Iran US Talks Fail: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યો છે. ઈરાન ખાડી દેશોમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકો પર જોરદાર વળતો પ્રહાર કરી રહ્યું છે. આવા સમયે ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાને મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે આ પ્રયાસ પર પાણી ફળ્યું છે. રિપોર્ટ મુજબ, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) કરાવવાના જે પ્રયાસો ચાલી રહ્યા હતા, તે હાલ પૂરતા અટકી ગયા છે. મહત્વનું છે કે અમેરિકાએ યુદ્ધ વિરામ માટે ઈરાન સામે 15 પોઈન્ટમાં શરતો મૂકી હતી.
ઈરાને વાતચીતથી કર્યો ઈનકાર
અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર માટે કરવામાં આવી રહેલા મધ્યસ્થી પ્રયાસોમાં સ્થગિત થઇ ગયા છે. ઈરાને નિર્ધારિત વાતચીતમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ માહિતી 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સહિતના પ્રાદેશિક દેશો દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર કરાવવાના પ્રયાસો હવે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.
અમેરિકાની માંગણીઓ અસ્વીકાર્ય
ઈરાને મધ્યસ્થીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે આગામી દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓને મળવા તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય માને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈરાને સત્તાવાર રીતે મધ્યસ્થીઓને જાણ કરી છે કે તે ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓને મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓ અસ્વીકાર્ય છે.'
આ પણ વાંચો: ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર
આ અગાઉ પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની યજમાની કરવાની ઓફર કરી હતી, પરંતુ મધ્યસ્થી પ્રયાસોમાં પ્રગતિ ન થવાને કારણે આ પ્રસ્તાવ હવે ટળી ગયો છે. ઈસ્લામાબાદે કહ્યું હતું કે તે સાર્થક વાટાઘાટોની યજમાની અને સુવિધા આપવા માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું હતું કે દેશ સન્માનિત અનુભવશે અને સાર્થક વાતચીતમાં મદદ કરશે.


