| (Representative image from IANS) |
Indian Coast Guard Seizes 3 Iranian Oil Tankers: ભારતીય સમુદ્રી સીમામાં સુરક્ષા એજન્સીઓએ એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઇરાન સાથે જોડાયેલા ત્રણ તેલ ટેન્કરોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલા જહાજો પૈકીનું એક 'એસ્ફાલ્ટ સ્ટાર' ઘણા દિવસો સુધી પાકિસ્તાની સમુદ્રી ક્ષેત્રમાં શંકાસ્પદ રીતે ફરતું હતું અને તે દરમિયાન તેની ટ્રેકિંગ સિસ્ટમ પણ બંધ રાખવામાં આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં તેલની તસ્કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગંભીર આરોપો સામે આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ભારતીય કોસ્ટગાર્ડે 6 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી તટ પરથી ત્રણ પ્રતિબંધિત જહાજો — MT Asphalt Star, MT Stellar Ruby અને MT Al Jafziaને પકડી પાડ્યા હતા. આ જહાજો પર સવાર 55 ક્રૂ મેમ્બર્સની અટકાયત કરી તપાસ માટે તેમને મુંબઈ લાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જહાજોએ ઇરાન સાથે જોડાયેલા તેલની હેરાફેરી માટે 'AIS સ્પૂફિંગ' (ખોટી લોકેશન બતાવવી) અને નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો. મુંબઈના યેલો ગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આ જહાજોના માલિક અબુ ધાબીમાં રહેતા ભારતીય નાગરિક જોગીન્દર સિંહ બરાર છે. હાલમાં જહાજના કેપ્ટન શ્યામ બહાદુર ચૌહાણ સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાન કનેક્શન અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ
તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે 'એસ્ફાલ્ટ સ્ટાર' જહાજ 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી પાકિસ્તાનના વિશેષ આર્થિક ક્ષેત્ર(EEZ)માં પ્રવેશ્યું હતું. આ દરમિયાન જહાજે પોતાની ઓળખ છુપાવવા માટે ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ અને અન્ય સેન્સર્સ બંધ કરી દીધા હતા. જોકે, જહાજના કેપ્ટને એવો બચાવ કર્યો હતો કે સિસ્ટમ ખરાબ હોવાને કારણે આવું થયું હતું, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ વાતને ગંભીરતાથી લઈ રહી છે કારણ કે આ જહાજોએ ભારતીય અધિકારીઓને જાણ કર્યા વગર એકબીજાને હજારો મેટ્રિક ટન તેલ અને અન્ય સામગ્રી ટ્રાન્સફર કરી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પના 'ટેરિફ સામ્રાજ્ય'ને ભારતીય મૂળના વકીલે હચમચાવી દીધું, જાણો કોણ છે નીલ કાત્યાલ
ભારતની કડક કાર્યવાહી
આ કાર્યવાહી ઈરાન સાથે જોડાયેલા 'શેડો ફ્લીટ' એટલે કે ગુપ્ત જહાજોના નેટવર્ક સામે ભારતની વધતી સતર્કતા દર્શાવે છે. અમેરિકાના પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને ભારત હવે સમુદ્રી સીમામાં થતા ગેરકાયદેસર તેલ વેપાર પર કડક નજર રાખી રહ્યું છે. બીજી તરફ, જહાજના માલિક જોગીન્દર સિંહ બરારે તમામ આરોપો નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેમના જહાજો માત્ર મુશ્કેલીમાં ફસાયેલા અન્ય જહાજોને મદદ કરી રહ્યા હતા. હાલમાં તપાસ ચાલુ છે અને ત્રણેય જહાજો મુંબઈ બંદરે લાંગરેલા છે.


