| Image Source - lockheedmartin.com |
Iran Claims US F-35 Strike and 180 Drones Downed : અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ ચાલી રહ્યું છે, જોકે તેમ છતાં બંને દેશો એકબીજા પર આક્રમક શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. હવે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગલીબાફે રવિવારે દાવો કર્યો છે કે, યુદ્ધમાં ઈરાને 180 ડ્રોન તોડી પાડી અને અમેરિકાના સૌથી મજબૂત સ્ટેલ્થ ફાઈટર જેટ એફ-35ને નુકસાન પહોંચાડ્યું છે. ઈરાને આ કાર્યવાહી કરી દુશ્મન દેશોને ઈરાની સેનાની તાકાતને અહેસાસ કરાવ્યો છે.
ઈરાની સેનાએ દુશ્મન દેશોને ક્ષમતાનો અહેસાસ કરાવ્યો : ગલીબાફ
ઈરાની સ્પીકરે કહ્યું છે કે, ‘રાડારમાં ન પકડાય તેવું અમેરિકાનાં F-35 ફાઈટર જેટ પર થયેલો હુમલો કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ ઈરાને ટેકનિકલ અને ડિઝાઈન ક્ષમતાનો ઉપયોગ કરીને પૂરતી તૈયારી કરી અને આયોજન સાથે તેના પર સચોટ હુમલો કર્યો છે. જેટ પાસે ઝીંકવામાં આવેલી મિાઈલે દુશ્મન દેશોને અહેસાસ કરાવી દીધો છે કે, ઈરાન પાસે કેવી ક્ષમતા છે અને દેશ કંઈ દિશામાં આગળ વધી રહ્યો છે.’
એફ-35 જેટ પર હુમલો થયો હોવાનો અમેરિકાએ સ્વિકાર કર્યો હતો
તેમણે દાવો કર્યો કે, ‘ઈરાનની ડિફેન્સ ટેકનોલોજીની ક્ષમતાનો સંકેત આપવા માટે આ હુમલા જાણીજોઈને કરવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીઓએ ગત મહિને સ્વિકાર કર્યો હતો કે, ઈરાને ગોળીબાર કર્યા બાદ એફ-35 જેટે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને અમેરિકન જેટ પર હુમલો કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.
ઈરાની સ્પીકરે ટ્રમ્પ પર સાધ્યું નિશાન
ઈરાની સ્પીકરે કહ્યું કે, ‘ઈરાન અને અમેરિકા કેટલાક મુદ્દાઓ પર સંમત થઈ ગયા છે, જોકે કેટલાક મુદ્દાઓ પર હજુ પણ મતભેદ ચાલી રહ્યા છે. પશ્ચિમ દેશો દ્વારા ઈરાન પર દબાણ લાવવાની અને ધમકીઓ આપવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે, ત્યારપછી વાતચીત શરૂ કરવામાં આવી છે.’
‘દુશ્મન દેશો ડરી ગયા એટલે મધ્યસ્થી દ્વારા સંદેશ મોકલી રહ્યા છે’
ગલીબાફે વધુમાં કહ્યું કે, ‘દુશ્મન દેશોએ ચેતવણી આપી અને સમયમર્યાદા પણ નક્કી કરી છતાં તેઓ પોતાનું લક્ષ્ય હાંસલ કરી શક્યા નથી. તેથી જ હવે મધ્યસ્થીઓ દ્વારા સંદેશ મોકલી રહ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરવા પાછળનો ઉદ્દેશ્ય જુદો જુદો હતો. ઈરાને પોતાની માંગણીઓ પૂરી કરવા માટે વ્યૂહાત્મક રસ્તો અપનાવી યુદ્ધવિરામ માટે માની ગયું છે, જ્યારે યુદ્ધના મેદાનમાં ઈરાનનો વિજય થયો હોવાનું માની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કર્યું છે.


