ભારતીય મૂળના બંકીમ બ્રહ્મભટ્ટ 500 મિલિયન ડોલરનું કૌભાંડ કરી લાપતા

કરોડોની લોન લઈ બ્રહ્મભટ્ટે નાદારી નોંધાવી
બ્રોડબેન્ડ ટેલિકોમ-બ્રિજવોઈસના માલિકે કરોડોની લોનના નાણાં ભારત-મોરેશિયસમાં ટ્રાન્સફર કર્યા
મીડિયા અહેવાલ મુજબ ભારતીય મૂળના ઉદ્યોગપતિ બંકીમ બ્રહ્મભટ્ટ અમેરિકા સ્થિત બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઈસના માલિક છે. બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહકો અને ઈનવોસઈસ બતાવી દુનિયાની અગ્રણી ધિરાણ કંપની બ્લેકરોકની ખાનગી ધિરાણ શાખા એચપીએસ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર અને અન્ય અનેક અમેરિકન બેન્કો પાસેથી કરોડો ડોલરની લોન મેળવી હતી. બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહકો અને ઈનવોઈસના આંકડાઓનો ઉપયોગ જામીનગીરી સ્વરૂપે કર્યો હતો. બ્રહ્મભટ્ટે લોનના કરોડ ડોલરના નાણાં ભારત અને મોરેશિયસ જેવા દેશોમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
બ્રહ્મભટ્ટને અપાયેલી લોનમાં ફ્રાન્સની બેન્ક બીએનપી પારિબાસે પણ લગભગ અડધો હિસ્સો ફાઈનાન્સ કર્યો હતો. એચપીએસે બંકીમ બ્રહ્મભટ્ટને સપ્ટેમ્બર ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં કુલ ૪૩૦ મિલિયન ડોલરની લોન આપી હતી. જુલાઈ ૨૦૨૫માં એચપીએસના એક કર્મચારીને કેટલાક શંકાસ્પદ આઈડી મળ્યા પછી આ કૌભાંડ બહાર આવ્યું હતું. બ્લેકરોક અને અન્ય બેન્કોએ ઓગસ્ટ ૨૦૨૫માં બ્રહ્મભટ્ટ સામે કેસ નોંધાવી તેની કંપનીઓ પર ૫૦૦ મિલિયન ડોલરથી વધુના લેણાં બાકી હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ જ મહિને બ્રહ્મભટ્ટે પોતાને દેવાળિયા જાહેર કરી દીધા અને તેમની કંપનીઓએ ચેપ્ટર ૧૧ હેઠળ પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરી.આ કૌભાંડ સામે આવ્યા પછી બ્રહ્મભટ્ટની લિંક્ડઈન પ્રોફાઈલ હટાવી દેવાઈ છે અને કેસ હાલ અમેરિકન કોર્ટમાં વિચારણા હેઠળ છે.








