World

ઈન્ટરનેટ હાઈએલર્ટ : સોફ્ટવેરની ખામીના કારણે દુનિયામાં 70 ટકા સરકારી વેબસાઈટ્સ ઠપ

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઇન્ટરનેટ પરની 70% વેબસાઇટ્સમાં વપરાતી PHP પ્રોગ્રામિંગ ભાષામાં મોટી ખામીઓ શોધી કઢાઈ છે. આ ખામીઓથી યુઝર્સના ડેટા અને નાણાકીય ફ્રોડનું જોખમ વધ્યું છે. યુરોપ સહિત ઘણા દેશોએ સરકારી વેબસાઇટ્સ ઓફલાઇન કરી દીધી હતી. ડેવલપર્સે નવા સુરક્ષા અપડેટ્સ જાહેર કર્યા છે અને તાત્કાલિક ઇન્સ્ટોલ કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ટરનેટ હાઈએલર્ટ : સોફ્ટવેરની ખામીના કારણે દુનિયામાં 70 ટકા સરકારી વેબસાઈટ્સ ઠપ
  • એઆઈએ સુરક્ષા સંબંધિત મોટી ખામી શોધી કાઢી
  • વેબસાઈટ્સ ચલાવતી પ્રોગ્રામિંગ ભાષા પીએચપીમાં ખામી દૂર કરવા નવા સુરક્ષા અપડેટ જાહેર કરાયા

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઈન્ટરનેટ પર ચાલતી ૭૦ ટકા વેબસાઈટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ ભાષામાં મોટી ખામી શોધી કાઢવામાં આવી છે, જેના કારણે દુનિયાભરના ટેક જગતમાં હોબાળો મચી ગયો છે. આ ખામીના કારણે હેકર્સ દ્વારા નાણાકીય ફ્રોડ કરવાની સાથે યુઝર્સના ડેટા પણ તેમના હાથમાં જતા રહે તેવું જોખમ છે. આ જોખમથી બચવા માટે યુરોપ સહિત અનેક દેશોમાં તકેદારીના ભાગરૂપે સરકારી અને જાહેર વેબસાઈટ્સ ઓફલાઈન કરી દેવાઈ હતી. સોફ્ટવેર ડેવલપર્સે આ ખામીઓ દૂર કરવા માટે આખી રાત કામ કરવું પડયું હતું. જોકે, અનેક સરકારી વેબસાઈટ્સ ગુરુવારે કામ કરતી જોવા મળી હતી.
ઈન્ટરનેટની દુનિયામાં છેલ્લા ૨૪ કલાક ભારે હલચલભર્યા રહ્યા. વેબસાઈટ ચલાવતા સોફ્ટવેરથી લઈને ડિજિટલ સર્ટિફિકેટ, એઆઈ ટૂલ અને ક્લાઉડ પ્લેટફોર્મ સુધી ઈન્ટરનેટમાં અનેક જગ્યાઓ પર સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ સામે આવી છે. અનેક ખામીઓ એવી હતી, જેમાં સાયબર હુમલાખોર ક્યાંક સર્વર પર પોતાનો કોડ ચલાવી શકે તેમ હતા તો ક્યાંક સોફ્ટવેરના અપડેટમાં જ ખતરનાક કોડ નાંખી દેવાયો હતો.
ભારતની કંપની ઈમુદ્રામાંથી પણ ડિજિટલ સર્ટિફિકેટનો કેસ પણ હાલમાં વૈશ્વિક સાયબર સિક્યોરિટીની મોટી ચર્ચાનો વિષય બની ગયો. બેંગ્લુરુ સ્થિત ભારતના મોટા સર્ટિફિકેટ ઓથોરિટી ઈમુદ્રા મારફત જારી કરાયેલા ૮ સિક્યોરિટી સર્ટિફિકેટ પાછળની પ્રાઈમરી સિક્યોરિટીમાં ભારે સુરક્ષા ખામી જણાઈ આવી હતી.
આ સાથે દુનિયાની ૭૦ ટકા વેબસાઈટ્સ ચલાવતી પ્રોગ્રામિંગ ભાષા પીએચપીમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીની જાણ થતાં આ જોખમથી બચવા માટે યુરોપ સહિત અનેક દેશોમાં તકેદારીના ભાગરૂપે સરકારી અને જાહેર વેબસાઈટ્સ ઓફલાઈન કરી દેવાઈ હતી. નેધરલેન્ડમાં રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા કેન્દ્ર સિવાય રોટરડેમ પોર્ટ, સરકારી પોર્ટલ, ફિલેન્ડે સરકારી આઈટી સેવા પૂરી પાડતી વાલ્ટોરી, ફ્રાન્સના ગૃહમંત્રાલયે તેની બધી જ વબેસાઈટ્સ, ડેન્માર્કમાં આઈટી કંપની કોમ્બિટે રાષ્ટ્રીય સ્કૂલ સંચાર પ્લેટફોર્મ સહિત અનેક સેવાઓ બંધ કરી દીધી હતી.
સોફ્ટવેર ડેવલપર્સે આ ખામીઓ દૂર કરવા માટે નવા સુરક્ષા અપડેટ જાહેર કર્યા છે અને બધા યુઝર્સે વહેલામાં વહેલા તેને ઈન્સ્ટોલ કરવાની અપીલ કરી છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન તથા યુરોપીયન યુનિયનની સાઈબર સુરક્ષા એજન્સીઓએ પણ પીએચપીનો ઉપયોગ કરતા સુરક્ષા અપડેટ તુરંત લાગુ કરવા અથવા અપડેટ થાય ત્યાં સુધી વેબસાઈટ્સને ઓફલાઈન રાખવાની સલાહ આપી હતી.
ગૂગલ, મોઝિલા, એપલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓએ તુરંત જ શંકાસ્પદ સર્ટિફિકેટ્સને બ્લોક કરી દીધા, પરંતુ જે રાઉટર્સ, એપ્સ અને જૂની ઈન્ટરનેટ ડિવાઈસીસ આ સુરક્ષા તપાસને બાયપાસ કરે છે તેમાં મોટું જોખમ છે.
મીડિયા રિપોર્ટ મુજબ પીએચપીમાં આ ખામીઓ વર્ષોથી હતી. જોકે, હવે એઆઈની મદદથી પીએચપીના કોડમાં રહેલી ખામીઓ શોધી કઢાઈ હતી. પારંપરિક રીતે આ ખામીઓ શોધવી અને તેનો લાભ ઉઠાવવો ઘણો મુશ્કેલ હતો.