| AI IMAGE |
America Iran War Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક વિનાશક હવાઈ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. બ્લૂમબર્ગ અને CNNના અહેવાલો અનુસાર, ઈરાન વિરુદ્ધના ઓપરેશનમાં અમેરિકી વાયુસેનાને ધારણા કરતા વધુ નુકસાન વેઠવું પડ્યું છે. ટેકનિકલ ખામી, ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ અને પરસ્પર તાલમેલના અભાવે અત્યાર સુધીમાં અમેરિકાના 16 સૈન્ય વિમાનો નષ્ટ થયા હોવાના અહેવાલ છે.
10 MQ-9 રીપર ડ્રોન જમીનદોસ્ત
અમેરિકાના અત્યંત મોંઘા અને આધુનિક ગણાતા MQ-9 રીપર ડ્રોન ઈરાન માટે સરળ નિશાન સાબિત થઈ રહ્યા છે. કુલ 10 ડ્રોનમાંથી 9 ડ્રોનને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા છે. એક ડ્રોન જોર્ડનના એરફિલ્ડ પર ઈરાની બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો શિકાર બન્યું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ડ્રોન માનવરહિત હોવાથી અમેરિકા જાણીજોઈને તેને હાઈ-રિસ્ક ઝોનમાં મોકલે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં ડ્રોન ગુમાવવા એ અમેરિકા માટે આંચકો છે.
ટેકનિકલ ભૂલો અને ફ્રેન્ડલી ફાયરની મોટી કિંમત
આ યુદ્ધમાં દુશ્મનના હુમલા કરતા પણ વધુ નુકસાન અમેરિકાને પોતાની ભૂલો અને ટેકનિકલ ખામીને કારણે થયું છે. ઓપરેશન દરમિયાન એક KC-135 રિફ્યુઅલિંગ ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત થતા ક્રૂના તમામ 6 સભ્યોના મોત થયા છે. કુવૈતમાં મોટી ગેરસમજને કારણે અમેરિકી સેનાએ પોતાના જ ત્રણ F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા હતા. આ ઘટના હાઈ-પ્રેશર યુદ્ધમાં તાલમેલનો અભાવ દર્શાવે છે. સાઉદી અરેબિયાના બેઝ પર ઈરાની મિસાઈલ હુમલામાં અન્ય 5 KC-135 વિમાનોને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો : LIVE: તેહરાનમાં ઈઝરાયલના પ્રચંડ હવાઈ હુમલા, ઈરાને સાઉદી, કુવૈત અને UAEને હચમચાવ્યાં
શું અમેરિકાનું 'એર સુપિરિયોરિટી'નું સપનું રોળાયું?
સામાન્ય રીતે અમેરિકા કોઈપણ યુદ્ધમાં આકાશ પર સંપૂર્ણ કબજો જમાવી લે છે, પરંતુ ઈરાન સામે આ દાવ ઉંધો પડી રહ્યો છે. અમેરિકી અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમને માત્ર સ્થાનિક સ્તરે જ સફળતા મળી છે, સમગ્ર ઈરાની આકાશ પર તેમનું નિયંત્રણ નથી. હાલમાં જ એક અત્યાધુનિક F-35 ફાઈટર જેટ પણ ઈરાની ગોળીબારનો શિકાર બન્યું હતું, જેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. સદનસીબે પાયલોટ સુરક્ષિત બચી ગયો હતો.
ઊર્જા મથકો પર હુમલા
ઈરાને તેના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કતાર અને સાઉદી અરેબિયાના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા તેજ કર્યા છે. હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના માર્ગો સુરક્ષિત રાખવા હવે અમેરિકા માટે મોટો પડકાર બની ગયો છે, કારણ કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ ડગલે ને પગલે ખતરો બનીને ઊભી છે.


