Safe sea Vishnu Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે એક અત્યંત માઠા સમાચાર મળી રહ્યા છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા એક 'સુસાઇડ' બોટ હુમલામાં એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈરાને ઈરાક નજીક અમેરિકાની માલિકીના એક ઓઇલ ટેન્કરને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, માર્શલ આઇલૅન્ડનો ધ્વજ ધરાવતા અને અમેરિકાની માલિકીના ઓઇલ ટેન્કર 'સેફ સી વિષ્ણુ' પર ઈરાકની પ્રાદેશિક જળસીમામાં આવેલા 'ખોર અલ ઝુબેર' બંદર પાસે હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનની એક વિસ્ફોટક ભરેલી 'સુસાઇડ' બોટ આ ટેન્કર સાથે અથડાઈ હતી. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હોવાના અહેવાલ છે, જોકે અત્યારે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ઓઇલ ટેન્કર પર સવાર અન્ય 27 ક્રૂ મેમ્બર્સ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ઈરાકના બસરા ખાતે લઈ જવામાં આવ્યા છે.
ભારતીય સીફેરર્સ માટે વધતું જોખમ
સેફ સી કંપનીના સૂત્રોએ આ ઘટના પર ભારે શોક વ્યક્ત કર્યો છે અને ભારત સરકારને આ હુમલાની સખત નિંદા કરવા વિનંતી કરી છે. ચિંતાજનક બાબત એ છે કે વૈશ્વિક સ્તરે સીફેરર્સમાં 15 ટકાથી વધુ ભારતીયો છે. આથી, ઈરાન ગમે તે દેશના જહાજને નિશાન બનાવે, તેમાં નિર્દોષ ભારતીય નાગરિકો જોખમમાં મૂકાય છે.
વિશ્વ માટે જીવાદોરી સમાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝ
'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' અને પર્સિયન ગલ્ફ વૈશ્વિક તેલ પુરવઠાની જીવાદોરી છે. વિશ્વનું 20%થી 30% ક્રૂડ ઓઇલ આ સાંકડા સમુદ્રી માર્ગ પરથી પસાર થાય છે. અહીંના સંઘર્ષની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડે છે.
સુસાઇડ બોટ એટલે શું?
આ વિસ્ફોટકોથી ભરેલી નાની હોડી કે બોટ હોય છે, જે રિમોટ કંટ્રોલ અથવા આત્મઘાતી હુમલાખોર દ્વારા સીધી જહાજ સાથે અથડાવીને મોટો ધડાકો કરવા માટે વપરાય છે.
15 ટકા ભારતીયો
વૈશ્વિક મર્ચન્ટ નેવીમાં 15%થી વધુ હિસ્સો ભારતીય નાવિકોનો છે. આથી, સમુદ્રમાં કોઈપણ દેશનું જહાજ નિશાન બને, તેમાં ભારતીયોના જીવનું જોખમ સૌથી વધુ રહે છે.


