| (IMAGE - IANS) |
India rejects minority rights allegations: ભારતે દેશમાં મીડિયાની આઝાદી અને લઘુમતીઓના અધિકારો નબળા પડવાના તમામ વિદેશી આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે એક જીવંત લોકશાહી દેશ છે, જ્યાં બંધારણ તરફથી દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની એટલે કે અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી મળેલી છે.
આ મહત્ત્વનું નિવેદન વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે આપ્યું છે. નેધરલૅન્ડ્સના પીએમ રૉબ જેટેન દ્વારા ભારતમાં આઝાદી ઘટવા અંગે કરાયેલી કથિત ટિપ્પણી પર તેમણે આ વળતો જવાબ આપ્યો હતો. પીએમ મોદીના બે દિવસીય નેધરલૅન્ડ્સ પ્રવાસ દરમિયાન રાજધાની એમ્સ્ટર્ડમ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવા સવાલો માત્ર અધૂરી સમજને કારણે જ ઊભા થાય છે. ભારત 1.4 અબજ લોકોની વસ્તી ધરાવતું વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્ર છે અને આ પાંચ હજાર વર્ષ જૂની ભવ્ય સભ્યતા ધરાવતા દેશમાં ડગલે ને પગલે વિવિધતા વણાયેલી છે.
ભારતની સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય વિવિધતા
આરોપોનો જવાબ આપતાં સિબી જ્યોર્જે ભારતની ભવ્ય વિવિધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'ભારત તરફ જુઓ, તે કેટલું સુંદર છે. દુનિયામાં એવો કોઈ બીજો દેશ નથી જ્યાં આટલા બધા ધર્મોનો જન્મ થયો હોય. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શિખ ધર્મ - આ તમામ ધર્મો ભારતમાં જન્મ્યા અને આજે પણ અહીં સમાન રીતે ખીલી રહ્યા છે.'
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'વિશ્વના તમામ મોટા ધર્મોને ભારતમાં આશ્રય મળ્યો અને તેઓ અહીં સતત આગળ વધતા રહ્યા છે. ભારત કદાચ દુનિયાના એવા જૂજ દેશોમાંનો એક છે જ્યાં યહૂદી સમુદાયને ક્યારેય કોઈ પણ પ્રકારના ઉત્પીડન કે અત્યાચારનો સામનો કરવો પડ્યો નથી. આ જ ભારતની અસલી સુંદરતા છે.'
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો ભારતમાં પ્રાચીન ઇતિહાસ
ભારતમાં લઘુમતી ધર્મોના ઇતિહાસ અંગે વાત કરતા રાજદ્વારીએ જણાવ્યું કે, 'ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવિત થવાના તુરંત બાદ ભારતમાં આવી ગયો હતો અને આજે પણ અહીં ખૂબ જ સારી રીતે ફલીભૂત થઈ રહ્યો છે. આજે ભારતમાં 3 કરોડથી વધુ ખ્રિસ્તીઓ વસે છે. ખ્રિસ્તી ધર્મ યુરોપ પહોંચ્યો તે પહેલા ભારતમાં આવી ચૂક્યો હતો. ઇસ્લામ પણ પયગંબર મોહમ્મદના સમયમાં જ ભારતમાં આવી ગયો હતો અને અહીં સદીઓથી ફલતો-ફૂલતો રહ્યો છે.'
લોકશાહીના મૂલ્યો સાથે આર્થિક સફળતા અને શાંતિપૂર્ણ સત્તા પરિવર્તન
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓનો હવાલો આપતાં જ્યોર્જે જણાવ્યું કે ભારત એક અત્યંત સક્રિય અને જીવંત લોકશાહી છે, જ્યાં કોઈપણ હિંસા વિના શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થવું એ તેની મુખ્ય ખાસિયત છે. ભારતે પોતાના લોકશાહી સિદ્ધાંતો સાથે કોઈ બાંધછોડ કર્યા વિના અદ્ભુત આર્થિક સફળતા હાસિલ કરી છે. તેમણે કહ્યું, 'અમે દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે ક્યારેય હિંસાનો માર્ગ પસંદ નથી કર્યો, પરંતુ સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયા અને નીતિઓ દ્વારા ગરીબી દૂર કરી છે.'
આઝાદી સમયે 11 ટકા લઘુમતી હતા, આજે 20 ટકાથી વધુ
સિબી જ્યોર્જે આંકડા સાથે વાત રાખતાં કહ્યું, 'અમે દુનિયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ છીએ, પરંતુ દુનિયાની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી. આ જ ભારતની એ સુંદરતા છે જેના પર આપણને સૌને ગર્વ છે. અહીં દરેક લઘુમતી સમુદાય આગળ વધી રહ્યો છે અને પ્રગતિ કરી રહ્યો છે.' તેમણે મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે, 'જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશમાં લઘુમતીઓની વસ્તી 11 ટકા હતી, જે આજે વધીને 20 ટકાથી વધુ થઈ ગઈ છે.' આ આંકડા જ સાબિત કરે છે કે ભારતમાં તમામ ધર્મોના લોકો સંપૂર્ણ સુરક્ષા અને ખુશી સાથે રહે છે.
ભારત અને નેધરલૅન્ડ વચ્ચે 'વ્યૂહાત્મક ભાગીદારી'ના નવા અધ્યાયની શરૂઆત
આ મહત્ત્વપૂર્ણ નિવેદન પૂર્વે, પીએમ મોદી પોતાના 2 દિવસીય પ્રવાસે નેધરલૅન્ડ પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણેનેધરલૅન્ડ્સના પીમ રૉબ જેટેન સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશના વડાઓ વચ્ચે યોજાયેલી આ સકારાત્મક ચર્ચા બાદ, ભારત અને નેધરલૅન્ડ્સે પોતાના પરસ્પર સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'ના ઉચ્ચ સ્તર સુધી લઈ જવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
આ પ્રવાસ દરમિયાન બંને દેશોએ જુદા-જુદા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને વેપારને વધુ મજબૂત કરવા માટે અનેક મહત્ત્વના કરારો(MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત નેધરલૅન્ડ્સને પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે અને બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે ખૂબ જ ઊંડા અને મજબૂત છે.


