World

ફરી સળગ્યું હોર્મુઝ: ઈરાનના મિસાઈલ હુમલામાં 1 ભારતીયનું મોત, 6 ઈજાગ્રસ્ત; બે જહાજ તબાહ

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝની ખાડીમાં UAEના 2 તેલ ટેન્કરો પર ઈરાને ક્રૂઝ મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં 1 ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે, જ્યારે 6 ભારતીય સહિત 8 લોકો ઘાયલ થયા છે. ઓમાનના દરિયાઈ વિસ્તારમાં થયેલા આ હુમલાથી મધ્ય-પૂર્વમાં તણાવ વધ્યો છે. UAEએ આ કૃત્યને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી સળગ્યું હોર્મુઝ: ઈરાનના મિસાઈલ હુમલામાં 1 ભારતીયનું મોત, 6 ઈજાગ્રસ્ત; બે જહાજ તબાહ
પ્રતીકાત્મક તસવીર

1 Indian Killed as Iranian Missiles Hit UAE Oil Tankers : વૈશ્વિક ઉર્જા સપ્લાયની સૌથી મહત્વપૂર્ણ કડી ગણાતી હોર્મુઝની ખાડી ફરી એકવાર ભયાનક સૈન્ય સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેની સીધી અસર વૈશ્વિક સમુદ્રી વ્યાપાર અને નિર્દોષ નાગરિકો પર પડી રહી છે. એવામાં સંયુક્ત અરબ અમીરાતના બે તેલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે.

એક ભારતીયનું મોત

આ હુમલામાં કમનસીબે એક ભારતીય ક્રૂ મેમ્બરે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે અને વૈશ્વિક બજારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

યુએઈના બે જહાજો પર ઈરાનનો હુમલો

સંયુક્ત અરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો અનુસાર, યુએઈના બે ઓઈલ ટેન્કરો - 'Mombasa' અને 'Al Bahiyah' ઓમાનના પ્રાદેશિક સમુદ્રમાં દક્ષિણી લેનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પર ઈરાન તરફથી છોડવામાં આવેલી ક્રૂઝ મિસાઈલો ત્રાટકી હતી.

આ હુમલો એટલો ભયાનક હતો કે મિસાઈલ વાગતાની સાથે જ બંને ટેન્કરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને જહાજોને મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે, જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સની તાત્કાલિક સુઝબુઝ અને જહેમતને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો હતો, જેથી એક બહુ મોટી વૈશ્વિક સમુદ્રી હોનારત ટળી ગઈ હતી.

6 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત

આ આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સૌથી વધુ ભોગ બન્યા છે. હુમલાનો ભોગ બનેલા જહાજ 'મોમ્બાસા' પર ફરજ બજાવતા એક ભારતીય નાગરિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત, કુલ 8 ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે, જેમાંથી 4 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય નાગરિકો: 6

યુક્રેનિયન નાગરિકો: 2

આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવતા યુએઈના સંરક્ષણ મંત્રાલયે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

યુએઈ કોઈપણ પ્રકારના સૈન્ય પડકારનો સામનો કરવા અને પ્રાદેશિક સ્થિરતાને નુકસાન પહોંચાડનારા તત્વોને જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

  • યુએઈ સંરક્ષણ મંત્રાલય

બીજી તરફ, બ્રિટનની યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સીએ પણ અહેવાલ આપ્યો છે કે ઓમાનના કલહાટથી 40 નોટિકલ માઈલ દૂર વધુ એક અજ્ઞાત ટેન્કર પર હુમલો થયો છે, જેના કારણે તેના એન્જિન રૂમને નુકસાન થયું છે. જોકે, આ જહાજના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે.