Get The App

'અમારે ત્યાં થયેલા અને થતા અપરાધી કૃત્યોમાં ભારત સંડોવાયેલું નથી' : કેનેડા

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
'અમારે ત્યાં થયેલા અને થતા અપરાધી કૃત્યોમાં ભારત સંડોવાયેલું નથી' : કેનેડા 1 - image

- કેનેડાના ભારત પ્રત્યેનાં વલણમાં આવેલું આમૂલ પરિવર્તન

- વડાપ્રધાન માર્ક કાર્નીની ભારતની મુલાકાત પૂર્વે કેનેડા ભારત સાથે સંબંધો સુધારવા મથી રહ્યું છે : તે ખાલીસ્તાનીઓને ટેકો નહીં આપે

ઓટાવા (કેનેડા) : ભારત સાથેના સંબંધો સુધારવા કેનેડા હવે પ્રયત્નો કરી રહ્યું છે. વડાપ્રધાન માર્ક કાર્નીની ભારતની મુલાકાત પૂર્વે બંને દેશો વચ્ચેના સંબંધો ફરી પ્રગાઢ કરવાની તેની સ્પષ્ટ ગણતરી છે. કેનેડાના અગ્રીમ વર્તમાનપત્ર ટોરેન્ટો સ્ટારે બુધવારે એક અનામી રહેવા માગતા અધિકારીને ટાંકતા આ પ્રમાણે જણાવ્યું હતું. તે અધિકારીએ નામ ન આપવાની શરતે વધુમાં જણાવ્યું હતું કે, અમારી વચ્ચે મજબૂત રાજકીય સમજૂતી પણ સધાઈ છે. બંને દેશોના રાષ્ટ્રીય સલામતી સલાહકારો વચ્ચે થોડા સમય પૂર્વે જ યોજાયેલી મંત્રણામાં પણ તે નિષ્કર્ષ ઉપર તેઓ આવ્યા હતા કે, કેનેડામાં થયેલા અને થતા અપરાધી કૃત્યોમાં ભારત સંડોવાયેલું નથી.

આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકાર સાથે સંબંધ ધરાવતા એજન્ટસ કેનેડામાં અશાંતિ ફેલાવવા માગે છે. તેવી જે માન્યતા હતી, તે હવે રહી નથી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના શાસન દરમિયાન ખાલીસ્તાની ત્રાસવાદીઓ અને આતંકવાદીઓને આશ્રય અપાતો હતો. જેથી ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સામે ખતરો ઉપસ્થિત થયો હતો.

ટ્રુડોનો એ દાવો કે ખાલીસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારત સંડોવાયેલું છે. તેને ભારતે સ્પષ્ટ રદિયો આપ્યો હતો. સાથે કહ્યું હતું કે, નિજ્જર હત્યામાં ભારતની કોઇ સંડોવણી નથી. આવો આક્ષેપ અર્થહીન અને નિશ્ચિત ગણતરીપૂર્વક કરવામાં આવ્યો છે.

ટૂંકમાં કેનેડા ભારત સાથે સંબંધો સુધારી ૧ અબજ ૪૦ કરોડની જનતાની જરૂરિયાતો નજરમાં રાખી ભારત સાથે સંબંધો સુધારવા માગે છે. કારણ કે અમેરિકા સાથે મતભેદો વધી રહ્યા છે. ત્યાં થતી નિકાસ ઘટી ગઇ છે. તે સમતોલ કરવા કેનેડા ભારત તથા યુરોપીય યુનિયન તરફ નજર માંડી રહ્યું છે. ભારત સાથે વ્યાપારી કરારો થવાના છે. સંરક્ષણ સમજૂતી પણ થવાની છે. સૌથી વધુ તો કેનેડાનું યુરેનિયમ મોદી-કાર્નીની મંત્રણામાં કેન્દ્ર સ્થાને રહેશે તે નિશ્ચિત છે.