| File Photo |
Dubai News : મધ્ય પૂર્વમાં ચાલી રહેલો જંગ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યો છે. ઈરાને દાવો કર્યો છે કે, તેણે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈમાં આવેલા અમેરિકી સેનાના બે ગુપ્ત ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોન વડે ચોકસાઈપૂર્વક હુમલા કર્યા છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર સંસ્થા ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં અમેરિકી દળોને મોટું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
500 અમેરિકી સૈનિકો પર ત્રાટકી ઈરાની મિસાઈલો?
ઈરાની સૈન્ય મુખ્યાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દુબઈમાં આવેલા આ બે ગુપ્ત ઠેકાણાઓ પર અંદાજે 500 અમેરિકી સૈનિકો હાજર હતા. જેમાંથી એક સ્થળે 400 અને બીજા સ્થળે 100 સૈનિકો તૈનાત હતા. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ ઠેકાણાઓની ઓળખ કરી સચોટ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું છે. ઈરાનનો દાવો છે કે અગાઉ થયેલા હુમલાઓ બાદ અમેરિકી સૈનિકો આ ગુપ્ત સ્થળો પર શિફ્ટ થયા હતા.
ટ્રમ્પને ચેતવણી આ ક્ષેત્ર અમેરિકી સૈનિકોની કબર બનશે
આ હુમલા બાદ ઈરાને અમેરિકા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપી છે. ઈરાની નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જો અમેરિકા તેની ગતિવિધિઓ બંધ નહીં કરે તો આ આખું ક્ષેત્ર અમેરિકી સૈનિકો માટે કબરગાહ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં UAE અને સાઉદી અરેબિયામાં મિસાઈલ અને ડ્રોન હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે.
આ પણ વાંચો : યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં
જંગ હવે ખાડી દેશોના આંગણે
નિષ્ણાતો માને છે કે જો દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબમાં હુમલાની પુષ્ટિ થશે, તો આ યુદ્ધ વધુ વ્યાપક બનશે. આનાથી ખાડી દેશોની સુરક્ષા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.
અમેરિકાની જવાબી તૈયારી 82nd એરબોર્ન ડિવિઝન મેદાને?
ઈરાનના આક્રમક વલણને જોતા અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ અમેરિકા તેની ઘાતક 82nd એરબોર્ન ડિવિઝનના સૈનિકો મોકલવા પર વિચાર કરી રહ્યું છે. ઈરાનના મહત્વના ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) પર સંભવિત સૈન્ય કાર્યવાહીની ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ, ઈરાને પણ આ વિસ્તારમાં દરિયાઈ સુરંગો (Mines) બિછાવવાનું અને વધારાનું સૈન્ય તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે.


