World

બલુચિસ્તાનમાં બળવાખોરોએ પાક. સૈન્યની બસ ઉડાવી, 45નાં મોત

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ મસ્તુંગમાં પાકિસ્તાની સૈન્ય પર હુમલો કર્યો છે. બસને બોમ્બથી ઉડાવી દેતા 45 સૈનિકો માર્યા ગયા છે. બલુચિસ્તાન આર્મીની ફતેહ સ્ક્વોડે જવાબદારી સ્વીકારી. પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને પોતાનો પાંચમો પ્રાંત બનાવવાની તૈયારીમાં છે. ખૈબર પ્રાંતમાં 24 આતંકવાદીઓ પણ ઠાર થયા. પાકિસ્તાન ચીનના પ્રોજેક્ટ્સની સુરક્ષા વધારી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બલુચિસ્તાનમાં બળવાખોરોએ પાક. સૈન્યની બસ ઉડાવી, 45નાં મોત

ઇસ્લામાબાદ : બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્ય પર વધુ એક મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાની સૈન્યના આશરે ૪૫ જેટલા સૈનિકો માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી બલુચિસ્તાન આર્મીની ફતેહ સ્ક્વોડ દ્વારા લેવામાં આવી છે જે તાજેતરમાં અનેક વખત હુમલા કરી ચુક્યું છે. બલુચિસ્તાન આર્મીએ પાકિસ્તાની સૈનિકોને લઇને જઇ રહેલી બસને જ બોમ્બથી ઉડાવી દીધી હતી.

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈનિકોની બસને મસ્તુંગમાં નિશાન બનાવી હતી, બસ પર હુમલા બાદ ઘાયલ સૈનિકોને બચાવવા આવેલા પાક. સૈનિકો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૫ પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હોવાની જાહેરાત બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવી છે. બલુચિસ્તાનના સ્થાનિકોમાં પાકિસ્તાન સરકાર, સૈન્ય પ્રત્યે ભારે રોષ છે એવામાં પાક. સરકાર દ્વારા ફરી એક વખત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને પોતાનો પાંચમો પ્રાંત બનાવવાની તૈયારીમાં છે. આ માટેનો પ્રસ્તાવ પણ પસાર કરી દેવામાં આવ્યો છે. આ ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેનો જ એક હિસ્સો છે. ગિલગિટ બાલ્ટિસ્તાન વિધાનસભાએ સર્વસંમતિથી આ માટેનો પ્રસ્તાવ પસાર કર્યો છે અને તેને પાક. સરકાર સમક્ષ રજુ કરીને આ વિસ્તારને પાક.નો પાંચોમાં પ્રાપ્ત જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. આ પ્રસ્તાવને હવે પાકિસ્તાનની સંસદમાં રજુ કરવામાં આવશે.
પાકિસ્તાનના વધી રહેલા આ અત્યાચારો વચ્ચે બલુચિસ્તાનમાં એક પત્ર વાયરલ થઇ રહ્યો છે. રિપબ્લિક ઓફ બલુચિસ્તાનના નામે આ પત્ર ફરી રહ્યો છે. બલુચિસ્તાનના સ્થાનિક નેતાઓ જનતા પોતાને પાકિસ્તાનની સ્વતંત્ર જાહેર કરી ચુકી છે હવે એક અલગ જ દેશ હોય તેમ રિપબ્લિક ઓફ બલુચિસ્તાનના નામે પત્ર પણ ફરી રહ્યો છે. બલુચિસ્તાન આર્મીના હુમલાઓ વચ્ચે હાલ બલુચિસ્તાનમાં ચીનના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેને લઇને પાક. સરકાર અને સૈન્ય ચિંતામાં મુકાયા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે બલુચિસ્તાનમાં ચીન દ્વારા સંચાલીત કોપર અને ગોલ્ડ ખાણની સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને એવો ભય છે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી આ પ્રોજેક્ટને બંધ કરાવી દેશે. અથવા તો સુરક્ષા ના મળી તો ખુદ ચીન આ પ્રોજેક્ટને પરત લઇ શકે છે અને પોતાના એન્જિનિયરો અને કારીગરોને હટાવી શકે છે. જેની અસર બાદમાં ચીનના અન્ય પ્રોજેક્ટ્સ પર પણ પડી શકે છે.

ખૈબરમાં 24 આતંકીઓ માર્યા હોવાનો પાકિસ્તાનનો દાવો
ઇસ્લામાબાદ: પાકિસ્તાને દાવો કર્યો છે કે ખૈબર પ્રાંતમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ૨૪ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આ તમામ આતંકવાદીઓ તાલિબાન-પાકિસ્તાન સંગઠન સાથે જોડાયેલા છે. આ ઓપરેશન ખૈબર પ્રાંતના બન્નુ જિલ્લામાં ચલાવવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા છે. આ ઓપરેશનને પાકિસ્તાની પ્રમુખ આસિફ અલી ઝરદારી દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન સરહદ પાસે પાકિસ્તાનમાં અનેક હુમલા થઇ ચુક્યા છે. જેને પગલે અફઘાનિસ્તાન અને પાક. સરહદે સામસામે ભારે તંગદીલી જોવા મળી રહી છે. અફઘાનિસ્તાન દાવો કરતુ રહ્યું છે કે પાક. સૈન્ય આતંકીઓના નામે અમારા નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ રહ્યું છે.