'ભારતની નીતિ વિસ્તારવાદ નહીં વિકાસવાદ..', ઈન્ડોનેશિયાની સંસદમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Indonesia Parliament Address : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. જ્યાં મંગળવારે ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી હતી. PM મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતાં કહ્યું કે કે, 'ઈન્ડોનેશિયાની સંસદમાં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. હું અહીં મળેલા ભવ્ય સ્વાગતથી અભિભૂત છું. મારા માટે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવું એ, બહુ મોટું સૌભાગ્ય છે. 140 કરોડ ભારતીયોના પ્રતિનિધિ તરીકે, લોકશાહીની જનની ભારતના એક સૌભાગ્યશાળી નાગરિક તરીકે, હું આપ સૌને તમામ ભારતવાસીઓ વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.'
પીએમ મોદીએ કહ્યું કે, 'ઈન્ડોનેશિયાના લોકો, અહીંના વહાલા બાળકો, યુવાનો અને માતૃશક્તિએ આજનો આ દિવસ મારા જીવનના સૌથી યાદગાર દિવસોમાંનો એક બનાવી દીધો છે. આજે સવારે ઈન્ડોનેશિયાના લોકોએ, જે રીતે મારા પર સ્નેહ અને પ્રેમ વરસાવ્યો, જે આત્મીયતા સાથે મારું સ્વાગત અને અભિનંદન કર્યું, તેને હું જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું.'
ભારતની નીતિ વિસ્તારવાદ નહીં વિકાસવાદની છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે પોતાના પ્રગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું, 'રાષ્ટ્રપતિ પ્રબોવોએ કોપીરાઇટની વાત કરી. હું કહેવા માંગુ છું કે, સન્માન પર કોઈનો કોપીરાઇટ હોઈ શકે નહીં. રાષ્ટ્રપતિ પ્રબોવો સાથેની મારી મિત્રતા પણ કોઈ કોપીરાઇટની સીમાઓમાં બંધાયેલી નથી. ભારત દુનિયાનો એવો દેશ છે, જે વિસ્તારવાદમાં નહીં, પરંતુ વિકાસવાદની નીતિમાં વિશ્વાસ રાખે છે. એટલા માટે ભારતનો મંત્ર છે, 'સબકા સાથ, સબકા વિકાસ'. આ જ મંત્ર અને આ જ ભાવના સાથે હું આજે ઈન્ડોનેશિયાની સંસદના તમામ સન્માનિત સભ્યોની વચ્ચે ઉપસ્થિત થયો છું.'
ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મળવું એ સૌભાગ્ય
ઈન્ડોનેશિયાએ વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન 'બિંતાંગ આદિપૂર્ણ'(Bintang Adipurna)થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ પ્રબોવોએ તેમને આ સન્માન આપ્યું. પીએમ મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતાં કહ્યું, 'આજે સવારે મને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું સૌભાગ્ય પણ મળ્યું. હું કરોડો ભારતીયો વતી ઈન્ડોનેશિયાના લોકોના આ સ્નેહ અને સન્માનને નમ્રતાપૂર્વક સ્વીકારું છું. આ સન્માન આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યો, આપણી સહિયારી વિરાસત અને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે સતત મજબૂત થઈ રહેલા સંબંધોનું સન્માન છે. હું આપ સૌ સાથીઓ, ઈન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.'









