Iran Threatens US and Israel : ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ અલી લારીજાનીના ઈઝરાયેલી હવાઈ હુમલામાં મોત બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ભયાનક બની છે. આ ઘટના પર આક્રમક પ્રતિક્રિયા આપતા ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા અને ઈઝરાયેલને કડક શબ્દોમાં ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોઈ એક નેતાના જવાથી ઈરાનની રાજકીય, સૈન્ય કે આર્થિક વ્યવસ્થા પર કોઈ આંચ આવશે નહીં અને દેશ પોતાની નીતિઓ સાથે આગળ વધતો રહેશે.
અમેરિકાએ નુકસાનની જવાબદારી લેવી પડશે
વિદેશ મંત્રી અરાઘચીએ આ સમગ્ર સંઘર્ષ માટે અમેરિકાને જવાબદાર ઠેરવી કહ્યું કે, વોશિંગ્ટને આ યુદ્ધના કારણે થયેલા માનવીય અને આર્થિક નુકસાનની જવાબદારી લેવી પડશે. આ યુદ્ધ ત્યારે જ સમાપ્ત થઈ શકે છે જ્યારે ઈરાનને થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે અને તેની સંપ્રભુતાનું સન્માન જળવાય. લારીજાની અને તેમના પુત્ર મોર્તઝાના મોતના બદલામાં ઈરાન પોતાની નીતિઓને વધુ મજબૂત બનાવશે તેવો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ
વ્યક્તિ કરતા વ્યવસ્થા મોટી : અરાઘચી
નેતૃત્વ પરિવર્તન અંગે વાત કરતા અરાઘચીએ જણાવ્યું કે, ઈરાનમાં વ્યક્તિ કરતા વ્યવસ્થા મોટી હોવાના સિદ્ધાંત પર કામ થાય છે. પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ પણ દેશની શાસન વ્યવસ્થા અડગ રહી છે, તેવી જ રીતે વર્તમાન સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના નેતૃત્વમાં પણ દેશ મજબૂતીથી આગળ વધશે. પરમાણુ કાર્યક્રમ અંગે તેમણે ફરી કહ્યું કે, ઈરાન પર લાગતા તમામ આરોપો રાજકીય છે અને આવા ઓરોપો કરીને પશ્ચિમ દેશો દ્વારા દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે, અગાઉ જે રીતે એક ફતવાનો વિરોધ કરાયો હતો, તેવી જ રીતે અયાતુલ્લા અલી ખામેનેઈએ પરમાણુ હથિયારોના નિર્માણનો વિરોધ કર્યો હતો.
હોર્મુઝ જળમાર્ગ પર તેલ પુરવઠો રોકવાની ધમકી
વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વના ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' મુદ્દે ઈરાને વિશ્વની ચિંતા વધારી દીધી છે. અરાઘચીએ ચેતવણી આપી છે કે, વર્તમાન સંજોગોમાં ઈરાન આ માર્ગેથી અમેરિકા, ઈઝરાયેલ કે તેમના સાથી દેશો સુધી ઉર્જા પુરવઠો પહોંચવા દેશે નહીં. ઉલ્લેખનીય છે કે દુનિયાનો લગભગ 20 ટકા તેલ અને ગેસનો વેપાર આ જ માર્ગેથી થાય છે. ઈરાને યુદ્ધ બાદ આ દરિયાઈ માર્ગ માટે નવા 'રીજનલ પ્રોટોકોલ' તૈયાર કરવાની પણ હિમાયત કરી છે.


