- ભારત રશિયા પાસેથી ખરીદીમાં ઘટાડો જારી રાખશે
- એક સમયે 4.81 અબજ ડોલરે પહોંચેલી આયાત હવે 40 ટકાથી વધુ ઘટીને 2.86 અબજ ડોલર થઈ
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર ઓગસ્ટમાં નાખેલી ટેરિફના પગલે ભારતની રશિયામાંથી ક્રૂડની આયાત જાન્યુઆરી ૨૦૨૫ની ટોચના ૪.૮૧ અબજ ડોલરથી ૪૦ ટકા ઘટીને જાન્યુઆરી ૨૦૨૬ના અંતે ૨.૮૬ અબજ ડોલર થઈ ગઈ છે. ભારતીય રીફાઇનરીઓએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કરવાના પરિણામે આયાતમાં ઘટાડો થયો છે.
ભારતે આ પહેલા રશિયા પાસેથી ૨૦૨૨-૨૩માં ૩૧ અબજ ડોલર, ૨૦૨૩-૨૪માં ૪૬.૪૯ અબજ ડોલર અને ૨૦૨૪-૨૫માં ૫૦.૨૮ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. આના પહેલાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેતું જ ન હતુ.
આ પહેલાં ભારતે ૨૦૧૨-૧૩માં વેનેઝુએલા પાસેથી ૧૪.૧૦ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, પરંતુ પછી ભૂરાજકીય કારણસર તે આયાત બંધ કરી હતી.
આ આયાત ૨૦૨૧-૨૨માં શૂન્ય હતી.
ભારત હવે અમેરિકા પાસેથી અને વેનેઝુએલે પાસેથી ક્રૂડ ઓઇલની જંગી આયાત કરશે તેમ માનવામાં આવે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ભારત વેનેઝુએલા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી કરશે. આમ ટ્રમ્પ ભારતની સસ્તા ક્રૂડની માંગ પર સંમત થયા છે અને તેના પરિણામે ભારત પણ ટ્રમ્પની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવાની માંગ પર સંમત થયું છે. તેના કારણે બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થયું હતું.
ભારતીય રીફાઇનરો આગામી મહિનાઓમાં રશિયાની બદલે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ખરીદવા લાગશે. હાલમાં તેઓ વેનેઝુએલાની ઓફર પર વિચાર કરી રહ્યા છે.
બીજી બાજુએ ભારતે ખરીદી ઘટાડતા રશિયાના ઓઇલ ટેન્કરો ચીન તરફ વળ્યા છે અને ચીને રશિયા પાસેથી ઓઇલના પુરવઠાની ખરીદીમાં વધારો કર્યો છે. આમ તે અહીં ભારતે ઘટાડેલી ખરીદીને સરભર કરી રહ્યુ છે.


