- મોટાભાગના જહાજ હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા હોવાથી
- ભાવિમાં આવા સંકટનો સામનો કરવા આઈઈએની ઊર્જાના સ્રોત અને માર્ગમાં વિવિધતા લાવવાની સલાહ
બેંગકોક : ઈરાનના યુદ્ધએ દક્ષિણ-પૂર્વ એશિયાની આયાતી તેલ અને ગેસ પર ભારે નિર્ભરતાને ઉજાગર કરી છે, જેનાથી આ ક્ષેત્ર ઊર્જા સુરક્ષાના ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)ના એક અહેવાલ અનુસાર હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા ઈંધણ જહાજો પર આ ક્ષેત્રની નિર્ભરતાએ તેને ભૂ-રાજનીતિક ઉથલપાથલ પ્રત્યે વિશેષ રૂપથી સંવેદનશીલ બનાવી દીધું છે. એજન્સીએ આ સંકટને એક ગંભીર ચેતવણી ગણાવીને સરકારોને ઊર્જા સ્રોતો તેમજ આપૂર્તિ માર્ગો બંનેમાં વિવિધતા લાવવાની ભલામણ કરી છે.
આ લડાઈને કારણે ઈંધણની કિંમતો વધી, મોંઘવારીમાં ઉછાળો આવ્યો અને ઊર્જા બિલોમાં ભારે વૃદ્ધિ થઈ, જેનાથી અનેક દેશો એવી સ્થિતિમાં આવી ગયા જેને આઈઈએએ એનર્જી ટ્રાયેજ ગણાવ્યું. જો સુધારો નહિ થાય તો દક્ષિણ-પૂર્વ એશિયાનું વાર્ષિક ઊર્જા આયાત બિલ ૨૦૨૪માં ૮૦ બિલિયન ડોલરથી વધીને ૨૦૩૫ સુધીમાં ૨૪૫ બિલિયન ડોલર સુધી પહોંચી શકે. જો કે આ સંકટે સ્વચ્છ વિકલ્પોમાં રુચિ વધારી છે, પણ તેનાથી ઈમરજન્સી સ્થિતિમાં કોલસા પરની નિર્ભરતા પણ વધી ગઈ છે.
પરિવર્તનના સંકેત અત્યારથી જ મળી રહ્યા છે. ૨૦૨૫માં આ ક્ષેત્રમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણાથી વધીને લગભગ પાંચ લાખ યુનિટ થયું. લાઓસે ૨૦૨૬ના બાકી સમયગાળા માટે ઈંધણથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે ફિલિપિન્સમાં ઉપભોક્તા વીજળીના વધતા ખર્ચને પહોંચી વળવા રેકોર્ડ સ્તરે રૂફટોપ સોલર સીસ્ટમ અપનાવી રહ્યા છે. ૨૦૨૬ની શરૂઆતમાં ફિલિપિન્સ ચીની સૌર નિર્યાત માટે બીજા નંબરનું સૌથી મોટુ બજાર બની ગયું.
આઈઈએએ જણાવ્યું કે દક્ષિણ-પૂર્વ એશિયા એક મહત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભુ છે. તેણે આયાતી ફોસિલ ઈંધણ પર નિર્ભરતા ઓછી કરવા અને ઊર્જાની બાબતમાં વધુ મજબૂત ભાવિ બનાવવા માટે વધુ સક્ષમ પાવર ગ્રિડ તેમજ સૌર, પવન અને જળવિદ્યુત, જિયોથર્મલ અને પરમાણુ ઊર્જામાં રોકાણ કરવાની અપીલ કરી.


