Iran vs Israel-US War Updates : મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ છે. ઇઝરાયલ દ્વારા બેરૂત પર હવાઈ હુમલા, જ્યારે બીજી બાજુ દુબઈ એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાએ વૈશ્વિક ચિંતા વધારી દીધી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન વિરુદ્ધ આક્રમક નિવેદન આપ્યું છે.
Iran vs Israel-US War Updates LIVE
અબુ ધાબીમાં કાર પર મિસાઈલ પડતાં 1નું મોત
અબુ ધાબી મીડિયા ઓફિસે જણાવ્યું કે, અબુ ધાબીના અધિકારીઓએ અલ બહ્યા વિસ્તારમાં એક નાગરિક વાહન પર મિસાઈલ પડવાની માહિતી આપી છે. મિસાઈલ પડવાથી પેલેસ્ટાઈનના નાગરિકનું મોત થયું છે. વિસ્તારમાં સામાન્ય જનતા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે, સત્તાવાર સ્ત્રોતો પાસેથી માહિતી મેળવો અને અફવાઓ કે પુષ્ટિ કર્યા વગરની માહિતી ફેલાવવાથી બચે.
ઓસ્કારના મંચથી સ્ટાર્સ દ્વારા યુદ્ધની વિરુદ્ધ અવાજ ઊઠાવાયો
લોસ એન્જલસમાં યોજાયેલા 98માં ઓસ્કર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર અનેક હોલિવૂડ કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ ઈરાન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો વિરોધ કરી માનવતાનો સંદેશ આપ્યો હતો. એવોર્ડ વિજેતા સ્પેનિશ અભિનેતા જાવિયર બાર્ડેમે "NO A LA GUERRA" (યુદ્ધને ના) અને "ફ્રી પેલેસ્ટાઈન" લખેલા પિન પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મનો એવોર્ડ પ્રેઝન્ટ કરતી વખતે પણ તેમણે મંચ પરથી "યુદ્ધને ના અને પેલેસ્ટાઈનને આઝાદ કરો" તેવું આહવાન કર્યું હતું, જેને હાજર રહેલા પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.
અમેરિકાના અધિકારીઓએ કહ્યું - ઈઝરાયલ પાસે ઈન્ટરસેપ્શન મિસાઈલ ખૂટી પડવાની અણીએ
એક અમેરિકન અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે ઇરાનના સત્તાવાર મીડિયાને જણાવ્યું હતું કે ઈઝરાયલ પાસે બેલેસ્ટિક મિસાઈલોથી બચવા માટેની ડિફેન્સ સિસ્ટમની ઈન્ટરસેપ્શન મિસાઈલ ગમે ત્યારે ખૂટી પડવાની અણીએ પહોંચી ગઇ છે. ઈરાન તરફથી ભયાનક રીતે મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા હોવાથી ઈઝરાયલની હાલત ખરાબ થઇ ચૂકી છે. અમેરિકા આ વાતથી વાકેફ છે.
દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ડાયવર્ટ: ડ્રોન હુમલા બાદ મુસાફરોની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક ડ્રોન હુમલાને કારણે સર્જાયેલી આગની ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે કેટલીક ફ્લાઈટ્સને જેબેલ અલી સ્થિત અલ્ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પર ડાયવર્ટ કરવામાં આવી છે. દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા DXB પર વિમાની સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે. જોકે, દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ફ્યુઅલ ટેન્ક પર લાગેલી આગ પર હવે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સાવચેતીના પગલારૂપે આ ડાયવર્ઝનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દુબઈ એરપોર્ટ પર હુમલા બાદ આગ અને ફ્લાઈટ્સ સ્થગિત
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા ફ્યુઅલ ટેન્ક પર ડ્રોન હુમલો થતા આગ લાગી હતી. સદનસીબે, સિવિલ ડિફેન્સ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સુરક્ષાના કારણોસર દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. દુબઈમાં ડ્રોન હુમલા બાદ ચાલી રહેલી ઈમરજન્સી કામગીરીને પગલે સુરક્ષાના કારણોસર દુબઈ પોલીસે એરપોર્ટ રોડ અને એરપોર્ટ ટનલને કામચલાઉ ધોરણે બંધ કરી દીધા છે. દુબઈ મીડિયા ઓફિસે જણાવ્યું કે સિવિલ ડિફેન્સની ટીમોએ એરપોર્ટ નજીક ફ્યુઅલ ટેન્ક પર થયેલા હુમલાને કારણે લાગેલી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે, પરંતુ હજુ પણ ઓપરેશન ચાલુ હોવાથી પોલીસે વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
એપ્સ્ટિનના સાથીઓ બાળકો પર હુમલા કરવાનું બંધ નહીં કરે, હમેદાનમાં ફરી સ્કૂલને નિશાન બનાવી : ઈરાનનો દાવો
બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં ઇઝરાયલનો બોમ્બમારો
અહેવાલ મુજબ, ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી પરા વિસ્તારોમાં બે મોટા હવાઈ હુમલા કર્યા છે. હાલમાં જાનહાનિના કોઈ તાત્કાલિક સમાચાર મળ્યા નથી, પરંતુ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ છે.
કુવૈતે બે ડ્રોન તોડી પાડ્યા
કુવૈત નેશનલ ગાર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમણે તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. અગાઉ રવિવારે અલી અલ સાલેમ બેઝ પર થયેલા ડ્રોન હુમલામાં ઈટાલિયન ફોર્સના આશ્રયસ્થાનને નુકસાન થયું હતું.
ટ્રમ્પનો દાવો: 'અમે ઈરાનની ડ્રોન ફેક્ટરીઓ પર હુમલો કરી રહ્યા છીએ'
એરફોર્સ વન પરથી પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા ઈરાનના તે સ્થળોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં ડ્રોનનું ઉત્પાદન થાય છે. તેમણે કહ્યું, "ઈરાન પાસે હવે બહુ ઓછી સૈન્ય શક્તિ બચી છે. ગઈકાલથી અમે તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે."
ઈરાનના વિદેશ મંત્રીની ચેતવણી: 'ઇઝરાયલને સજા મળવી જોઈએ'
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઇઝરાયલ દ્વારા તેલ ડેપો પર કરવામાં આવેલા હુમલાને 'ઇકોસાઇડ' (પર્યાવરણની હત્યા) ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી જમીન અને ભૂગર્ભજળ પ્રદૂષિત થશે જેની અસર પેઢીઓ સુધી રહેશે.
બગદાદ એરપોર્ટ પાસે અમેરિકન દળો પર રોકેટ હુમલો
ઈરાકી સશસ્ત્ર જૂથ 'સરાયા અવલિયા અલ-દમ' એ બગદાદ એરપોર્ટ નજીક આવેલા અમેરિકન વિક્ટરી બેઝ પર રોકેટ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને બેઝમાં ભીષણ આગ લાગી હતી.
ટ્રમ્પ: 'ઈરાન વાતચીત કરવા આતુર છે'
ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ઈરાન વાટાઘાટો કરવા માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ તેઓ હજુ તે શરતો માનવા તૈયાર નથી જે જરૂરી છે. વધુમાં, તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા જાળવવા માટે અન્ય દેશો સાથે ચર્ચા શરૂ કરી હોવાનું પણ જણાવ્યું છે.


