ભારતીય વંશના 'નાસા' એસ્ટ્રોનોટ અનિલ મેનન 14 જુલાઈએ 8 માસ માટે અંતરિક્ષમાં જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય પિતા અને યુક્રેની માતાના આ પુત્રે મેડિસિન, મીલીટરી અને સ્પેસ એક્ષપ્લોરેશન સાથે કારકિર્દીનું ઘડતર કર્યું છે
નવી દિલ્હી : ભારતીય વંશના 'નાસા'ના એસ્ટ્રોનોટ અનિલ મેનન તેઓ પહેલું સ્પેસ મિશન ૧૪મી જુલાઈએ શરૂ કરશે અને આઠ મહિના માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ૮ મહિના સુધી રહેશે.
અનિલ મેનન રશિયાના રોસકોસ્પોસ સોયુઝ એમ.એસ. ૨૯ સ્પેસક્રાફ્ટ દ્વારા કાઝાખસ્તાન સ્થિત બૈકનૂર-કોસ્મોડ્રોમ દ્વારા અંતરિક્ષમાં જશે. તેઓની સાથે રશિયાના બે અંતરિક્ષ યાત્રીઓ પીયોટર ડુબ્રોવ અને આન્ના કીકીના પણ તે યાનમાં હશે.
૪૯ વર્ષના મેનન ઈમર્જન્સી મેડીસીન ફીઝીશ્યન છે. તેઓએ અમેરિકાના સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકેની પણ ફરજ બજાવી છે. તેઓ તબીબી વિજ્ઞાાની હોવાથી તેઓની પસંદગી કરવામાં આવી છે. તેઓ અંતરિક્ષમાં પણ આરોગ્ય વિષયક ઉપસ્થિત થતા પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરશે. આ સ્પેસ ક્રાફ્ટ તેઓને માટે ઓર્બેટિંગ લેબોરેટરી બની રહેશે. તેમાં તેઓ વધુ સંશોધનો પણ કરશે, જેનો હેતુ ઊંડા અવકાશમાં ભવિષ્યમાં ઊભી થનારી આરોગ્ય વિષયક મુશ્કેલીઓ દૂર કરવાનો રહેશે.
અમેરિકાનાં મીનીયામોબિસમાં ભારતીય પિતા અને યુક્રેની માતાનાં સંતાન તેવા મેનનની કારકિર્દી પણ ભાતીગળ છે. તેઓએ મેડીસીન મીલીટરી અને સ્પેસ ઓપરેશન જેવા ક્ષેત્રોમાં કાર્યવાહી કરી છે.
નાસામાં જોડાયા પૂર્વે તેઓ અમેરિકન એરફોર્સમાં હતા. અને અફઘાનિસ્તાનમાં અમેરિકાએ હાથ ધરેલા 'ઓપરેશન ફ્રીડમ'માં ફ્રન્ટ-લાઇનમાં સેવા આપી હતી. તેઓ હીમાલયન રેસ્ક્યુ એસોસીએશનમાં કામગીરી બજાવી છે, અને જે પર્વતારોહકો - માઉન્ટ એવરેસ્ટ ચઢવા જતાં હતા તેમની મેડીકલ કેર પણ રાખી હતી.
મેનને ભારત સાથે પણ સંબંધો જાળવી રાખ્યા છે. તેઓએ 'રોટરી એમ્બેસેડરમાં સ્કોલર' તરીકે 'પોલિયો વેક્સિન' ઝુંબેશમાં એક વર્ષ સુધી સેવા આપી હતી. ૨૦૨૧નું વર્ષ તેમણે ભારતમાં ગાળ્યું હતું.
તેઓનાં પત્ની આન્ના વિલ્હેમ સપ્ટે. ૨૪માં સ્પેસ એક્સના પોલારિસ ડોન મિશન દ્વારા પાંચ દિવસ અંતરિક્ષમાં રહ્યાં હતા.









