- અમેરિકા અને ઇરાનના એકબીજા પર હુમલાનો સિલસિલો યથાવત્
- અમેરિકાના અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરને ઇરાને તોડી પાડયાનો દાવો કરી ટ્રમ્પે ભીષણ હુમલાનો આદેશ આપ્યો
- ઓમાન નજીક ઓઇલ ટેન્કર પર હુમલો ત્રણ ભારતીય ખલાસી ગુમ, 21ને બચાવાયા
દુબઈ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દરેક નિર્ણય ઉતાવળિયો લાગે છે, પછી તે ટેરિફ હોય, યુદ્ધ હોય, યુદ્ધવિરામ હોય કે શાંતિમંત્રણા હોય. ઇરાન સાથે યુદ્ધનો નિર્ણય ઉતાવળે લઈને પસ્તાયેલા ટ્રમ્પ પહેલા યુદ્ધવિરામ અને પછી શાંતિ સ્થાપવા બેબાકળા બન્યા છે, પરંતુ શાંતિ દર વખતે તેમના હાથમાંથી છટકી જાય છે. અમેરિકા અને ઇરાને એકબીજા પર હુમલા શરૂ કરી દીધા લાગે છે, તે જોતા શાંતિમંત્રણા કચરા ટોપલી ભેગી થઈ ગઈ લાગે છે. આ બતાવે છે કે મધ્યપૂર્વએ હજી પણ ઘણા ભડકા જોવાના બાકી લાગે છે.
ઇરાન સાથે શાંતિ હાથવેંતમાં જ છે તેવું ૩૮ વખત કહી ચૂકેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે છેવટે કહેવું પડયું છે કે ઇરાન ડીલ કરવામાં મોડું કર્યુ, હવે મોટી કિંમત ચૂકવવા તૈયાર રહે. આ બતાવે છે કે તાકાત વડે શાંતિ સ્થાપવાના ટ્રમ્પના સિદ્ધાંતને અને ટ્રમ્પના પ્રયત્નોને નિષ્ફળતા મળી છે.
બહેરીન, જોર્ડન અને યુરોપ આ ત્રણેય સ્થળોએ અમેરિકન એરબેઝ પર હુમલા કરવામાં આવ્યા પછી ટ્રમ્પે આ વાત જણાવી હતી. એક જ સપ્તાહમાં આ પ્રકારના હુમલા બીજી વખત થયા છે, જે બતાવે છે કે બે મહિના જૂના યુદ્ધવિરામની બરોબરની કસોટી થઈ રહી છે.
અમેરિકાનું અત્યંત આધુનિક હેલિકોપ્ટર અપાચે હેલિકોપ્ટર ઓેમાનના સમુદ્ર તટ ઉપર તોડી પડાયા પછી ઇરાન અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલી અત્યંત વધી ગઈ છે. સોશ્યલ મીડિયા ઉપર યુ.એસ.સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમારી કાર્યવાહી ઇરાનના અન્યાયી હુમલાના જવાબમાં શરૂ થઇ ચૂકી છે.
પ્રમુખ ટ્રમ્પે જો હેલિકોપ્ટર તોડી પાડવાનો ઇરાન ઉપર સીધો આક્ષેપ મુક્યો છે. પરંતુ ઇરાન કહે છે કે અમે તે હેલિકોપ્ટર તોડી પાડયું નથી. પરંતુ પ્રમુખ ટ્રમ્પે તો તેઓની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર લખ્યું હતું કે અમેરિકાએ આ હુમલાનો યોગ્ય જવાબ આપવો જ પડે.
તાજેતરના હુમલામાં અમેરિકાના ફાઇટર જેટ્સે ઇરાનના એર ડિફેન્સ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન્સ અને સર્વેલન્સ રડાર સાઇટ્સને નિશાન બનાવી હતી. ઇરાને જણાવ્યું હતુ કે બંદર અબ્બાસ અને કાશેમ આઇલેન્ડ પર હુમલા થયા છે, પરંતુ તેણે નુકસાનની વિગતો આપી ન હતી.
તે સર્વિવિદિત છે કે તે હેલિકોપ્ટર હોર્મુઝ સ્ટ્રેઇટ્સ પાસે તૂટી પડયું હતું. જે અંગે પ્રમુખ ટ્રમ્પે લખ્યું કે સેનાના અધિકારીઓએ મને જણાવ્યું છે કે ઇરાનીઓએ આપણાં એક અત્યંત આધુનિક તેમાં અપાચે હેલિકોપ્ટરને તોડી પાડયું છે. સૌથી પહેલી જ વાર અન મેન્ડ ડ્રોન બોટ દ્વારા બંને પાયલોટસને બચાવી લેવામાં આવ્યાં છે.બીજી તરફ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ આક્ષેપોનને ફગાવી દેતાં કહ્યું કે ઇરાનની સરહદ પાસે કાર્યરત રહેલાં વિદેશી દળો અસામાન્ય ભય નીચે આવી ગયાં છે. તેઓની સુરક્ષિત રહેવા માટે શ્રેષ્ઠ ઉપાય તો વહેલામાં વહેલી તકે આ વિસ્તાર છોડી દેવાનો છે. ટૂંકમાં તાજેતરમાં બની રહેલી ઘટનાઓ અત્યારે જ નિર્બળ બની ગયેલાં યુદ્ધ વિરામને વધુ નબળું પાડી રહી છે અને નાની આવી માનવીય ભૂલ પણ અત્યારે જ ભડકી રહેલી પરિસ્થિતિ ઓચિંતી ભડકી ઉઠે તેમ છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવા હુમલાઓ જોતાં ઇરાન યુદ્ધ અંત લાવવાની વાટાઘાટના વલણની સમીક્ષા કરી શકે છે. ડીલ કરવાના પ્રયત્નો જારી છે. અમેરિકા સાથે ચર્ચાવિચારણા કર્યા પછી કતારનું પ્રતિનિધિમંડળ બુધવારે તહેરાન આવ્યું છે. ઇરાનની માંગ છે કે યુદ્ધ બંધ કરવામાં આવે તો તેની સાથે ઇઝરાયેલ પણ લેબનોન પર હુમલા બંધ કરે તે જરૂરી છે. તેની સામે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ ઇરાન અને તેના હીઝબુલ્લાહ જેવા પ્રોક્સીને ખતમ કરવા મક્કમ છે. તે જ્યાં સુધી ખતમ થશે નહીં ત્યાં સુધી તેઓ અટકવાના નથી. ઇઝરાયેલે ટાયર શહેર પર કરેલા હુમલામાં બીજા છના મોત થયા હતા. ઇઝરાયેલે હાલમાં લેબનોનનો ૨૫ ટકા જેટલો હિસ્સો કબ્જે કરી લીધો છે અને તે અગાઉ ૧૯૮૦ના દાયકામાં કબ્જે કરેલા હિસ્સા કરતાં પણ આગળ વધી ગયું છે. સાઉથ લેબનોન સંપૂર્ણપણે તેના કબ્જામાં છે. જો આમ જ હુમલા જારી રહ્યા તો આગામી દિવસોમાં ઇઝરાયેલ બૈરૂત પહોંચી જાય તો આશ્ચર્ય નહી થાય. ઓમાનના દરિયાકિનારે સેટાબેલો જહાજ પર થયેલા હુમલામાં ૨૪ ભારતીયમાંથી ૨૧ને બચાવી લેવાયા છે અને ત્રણ ગુમ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે આ બનાવની આકરી ટીકા કરીએ છીએ. અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.


