World

ગુપ્તચર એજન્સીઓને ચીનની મોબાઈલ કંપનીઓની ડિવાઈસમાં બગની આશંકા

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
મેટા પછી કેન્દ્ર સરકારે ચીની મોબાઈલ કંપનીઓ પર લાલ આંખ કરી છે. ગુપ્તચર એજન્સીઓએ ચીની મોબાઈલ ડિવાઈસીસમાં વપરાતા ચિપસેટ, સોફ્ટવેર અને ડેટા સ્ટોરેજમાં સંભવિત ખામીની આશંકા વ્યક્ત કરી છે. આ ખામીઓ દ્વારા ભારતીય યુઝર્સનો ડેટા ચીનમાં સ્થિત સર્વરમાં ટ્રાન્સફર થઈ શકે છે, જે સુરક્ષા માટે જોખમી બની શકે છે. સરકાર હવે આ કંપનીઓના સંચાલન મોડેલની સમીક્ષા કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુપ્તચર એજન્સીઓને ચીનની મોબાઈલ કંપનીઓની ડિવાઈસમાં  બગની આશંકા
  • મેટા પછી હવે ચીનની મોબાઈલ કંપનીઓ સામે કેન્દ્રની લાલ આંખ
  • મોબાઈલ ડિવાઈસીસમાં વપરાતા ચીપસેટ, સોફ્ટવેર, ડેટા સ્ટોરેજ, કંપનીઓના સંચાલન મોડેલની સરકાર સમીક્ષા કરશે

નવી દિલ્હી : ભારતીય કાયદાઓના પાલન મુદ્દે વોટ્સએપ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની પેરેન્ટ કંપની મેટા સામે આકરું વલણ અપનાવ્યા પછી હવે કેન્દ્ર સરકાર ચીનની મોબાઈલ કંપનીઓને સાણસામાં લેવાની તૈયારી કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ ચીનની કેટલીક મોબાઈલ કંપનીઓની ડિવાઈસીસમાં વપરાતા ચીપસેટ, સોફ્ટવેરમાં સંભવિત બગની આશંકા વ્યક્ત કરી છે, જેના મારફત ભારતીય યુઝરનો ડેટા વિદેશી સર્વરમાં ખાસ કરીને ચીનમાં સ્થિત સર્વરોમાં ટ્રાન્સફર થઈ શકે છે, જે સુરક્ષા માટે જોખમી બની શકે છે.
ગુપ્તચર એજન્સીઓએ ચીનની કેટલીક મોબાઈલ કંપનીઓમાં ઉપયોગમાં લેવાતા ચિપસેટ, સોફ્ટવેર અને ડેટા ટ્રાન્સફર અંગે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સીઓને ચીનની કંપનીઓના મોબાઈલ ફોનમાં યુઝરનો ડેટા કેવી રીતે સ્ટોર કરાય છે અને તેની પ્રોસેસ કેવી રીતે થાય છે તે અંગે વિસ્તૃત તપાસની જરૂરિયાત અનુભવાઈ છે. એજન્સીઓએ અગાઉ પણ ચીનની કેટલીક કંપનીઓ અંગે ચેતવણી આપી હતી. હવે નવા ઈનપુટ્સ બાદ સરકાર આ સમગ્ર મામલાની પુનઃ સમીક્ષા કરી રહી છે.
સૂત્રો મુજબ સરકા ચીનની મોબાઈલ કંપનીઓના પ્રતિનિધિઓને સમન્સ પાઠવી શકે છે. કેન્દ્ર સરકાર કંપનીઓને તેમના ડેટા સ્ટોરેજ, સોફ્ટવેર કંટ્રોલ, ચિપસેટ અને અન્ય મહત્વપૂર્ણ હાર્ડવેર કમ્પોનન્ટ્સ સાથે સંકળાયેલા સવાલ પૂછે તેવી સંભાવના છે. એજન્સીઓએ કેટલી કંપનીઓના સંચાલન મોડેલમાં અનેક પ્રકારની એવી બાબતો ઓળખી કાઢી છે, જે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક બાબત છે. આ બાબતોમાં આઈપીની માલિકી-કંટ્રોલનું વિદેશમાં હોવું, સોફ્ટવેરનું નિયંત્રણ વિદેશથી થવું, રોયલ્ટી અને લાઈસન્સ ફીના નાણાં વિદેશ જવા, ચિપસેટની વિદેશથી આયાત, ડિસ્પ્લે અને કેમેરા મોડયુલની આયાતનો સમાવેશ થાય છે. એજન્સીઓ મોબાઈલ ડિવાઈસના હાર્ડવેર અને સોફ્ટવેરની સંપૂર્ણ સપ્લાય ચેન અને ડેટા ફ્લો પર વાસ્તવિક નિયંત્રણ કોની પાસે છે તેની પાસ કરી રહી છે. સરકારી સૂત્રો મુજબ છેલ્લા ૧૨ મહિનામાં અલગ અલગ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ તરફથી ચીની કંપનીઓ સાથે સંકલાયેલા ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. કેટલાક મામલામાં કંપનીઓ તરફથી અપેક્ષિત સહયોગ નથી મળી રહ્યો. કંપનીઓની દલીલ છે કે ચીનના કાયદા અને નિયમોના કારણે તેમને સંબંધિત ડેટા શૅર કરવાની મંજૂરી નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા પર સરકારની કડકાઈ પછી હવે ચીનની મોબાઈલ કંપનીઓ સંબંધિત આ ઈનપુટ પણ કેન્દ્ર સરકાર માટે ડેટા સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો મુદ્દો બની રહ્યા છે. જોકે, ચીનની કંપનીઓ તરફથી આ આક્ષેપો અંગે સત્તાવાર રીતે હજુ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.