World

ભારતે ₹430 કરોડના વ્યાજની ચૂકવણી કરી, માલદીવને નાણાકીય સહાય આપવા અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
માલદીવે ભારતને 2019માં SBI પાસેથી લીધેલી $150 મિલિયનની લોન સંપૂર્ણપણે ચૂકવી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, $50 મિલિયનનો અંતિમ હપ્તો 17 સપ્ટેમ્બરે ચૂકવાયો. ભારતે માલદીવની મદદ માટે આ લોન પર $45 મિલિયન વ્યાજ પણ ચૂકવ્યું હતું, જે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિનો ભાગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે ₹430 કરોડના વ્યાજની ચૂકવણી કરી, માલદીવને નાણાકીય સહાય આપવા અંગે વિદેશ મંત્રાલયનું નિવેદન

India Maldives Loan Repayment: માલદીવે ભારત પાસેથી લીધેલી લોનની ચૂકવણી પૂર્ણ કરી દીધી છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માલદીવને પૂરી પાડવામાં આવેલી નાણાકીય સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. માલદીવે ભારતને ચૂકવવાપાત્ર 150 મિલિયન ડૉલર(આશરે ₹1,100 કરોડ)ની લોનની ચૂકવણી પૂર્ણ કરી છે, જે 2019માં સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(SBI) દ્વારા આપવામાં આવેલી સુવિધા હેઠળ લેવામાં આવી હતી. 50 મિલિયન ડૉલર(આશરે ₹479 કરોડ)નો ત્રીજો અને અંતિમ હપ્તો 17 સપ્ટેમ્બરના રોજ ચૂકવવામાં આવ્યો હતો, જેનાથી છેલ્લા બે વર્ષથી ભારત દ્વારા લોનને સતત રોલ-ઓવર કરવાનો સિલસિલો પૂર્ણ થયો છે.

માલદીવની મદદ માટે ભારતે ₹430 કરોડના વ્યાજની ચૂકવણી કરી

જયસ્વાલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, 'માલદીવે ટ્રેઝરી બિલની સફળતાપૂર્વક ચૂકવણી કરી દીધી છે. માલદીવ સાથે આપણી લાંબા સમયથી વિકાસ ભાગીદારી રહી છે. સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા દ્વારા માલદીવ સરકાર સાથે સબસ્ક્રાઇબ કરવામાં આવેલા કુલ 150 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલમાંથી 50 મિલિયન ડૉલરના છેલ્લા હપ્તાનું સેટલમેન્ટ 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ બિલને SBI દ્વારા 2019થી સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા, અને અત્યાર સુધીમાં તેને 6 વખત, દર વખતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા. એ પણ ધ્યાને લેવા જેવું છે કે, જ્યાં ટ્રેઝરી બિલની મૂળ રકમ માલદીવ સરકારે ચૂકવી છે, ત્યાં છેલ્લા 5 વર્ષમાં 150 મિલિયન ડૉલરના તમામ ટ્રેઝરી બિલ પરના વ્યાજની ચૂકવણી ભારત સરકારે કરી છે. માલદીવની મદદ માટે ભારતે 45 મિલિયન ડૉલર(આશરે ₹430 કરોડ)ના વ્યાજની ચૂકવણી કરી છે.'

'નેબરહુડ ફર્સ્ટ' અને ડેવલપમેન્ટ પાર્ટનરશીપ પોલિસી

જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે, ભારત દ્વારા ટ્રેઝરી બિલને લાંબા સમય સુધી સપોર્ટ આપવો અને સમયાંતરે તેને રિન્યૂ કરવા એ ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પડોશી પ્રથમ) અને ડેવલપમેન્ટ પાર્ટનરશીપ પોલિસીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

લાંબા સમયથી માલદીવની મદદ કરી રહ્યું છે ભારત

ભારત લાંબા સમયથી માલદીવને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન જયસ્વાલે ઉમેર્યું કે, 'જેમ કે આપ જાણો છો, ભારતે માલદીવની ફાઇનાન્શિયલ સિસ્ટમને સપોર્ટ કરવા માટે 30 બિલિયન રૂપિયાની કરન્સી સ્વેપ સુવિધા પણ આપી છે. આ સિવાય સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાએ 350 મિલિયન ડૉલર(આશરે ₹3,360 કરોડ)ના ટ્રેઝરી બોન્ડ પણ ખરીદ્યા છે, જે 2029 અને 2030 સુધી માન્ય છે.'