- ઈરાને પરમાણુ મુદ્દાએ કોઈપણ સમજૂતી કરવા ઈન્કાર કર્યો : સાથે કહ્યું ઈરાન તેની મિસાઈલ તાકાતથી કોઈપણ આક્રમણ હઠાવી શકે તેમ છે
નવીદિલ્હી : ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા અને સમજૂતી કરવા માટે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની ૬ શર્તો અંગે નારાજગી દર્શાવી છે. જોકે ટ્રમ્પની શર્તો જાણ્યા પછી ઈરાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરાયું નથી. પરંતુ ઈરાને તે અંગે કોઈ બાંધછોડ નહીં કરવાનો સંકેત આપી દીધો છે, અને પરમાણુ મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી કરવાનો ઈનકાર કર્યો છે.
ઈરાનના મુખ્ય મંત્રણાકાર, ઈરાનની મજલીસ (સંસદ)ના અધ્યક્ષ મોહમ્મદ ગવીબાફે સોશ્યલ મિડીયા પોસ્ટ ઉપર લખ્યું કે, ''ઈરાનને અમેરિકાની સલામતી ગેરેન્ટી ઉપર ભરોસો નથી. ઈરાન પોતાની મિસાઈલ તાકાતોના લીધે, દબાણનો સામનો કરવા સક્ષમ છે, અમને અમેરિકાની ગેરેન્ટી ઉપર કોઈ વિશ્વાસ નથી. તહેરાન માત્ર કાર્યવાહીના આધારે જ નિર્ણય લેશે. જ્યાં સુધી અમેરિકા દ્વારા કોઈ નિશ્ચિત પગલું ભરવામાં નહીં આવે ત્યાં સુધી અમે પણ કોઈ પગલું ભરશું નહીં.''
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટસ ઉપર ટોલ બંધ કરવાના મુદ્દે તથા તેનો પરમાણુ કાર્યક્રમ નષ્ટ કરવાના મુદ્દે જે શર્તો છે. તે મૂળ સમજૂતી-મુદ્દામાં ન હતી. તેટલું જ નહીં પરંતુ મંત્રણા શરૂ થાય તે પહેલાં ૧૨ અબજ ડૉલરની ઈરાનની સંપત્તિને ડી-ફ્રીઝ કરવી જોઈએ. લેબેનોનમાં સંપૂર્ણ યુદ્ધ વિરામ તથા હિઝબુલ્લાહ સામે થતી ઈઝરાયલી કાર્યવાહી તૂર્ત જ રોકવામાં આવે, તેવી માગણી કરી છે.
ઈરાન કહે છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનાં નિવેદનોમાં અર્ધું સત્ય અને અર્ધું અસત્ય છે. તેઓ જીતનો દાવો જલ્દબાજીમાં કરી રહ્યાં છે. વળી અમેરિકાએ ઈરાન અંગે અસભ્ય ભાષાનો પ્રયોગ પણ કરવો ન જોઈએ.
ઈરાનનાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, ઈરાન તેના દરેક નિર્ણયો માત્ર તેની જનતાનાં હિતો અને અધિકારોના આધારે જ લે છે. ઈરાન કોઈ બાહ્ય દબાણમાં આવતું નથી કે તે ઝૂકવાનું પણ નથી.
ઈરાન માટે અમેરિકાની છ શર્તો : પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ આખરી નિર્ણય લેવા માટે તેઓ સીચ્યુએશન રૂમમાં જઈ રહ્યાં છે. વ્હાઈટ હાઉસમાં બનાવાયેલો આ ખંડ વૈશ્વિક પરિસ્થિતિ ઉપર નજર રાખવા રચાયો છે. અહીંથી યુદ્ધ સલામતિ માટે જે શર્તો જાહેર કરાઈ છે, તે આ પ્રમાણે છે :
(૧) ઈરાને તે સ્વીકારવું જોઈએ કે તેની પાસે ક્યારેય પરમાણુ શસ્ત્ર કે બોમ્બ નહીં હોય.
(૨) હોર્મુઝ-સ્ટ્રેઈટસ તૂર્ત જ ખોલવી જોઈએ. કોઈપણ પ્રકારનો ટોલ નહીં લેવાય. બંને દિશાઓમાં માલવાહક જહાજો અન્ય જહાજો તેમજ યુદ્ધ જહાજો પણ કોઈપણ રોક-ટોક વિના જઈ આવી શકે.
(૩) જો હોર્મુઝ સ્ટ્રેઈટસમાં વોટર માઈન્સ હોય તો તેને અમેરિકા દ્વારા જ ખતમ કરી દેવામાં આવે.
(૪) જે જહાજો, નાકાબંધીને લીધે, હોર્મુઝ સ્ટ્રેઈટસમાં ફસાયાં છે. તે હવે છુટા થવાની પ્રક્રિયા શરૂ કરી શકે.
(૫) સંવર્ધિત યુરેનિયમ, ઈરાન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઈ.એ.ઈએ)ના સહકારથી અમેરિકા ખોદીને બહાર કાઢી નાખી તેને નષ્ટ કરી શકે.
(૬) કોઈપણ પ્રકારની આર્થિક લેન-દેન ઉપર રોક લગાવાશે. ઈરાનની સંમતિ ત્યાં સુધી ડી-ફ્રીઝ નહીં કરાય કે જ્યાં સુધી આગળ સૂચના ન અપાય.


