ભારત મહદ્અંશે અમારી સાથે છે : ઝેલેન્સ્કી ટ્રમ્પના ભારત-ચીન પરના પ્રહારો પછી યુક્રેન પ્રમુખે કહ્યું

- આ સાથે ભારત-ચીન વચ્ચેનો તફાવત કહેતા ઝેલેન્સ્કીએ જણાવ્યું ચીન વધુ મુશ્કેલ છે, રશિયાને સમર્થન નહીં આપવાનું તેને પસંદ નથી
સંયુક્ત રાષ્ટ્રો : યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'ભારત મહદ્અંશે યુદ્ધમાં કીવની સાથે છે.' ઝેલેન્સ્કીનું આ મંતવ્ય અમેરિકા પ્રમુખ ટ્રમ્પે ભારત-ચીન ઉપર તે યુદ્ધમાં રશિયાને આર્થિક સહાય કરી રહ્યા હોવાના આક્ષેપોથી તદ્દન વિપરિત છે.
ફોક્સ ન્યૂઝને સં.રા.ની મહાસભાનાં સત્રનાં પ્રારંભ પૂર્વે આપેલી મુલાકાતમાં ઝેલેન્સ્કીએ ઊર્જા ક્ષેત્રે ભારતનાં રશિયા ઉપરનાં અવલંબનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે તેમ પણ કહ્યું હતું કે, ભારત અમારી પાસેથી પણ તેલ ખરીદી શકે તેમ છે. સાથે તે પણ સત્ય છે કે, ભારત મહદ્અંશે અમારી તરફે છે.
તેમણે કહ્યું : મારૂ માનવું છે કે, ભારત મહદ્અંશે અમારી સાથે છે. આપણી સમક્ષ ઉર્જાનો પણ પ્રશ્ન છે, પરંતુ મને લાગે છે કે, ટ્રમ્પ તેમાંથી કોઈ માર્ગ શોધી શકશે. બીજી તરફ યુરોપીય દેશો ભારત સાથે પ્રબળ અને નિકટવર્તી સંબંધો રાખવા ઈચ્છે છે.
આ સાથે ઝેલેન્સ્કીએ કહ્યું કે, હવે જોવાનું તે રહે છે કે, ભારત અમારાથી દૂર ન સરકી જાય.
ચીન અંગે ઝેલેન્સ્કીએ કહ્યું તે વધુ મુશ્કેલ છે કારણ કે ચીન ઐતિહાસિક રીતે જ રશિયા સાથે જોડાયેલું છે. વળી અત્યારે તો રશિયાની સાથે નહીં રહેવાનું ચીનના હિતમાં નથી તેમ તે માને છે.
આશ્ચર્યની વાત તે છે કે જે ઝેલેન્સ્કીએ એક સમયે ટ્રમ્પ સાથે પત્રકારો અને કેમેરાની હાજરીમાં જ ઝઘડો કર્યો હતો તેવા ટ્રમ્પની જ પ્રશંસા કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું : 'તેઓએ (ટ્રમ્પે) સંઘર્ષનો ઉકેલ ન આવે ત્યાં સુધી યુક્રેનને સતત સહાય કરતા રહેવાનું વચન આપ્યું છે. તેથી અમે યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ થાય તેમ ઈચ્છીએ છીએ.' તેઓ (ટ્રમ્પ) પણ તેમ જ ઈચ્છે છે, પરંતુ તેઓ તે પણ જાણે છે કે પુતિન તેમ ઈચ્છતા નથી.








