World

ઇરાન પડી ભાંગવાના આરે: પ્રમુખ ટ્રમ્પનો ફરીથી ચોંકાવનારો દાવો

By GS Team
29 Apr 20262 mins read
ઇરાન પડી ભાંગવાના આરે:  પ્રમુખ ટ્રમ્પનો ફરીથી ચોંકાવનારો દાવો

- હીઝબુલ્લાહના રોકેટ આવશે તો અમે પણ હુમલા કરીશું : ઇઝરાયેલ

- યુએન અણુઅપ્રસાર સંધિમાં વાઇસ પ્રેસિડેન્ટ બનાવવા અંગે અમેરિકા-ઇરાન એકબીજા સાથે બાખડયા

- દક્ષિણ લેબનોનના હીઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલના હુમલા: યુદ્ધવિરામ પર શંકાના વાદળો

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મંગળવારે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાન પડી ભાંગવાના આરે છે. આ વાત ઇરાને જ તેમને જણાવી છે. તેઓ ઇચ્છે છે કે અમે હોર્મુઝની ખાડી શક્ય તેટલા વહેલા ખોલીએ. તેઓ તેમની નેતાગીરીની ગૂંચવણ ઉકેલવા પ્રયત્નશીલ છે.તેમણે ઉમેર્યુ હતું કે ઇસ્લામિક રિપબ્લિકની સરકાર પહેલા આંતરિક મતભેદો ઉકેલશે અને પછી જ અમેરિકા સાથે વાટાઘાટ કરશે. 

ઇરાન તરફથી આ સંદેશો કોણે પ્રસારિત કર્યો તેના અંગે વ્હાઇટ હાઉસે કશું જણાવ્યું નથી. આમ છતાં ટ્રમ્પના અગાઉના દાવાઓને ધ્યાનમા રાખતા તેમના આ દાવા પર પણ કેટલો ભરોસો કરવો તે સવાલ છે. અમેરિકાના વિદેશ પ્રધાન રૂબિયોએ જણાવ્યું છે કે અમે ઇરાન પરમાણુ કાર્યક્રમ બંધ કરવાની ખાતરી આપતા કરાર કરે તેના પછી જ હોર્મુઝની ખાડી ખોલવાના છીએ. આ ડીલ વગર હોર્મુઝની ખાડી નહીં ખૂલે. આમ ટ્રમ્પ વહીવટીતંત્ર ઇરાનના હોર્મુઝની ખાડી ખોલવાના અને અમેરિકાની ઘેરાબંધી દૂર કરવાની હાલની દરખાસ્તને સ્વીકારે તેવી ઓછી સંભાવના છે. 

અમેરિકા અને ઇરાન હવે યુદ્ધક્ષેત્રમાં નહીં પણ યુએનમાં પરમાણુ સંધિની સમીક્ષાના મુદ્દે બાખડયા હતા. અહીં મુદ્દો ઇરાનને કોન્ફર્સના ૩૪ વાઇસ પ્રેસિડેન્ટમાંથી એકના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટવાનો હતો, જ્યાં ૧૯૧ દેશો અણુ અપ્રસાર સંધિના અમલીકરણની સમીક્ષા કરી રહ્યા છે. આ સંધિ ૧૯૭૦થી અમલમાં આવી હતી. જ્યારે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં એકસાથે મોટાપાયા પર હુમલા કર્યા છે. ઇરાન તે સમયે બિનજોડાણવાદી ચળવળમાં જોડાયેલુ હતુ, જેમા કુલ ૧૨૧ દેશોનો શંભુમેળો હતો. ઇરાન યુદ્ધના પગલે તહેરાનના પરમાણુ કાર્યક્રમને લઈને તનાવ જારી છે. ટ્રમ્પનું કહેવું છે કે તે ઇરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દે. ઇરાન પાસે સંવર્ધિત યુરેનિયમ છે, પરંતુ આ યુરેનિયમ તેના શાતિમય પરમાણુ કાર્યક્રમ માટે હોવાનો દાવો કરે છે. આ બેઠકનો પ્રારંભ જ ઇરાને અમેરિકાને કરેલી ઓફરથી થયો હતો, જેમા ઇરાને જણાવ્યું હતું કે અમેરિકા હોર્મુઝની ઘેરાબંધી હટાવે અને યુદ્ધ બંધ કરે તો બદલામાં ઇરાન હોર્મુઝની ખાડી ખોલી દે. પરમાણુ કાર્યક્રમ પર પછી ચર્ચા કરીશું. ઇરાન અણુપ્રસાર સંધિનું પક્ષકાર છે, જેના માટે યુએન ન્યુક્લિયર એજન્સી સાથે સહયોગ કરવો જરૂરી છે.