'ભારત અમારાથી માફી માગે...' બાંગ્લાદેશમાંથી કોણે કરી આવી માગ? શું ફરી ટેન્શન વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Bangladesh relations tension June 2026: પાટા પર પરત ફરી રહેલા ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધવાની આશંકા સેવાઈ રહી છે. બાંગ્લાદેશના વિપક્ષી દળ નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) ના એક નિવેદનને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભારત પાસે સત્તાવાર માફી મંગાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને લઈને પણ આકરી ટિપ્પણી કરવામાં આવી છે. જો કે, આ સમગ્ર મામલે હજુ સુધી ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
"16 વર્ષ સુધી આવામી લીગને સાથ આપવા બદલ ભારત માફી માંગે"
'ડેલી સ્ટાર' ના અહેવાલ મુજબ, બાંગ્લાદેશી સંસદમાં બજેટ પરની ચર્ચા દરમિયાન એનસીપી સાંસદ અને વિપક્ષના ચીફ વ્હીપ નાહિદ ઇસ્લામે ભારત પર ગંભીર આક્ષેપો કર્યા છે. નાહિદે જણાવ્યું કે, "ભારતે બાંગ્લાદેશના તાજેતરના રાજકીય ઇતિહાસમાં પોતાની નકારાત્મક ભૂમિકાનો સ્વીકાર કરવો જોઈએ. છેલ્લા 16 વર્ષથી ભારત સરકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવામી લીગને સત્તામાં ટકાવી રાખવા મદદ કરતી હતી. જેના માટે તેણે બાંગ્લાદેશની જનતાની માફી માંગવી જોઈએ." તેમણે ઉમેર્યું કે નવા ભારતીય હાઇકમિશનરે પોતાના કાર્યકાળની શરૂઆત જ માફી માંગીને કરવી જોઈએ. વધુમાં, તેમણે ઉસ્માન હાદીના હત્યારાઓને આશ્રય આપવા બદલ પણ ભારતની આલોચના કરી છે.
સીમા સુરક્ષા દળ અને બીએનપી સરકાર પર પ્રહારો
નાહિદ ઇસ્લામે ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) પર બાંગ્લાદેશી નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે બાંગ્લાદેશની વર્તમાન બીએનપી (BNP) સરકારની પણ ઝાટકણી કાઢતા જણાવ્યું કે, બીએનપી સત્તામાં આવ્યા બાદ પણ સરહદ પર 10 બાંગ્લાદેશીઓ માર્યા ગયા છે, તો તેઓ આ હત્યાઓ રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે? આ ઉપરાંત, તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર બિનજવાબદાર નિવેદનો આપવાનો આરોપ લગાવી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયને આનો જડબાતોડ જવાબ આપવા અપીલ કરી છે.
વિઝા સેવાઓ શરૂ થવાની જાહેરાત અને દિનેશ ત્રિવેદીનું કદ વધ્યું
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતે બાંગ્લાદેશ સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇકમિશનર દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સમકક્ષનો દરજ્જો આપ્યો છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, ટેબલ ઓફ પ્રેસિડેન્સમાં વિશિષ્ટ વ્યવસ્થા હેઠળ ત્રિવેદીને આ દરજ્જો અપાયો છે.
બે વર્ષ પહેલા વિઝા સેવા બંધ કરવામાં આવી હતી
પોતાનો કાર્યભાર સંભાળતાની સાથે જ દિનેશ ત્રિવેદીએ 25 જૂનના રોજ બાંગ્લાદેશી નાગરિકો માટે પ્રવાસી (ટ્રાવેલ) વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની મોટી જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દરમિયાન સુરક્ષાની સ્થિતિ બગડવાના કારણે લગભગ બે વર્ષ પહેલા આ વિઝા સેવા બંધ કરવામાં આવી હતી. 28 જૂનથી ઢાકા, રાજશાહી, ચિત્તાગોંગ, સિલ્હટ અને ખુલના સહિતના પાંચ કેન્દ્રો પરથી વિઝા અરજીઓ સ્વીકારવાનું શરૂ કરાયું છે, પરંતુ વિપક્ષના આ આકરા તેવરથી આગામી દિવસોમાં રાજદ્વારી સંબંધો પ્રભાવિત થઈ શકે છે.









