીના મૃત્યુ બાદ ઈરાનનો ઇઝરાયલ પર 'બદલાનો પ્રહાર' ; ખાડી દેશોમાં મિસાઈલ હુમલા, ઈઝરાયલે બેરુતને હચમચાવ્યું

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
LIVE: લારિજાનીના મૃત્યુ બાદ ઈરાનનો ઇઝરાયલ પર 'બદલાનો પ્રહાર' ; ખાડી દેશોમાં મિસાઈલ હુમલા, ઈઝરાયલે બેરુતને હચમચાવ્યું 1 - image

Image  Iran Press TV


Iran vs Israel and USA War Updates : મિડલ ઈસ્ટમાં યુદ્ધ હવે અત્યંત ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. ઈરાને તેના ટોચના નેતાઓ લારીજાની અને સોલેમાનીની હત્યાનો બદલો લેવા ઇઝરાયલ પર મિસાઈલમારો કર્યો છે, જેમાં જાનહાનિના અહેવાલ છે. બીજી તરફ કુવૈત, કતાર અને UAE જેવા દેશોએ પણ મિસાઈલ અને ડ્રોન ઈન્ટરસેપ્ટ કર્યા છે.

Iran vs Israel and USA War LIVE અપડેટ્સ

યુએઇમાં ઓસ્ટ્રેલિયાના ઠેકાણાને પણ નુકસાન : અલ્બાનીઝ  

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે માહિતી આપતા જણાવ્યું છે કે, યુએઈ (UAE) માં આવેલા અલ મિન્હાદ એરબેઝ પર ઈરાની મિસાઈલ હુમલાને કારણે ઓસ્ટ્રેલિયન ફેસિલિટીઝને 'સાધારણ નુકસાન' પહોંચ્યું છે. એરબેઝ તરફ જતા મુખ્ય માર્ગ પર મિસાઈલ પડ્યા બાદ લાગેલી નાની આગને કારણે ઓસ્ટ્રેલિયન સૈનિકોના રહેઠાણ અને મેડિકલ સેન્ટરની ઈમારતોને ક્ષતિ પહોંચી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઓસ્ટ્રેલિયન જવાનને ઈજા પહોંચી નથી અને તમામ સુરક્ષિત છે. નોંધનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના આ મહાયુદ્ધમાં અખાતી દેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ આ વિસ્તારમાં મિસાઈલો, સર્વેલન્સ પ્લેન અને સૈનિકોની ટુકડી પહેલેથી જ તૈનાત કરેલી છે.

ઈઝરાયલી જાસૂસને ઈરાનની સુપ્રીમ કોર્ટે આપી ફાંસીની સજા 

LIVE: લારિજાનીના મૃત્યુ બાદ ઈરાનનો ઇઝરાયલ પર 'બદલાનો પ્રહાર' ; ખાડી દેશોમાં મિસાઈલ હુમલા, ઈઝરાયલે બેરુતને હચમચાવ્યું 2 - image

ઈરાને સૌથી વધુ UAEને હચમચાવ્યું

ઈરાનના બદલાની આગમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સૌથી ખરાબ રીતે ભડકે બળી રહ્યું છે. અત્યાર સુધીમાં ઈરાને ખાડી દેશો (GCC) તરફ ફેંકેલા કુલ 3000 થી વધુ મિસાઈલો અને ડ્રોનમાંથી અડધાથી વધુનો ટાર્ગેટ માત્ર અને માત્ર UAE ના શહેરો રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે 3 વાગ્યે જ્યારે આખું દુબઈ નિંદ્રામાં હતું, ત્યારે ભીષણ વિસ્ફોટોના અવાજે શહેરને હચમચાવી દીધું હતું. ઈરાની હુમલાખોર મિસાઈલો અને તેને તોડી પાડતા ડિફેન્સ વેપન્સના લિસોટાથી દુબઈનું આકાશ લોહીયાળ ભાસતું હતું. દુબઈ મીડિયા ઓફિસે પણ આ આકાશી આતંકની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, રાત્રિના અંધકારમાં સંભળાયેલા ધડાકા ઈરાની મિસાઈલોને તોડી પાડવાને કારણે થયા હતા. ઈરાનનું આ આક્રમક વલણ હવે સમગ્ર ખાડી વિસ્તારમાં ભયાનક તબાહીના સંકેતો આપી રહ્યું છે.

લારીજાનીના મૃત્યુ બાદ અકળાયેલા ઈરાને ઇઝરાયલમાં તબાહી મચાવી, ક્લસ્ટર મિસાઈલ ઝીંકી 


ઈરાનના 'બદલાના હુમલા'માં મધ્ય ઈઝરાયલ ધ્રૂજ્યું, 2 ના મોત

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લારીજાની અને સોલેમાનીની હત્યાના વિરોધમાં આ હુમલા કરવામાં આવ્યા છે. તેલ અવીવના પરા વિસ્તાર રામત ગાનમાં એક ડાયરેક્ટ હિટમાં 70 વર્ષીય વૃદ્ધ દંપતીનું મોત થયું છે. પાડોશીઓના જણાવ્યા મુજબ, તેમને સેફ રૂમમાં જવાનો સમય પણ મળ્યો ન હતો. તેલ અવીવનું એક સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પણ ક્ષતિગ્રસ્ત થયું છે, જેના કારણે દેશભરમાં રેલ વ્યવહાર સ્થગિત કરી દેવાયો છે.


દક્ષિણ લેબનોનમાંથી પેલેસ્ટાઈની શરણાર્થીઓને હટવા આદેશ

ઇઝરાયલે દક્ષિણ લેબનોનના ટાયર (Tyre) શહેર અને તેની આસપાસના ત્રણ મુખ્ય પેલેસ્ટાઈની શરણાર્થી શિબિરો (રાશિદિયા, બુર્જ શેમાલી અને અલ-બુસ) ખાલી કરવાના આદેશ આપ્યા છે. રાશિદિયા કેમ્પમાં જ આશરે 36,000 થી વધુ શરણાર્થીઓ રહે છે. આ વિસ્તારમાં ભીષણ હવાઈ હુમલા બાદ વીજળી ગુલ થઈ ગઈ છે અને ચારેબાજુ કાટમાળ જોવા મળી રહ્યો છે.

બેરૂતના મધ્યમાં ભીષણ વિસ્ફોટ

ઇઝરાયલી દળોએ બેરૂતના બાશુરા પડોશમાં એક ઈમારત પર હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ ખાલી કરાવવાનો આદેશ આપ્યાની થોડી જ ક્ષણોમાં મોટો વિસ્ફોટ સંભળાયો હતો. અગાઉ થયેલા હુમલામાં મધ્ય બેરૂતમાં 6 લોકોના મોત અને 24 ઘાયલ થયા હોવાના અહેવાલ છે.


નેતન્યાહુનો માસ્ટરપ્લાન: ઈરાની જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ

ઇઝરાયલ માને છે કે લારીજાની અને સોલેમાનીની હત્યા એ ઈરાની નેતૃત્વ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર છે. નેતન્યાહુ લારીજાનીને 'ગેંગસ્ટર બોસ' અને સોલેમાનીને 'ક્રૂર શાસક' તરીકે ચિત્રિત કરી રહ્યા છે. તેઓ ઈરાની જનતાને એવું સમજાવવા માંગે છે કે ઇઝરાયલ તેમનો 'મુક્તિદાતા' છે અને તેમને અયાતુલ્લાહના શાસન સામે બળવો કરવા ઉશ્કેરી રહ્યા છે.

કતાર અને કુવૈતે મિસાઈલ-ડ્રોન તોડી પાડ્યા

ખાડી દેશોમાં તણાવ પ્રસર્યો છે. કતારના સંરક્ષણ મંત્રાલયે એક મિસાઈલ હુમલાને અટકાવ્યો હોવાની પુષ્ટિ કરી છે. કુવૈતે આજે વહેલી સવારે 7 ડ્રોન તોડી પાડ્યા છે. UAE, સાઉદી અરેબિયા અને બહેરીને પણ છેલ્લા કલાકોમાં શંકાસ્પદ મિસાઈલ અને ડ્રોન ઈન્ટરસેપ્ટ કર્યાના અહેવાલ છે.

ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પર દબાણ

હિઝબુલ્લાહ તરફથી દરરોજ લગભગ 100 જેટલા રોકેટ ઉત્તર ઇઝરાયલ પર આવી રહ્યા છે, તેની સાથે હવે ઈરાની મિસાઈલોનો પણ ઉમેરો થયો છે. ઘણીવાર આ હુમલાઓનું સંકલન (Co-ordination) એવી રીતે કરવામાં આવે છે કે તે એકસાથે ત્રાટકે, જેના કારણે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પર ભારે દબાણ આવી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં ઈન્ટરસેપ્ટર મિસાઈલના અવશેષો પણ જમીન પર નુકસાન પહોંચાડી રહ્યા છે.