India-US Trade Deal Controversy: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સમજૂતી (Trade Deal) બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સરકાર અર્થતંત્ર માટે 'ગેમ-ચેન્જર' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠનોએ તેને ખેતી અને ડેરી સેક્ટર માટે વિનાશક ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે.
ખેડૂત સંગઠનોનો આક્ષેપ: 'અમેરિકન સામ્રાજ્યવાદ સામે ઝૂકી સરકાર'
2020-21ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાની આકરી ટીકા કરી છે. સંગઠનનો દાવો છે કે અમેરિકન વસ્તુઓ પર ઝીરો ટકા આયાત ડ્યુટીની મંજૂરી આપીને સરકારે સ્થાનિક ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે. ખેડૂતોને ડર છે કે અમેરિકા તેના અતિશય સબસિડીવાળા કૃષિ ઉત્પાદનોથી ભારતીય બજારો ભરી દેશે, જેના કારણે ભારતીય ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે અને દેશનું કૃષિ ક્ષેત્ર બરબાદ થઈ જશે.
વેપાર સમજૂતીનું ગણિત અને ટ્રમ્પનો દાવો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારત અમેરિકા પાસેથી તેલ, કોલસો, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો સ્વરૂપે લગભગ 500 અબજ ડોલરની આયાત કરશે. જોકે, નિષ્ણાતો આ આંકડાને ચોંકાવનારો ગણી રહ્યા છે, કારણ કે ભારતની કુલ વસ્તુ આયાત જ 721 અબજ ડોલર છે. આગામી પાંચ વર્ષમાં ભારત મુખ્યત્વે ક્રૂડ ઓઈલ, LNG, હાઈ-વેલ્યુ ચિપ્સ અને પરમાણુ ઉપકરણોની આયાત વધારશે તેવું અનુમાન છે. સામે પક્ષે, અમેરિકા ભારતીય સામાન પરના ટેરિફમાં 32% નો ઘટાડો કરશે, જે ટેક્સટાઇલ, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે વરદાન સાબિત થશે.
સંવેદનશીલ ક્ષેત્રોનું શું થશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે અનાજ, મકાઈ, સોયાબીન અને જેનેટિકલી મોડિફાઈડ (GM) ખોરાકને આ દ્વિપક્ષીય સમજૂતીથી બહાર રાખવામાં આવી શકે છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી તેવો વિશ્વાસ પણ અપાયો છે. કેટલીક આયાત છૂટછાટો તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે જેથી સ્થાનિક ઉદ્યોગોને નુકસાન ન થાય. નાણામંત્રી નિર્મલા સીતારમણે આશા વ્યક્ત કરી છે કે આ ડીલથી ભારતીય નિકાસમાં નવો વેગ આવશે.
હાલમાં બંને દેશોના અધિકારીઓ સંયુક્ત નિવેદનને અંતિમ ઓપ આપી રહ્યા છે અને આ સમજૂતી આગામી અઠવાડિયામાં સંપૂર્ણ રીતે લાગુ થવાની સંભાવના છે.


