- મિસાઈલ એલર્ટ પછી દુબઈ અને દોહામાં વિસ્ફોટો થયા
- ઈરાનના સતત હુમલાથી યુએઈમાં ભારતની 800 કંપનીના રૂ. 12,000 કરોડનું રોકાણ જોખમમાં મૂકાયું
જેરુસલેમ : અમેરિકા અને ઈઝરાયેલે મધ્ય-પૂર્વમાં ઈરાન પર મિસાઈલ અને હવાઈ હુમલા કરીને સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓનો ખાત્મો બોલાવી દીધો હતો. હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે દાવો કર્યો છે કે ઈઝરાયેલના તાજા હુમલામાં ઈરાનના સુરક્ષા પ્રમુખ અલિ લારિજાનીનું મોત થયું છે. તેમના મોતથી ઈરાનની સરકાર નબળી પડશે અને ઈરાનના લોકો જાતે પોતાનું ભવિષ્ય ઘડી શકશે. બીજીબાજુ ઈરાને દુબઈ, દોહા મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. બગદાતમાં અમેરિકાના દૂતાવાસને નિશાન બનાવીને રોકેટ હુમલા કરતા દૂતાવાસને ખાલી કરાવવું પડયું હતું.
અમેરિકા અને ઈઝરાયેલે એક પખવાડિયા કરતાં વધુ સમયથી સતત ઈરાન પર હુમલા કરી રહ્યા છે ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે, ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે ઈરાનના સુરક્ષા પ્રમુખ અલિ લારિજાનીનું મોત થઈ ગયું છે. લારિજાની પર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ હતું, અમે તો તેમને મફતમાં ઠાર કર્યા. જોકે, ઈરાને ઈઝરાયેલનો દાવો ફગાવી દીધો હતો. તેમણે લારિજાનીના મોતની પુષ્ટી કરી નથી.
ઈરાનના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે પણ દાવો કર્યો કે, સોમવારે આખી રાત ચાલેલા ઓપરેશનમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ તરીકે કામ કરતા અલિ લારિજાનીનું મોત થઈ ગયું છે. તેઓ દેશના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક હતા. તેમની સાથે બાસિજના કમાન્ડર જનરલ ઘોલામ રેઝા સોલેમાનિનું પણ મોત થઈ ગયું છે. અયાતોલ્લા અલિ ખામેનેઈની મોત પછી લારિજાની ઈરાનના યુદ્ધ સંચાલનના ઈન-ચાર્જ હતા.
બીજીબાજુ ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના સાથી દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલો ચાલુ રાખ્યો હતો. ઈરાને કતારની રાજધાની દોહા અને યુએઈના દુબઈમાં મિસાઈલ એલર્ટ પછી વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સાઉદી અરબના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, દેશના પૂર્વીય ભાગમાં છ ડ્રોન તોડી પડાયા હતા. યુએઈએ કહ્યું કે, તેની એર ડિફેન્સ સિસ્ટમે ૧૦ બેલિસ્ટિક મિસાઈલ્સ અને ૪૫ ડ્રોન તોડી પાડયા હતા. આ સાથે ઈરાને યુએઈના પૂર્વીય કિનારા પર લંગર નાંખેલા એક ટેન્કર પર મિસાઈલ હુમલો કર્યો હતો.
ઈરાને ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસ કેન્દ્ર પર રોકેટોથી ફરી હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. ઈરાનના હુમલાના પગલે વિસ્તારમાં સાયરનો વાગવા લાગી હતી. આ હુમલાના કારણે અમેરિકન દૂતાવાસને ખાલી કરી દેવાયું હતું. ઈરાને ઓમાનની ખાડીમાં પણ એક ટેન્કરને નુકસાન પહોંચાડયું હતું, પરંતુ કોઈના ઘાયલ થયાના અહેવાલ નથી.
દરમિયાન યુએઈમાં ઈરાનના સતત હુમલાથી ભારતની ૮૦૦ જેટલી મધ્યમ અને નાની કંપનીઓનું રૂ. ૧૨,૦૦૦ કરોડનું રોકાણ જોખમમાં મુકાયું છે. એક રિપોર્ટ મુજબ ભારતીય કંપનીઓએ યુએઈમાં કુલ ૧.૩ અબજ ડોલર અંદાજે રૂ. ૧૨,૦૦૦ કરોડનું જંગી રોકાણ કર્યું હતું, જે હવે યુદ્ધના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. સૌથી વધુ નુકસાન રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરની કંપનીઓને થઈ છે, જ્યાં ૨૮૦ ભારતીય કંપનીઓએ અંદાજે ૪૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.
દરમિયાન હોર્મુઝની ખાડીને ઈરાનના હુમલાઓથી મુક્ત કરાવવા માટે વૈશ્વિક સંગઠન બનાવવામાં નિષ્ફળ ગયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, નાટો અને મોટાભાગના અન્ય સાથી દેશોએ હોર્મુઝની ખાડીમાં ઈરાન સામે લડવામાં તેમને મદદ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ દેશો જાણે છે કે ઈરાન પર હુમલો કરીને અમે યોગ્ય કામ કર્યું છે. ઈરાન જોડે પરમાણુ હથિયાર ના હોવા જોઈએ તેમાં પણ તેઓ સહમત છે. આમ છતાં તેમણે હોર્મુઝની ખાડી મુદ્દે અમને સાથ આપ્યો નથી. તેમને કદાચ યુદ્ધ લાંબુ ચાલે તેવો ડર છે અને તેમને આશંકા છે કે અમેરિકન નેવી કરતાં વધુ સારું કામ તેઓ ભાગ્યે જ કરી શકશે.


