ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત ત્રણ વર્ષની ટોચે પહોંચી

- રશિયા હજી પણ ભારતનું ટોચનું પુરવઠાકાર
- 27મીના રોજ અમેરિકામાંથી ક્રૂડની આયાત પ્રતિ દિન 5.40 બેરલે પહોંચી
નવી દિલ્હી : અમેરિકા ખાતેથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત ૨૭મી ઓક્ટોબરના રોજ ઓક્ટોબર ૨૦૨૨ પછીના સૌથી ઊંચા સ્તર પ્રતિ દિન ૫.૪૦ લાખ બેરલે પહોંચી છે.
વાર્ષિક બીજી બાજુએ રશિયાએ ભારતના ટોચના આયાતકાર તરીકેનું બિરુદ જાળવી રાખ્યું છે. આ બતાવે છે કે ભારત હજી પણ રશિયા અને અમેરિકાની વચ્ચે સંતુલિત અભિગમ અપનાવી રહ્યું છે. તેની સાથે અમેરિકા સાથે ટ્રેડ ડીલનો માર્ગ મોકળો કરવા આગળ વધી રહ્યું છે.
ભારત ઓક્ટોબરના અંત સુધીમાં અમેરિકા પાસેથી પ્રતિ દિન ૫.૭૫ લાખ બેરલ ક્રૂડ ખરીદે તેવી સંભાવના છે. જ્યારે નવેમ્બરમાં આ ખરીદી પ્રતિ દિન ચાર લાખથી ૪.૫૦ લાખ બેરલ રહી શકે છે. આ આંકડો ગયા વર્ષની પ્રતિ દિન ત્રણ લાખ બેરલની સરેરાશ કરતાં વધારે છે. રશિયા પછી ઇરાક ભારતને ઓઇલ પુરવઠો પૂરો પાડવામાં બીજા ક્રમે આવે છે. તેના પછી ત્રીજા ક્રમે સાઉદી અરેબિયા આવે છે.
સરકાર અને વેપારી વર્તુળોએ જણાવ્યું છે કે રિફાઇનરોએ યુએસ ગ્રેડ જેવા કે મિડલેન્ડ ડબલ્યુટીઆઈ અને માર્સ પાસેથી બુકિંગ્સ વધાર્યુ છે, જેથી ક્રૂડ ઓઇલના પુરવઠામાં વૈવિધ્યતા લાવી શકાય, તેની સાથે વોશિંગ્ટન સાથે સહયોગ વધારી રહ્યા હોવાના સંકેત પાઠવી શકાય. રશિયાની ઓઇલ કંપની રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધ લાદવામાં આવવાના કારણે ભારતીય રીફાઇનરોએ અમેરિકા ભણી વળવું પડયું છે. આ ઉપરાંત અમેરિકામાંથી ક્રૂડ ઓઇલની આયાતમાં વધારાને બંને દેશ વચ્ચેના વેપાર સંબંધો સુધારવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યા છે. અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે.









