રશિયન તેલ મોંઘુ થતા ભારતે વેનેઝુએલાથી વધારી આયાત, રશિયા પાસેથી માત્ર 35 ટકાની ખરીદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Venezuela Crude Oil Import October 2026: મિડલ ઈસ્ટમાં તણાવના કારણે અપ્રાકૃતિક રીતે કાચા તેલનો સપ્લાય પ્રભાવિત થયો છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલથી લઈને એલપીજી ગેસ અને સીએનજીના ભાવ વધ્યા છે. ભારતે રશિયાથી લઈને વેનેઝુએલા અને અમેરિકા સુધીના દેશો પાસેથી તેલનો પુરવઠો મેળવ્યો છે. ઊર્જા (એનર્જી) ને લઈને ભારતની રણનીતિ હંમેશાં એ રહી છે કે, જ્યાંથી પણ દેશને વ્યાજબી ભાવે તેલ મળી શકે, ત્યાંથી આયાત વધારી દેવી. આ દરમિયાન સમાચાર એ છે કે રશિયન તેલના ભાવ વધ્યા બાદ ભારતે વેનેઝુએલાથી તેલની આયાત વધારી દીધી છે. જ્યાં એક સમયે રશિયન તેલની આયાત 56 ટકા હતી, તે હવે ઘટીને 35 ટકા રહી ગઈ છે.
વેનેઝુએલાથી વધી રહી છે તેલની આયાત
મીડિયા અહેવાલો અનુસાર વેનેઝુએલાથી કાચા તેલની ભારતની આયાત ઓક્ટોબરમાં બમણાથી વધુ થવાની ધારણા છે. દક્ષિણ અમેરિકી ઉત્પાદક દેશના તેલ પર ભારે ડિસ્કાઉન્ટ મળવાથી ભારતીય રિફાઇનરો વધતા ખર્ચ અને રશિયન સપ્લાય સંબંધિત પ્રતિબંધોના જોખમો વચ્ચે ખરીદી વધારવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે. અનુમાન મુજબ, આ મહિને ભારતને વેનેઝુએલાથી કાચા તેલની સપ્લાય લગભગ 4,65,000 બેરલ પ્રતિ દિન (BPD) સુધી પહોંચવાનો અંદાજ છે, જે સપ્ટેમ્બરમાં 1,96,000 BPD હતી. જો નક્કી કરાયેલા કાર્ગો સમયસર પહોંચશે, તો ઓક્ટોબરની આ આયાત ડિસેમ્બર 2019 પછીની સૌથી વધુ હશે. જોકે, વાસ્તવિક જથ્થો ઓછો પણ હોઈ શકે છે.
ઓક્ટોબરમાં કેટલી થઈ ડિલિવરી?
આયાતકારોનું અનુમાન છે કે, ઓક્ટોબરમાં સરેરાશ ડિલિવરી 3,50,000 બેરલ પ્રતિ દિનની આસપાસ રહેશે, કારણ કે કેટલાક જહાજો મહિનાના અંત પહેલા માલ ઉતારી શકશે નહીં. હાલના સમયે ભારત તરફ આવી રહેલા તમામ વેનેઝુએલાના જહાજો પર ગુજરાતના સિક્કા બંદરગાહનો ઉલ્લેખ છે. સિક્કા બંદરગાહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જામનગર રિફાઈનરી પરિસરને સેવાઓ પૂરી પાડે છે, જે વિશ્વનું સૌથી મોટું રિફાઈનિંગ સેન્ટર છે. જહાજ ટ્રેકિંગ ડેટા અનુસાર, ઓછામાં ઓછા બે ટેન્કર 31 ઓક્ટોબરે ભારતના પશ્ચિમ કિનારે પહોંચવાના છે.
પ્રતિબંધોમાં છૂટછાટ બાદ ભારતે વધારી તેલની આયાત
અમેરિકા દ્વારા વેનેઝુએલાના કાચા તેલના નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપ્યા બાદ, ભારતે લગભગ એક વર્ષના વિરામ પછી ફેબ્રુઆરીમાં વેનેઝુએલાથી તેલની આયાત ફરી શરૂ કરી હતી. ભારતીય રિફાઇનરીઓ રશિયન કાચા તેલ પરની પોતાની નિર્ભરતાનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે.
રશિયા હજુ પણ ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર
રશિયા ભારતનો સૌથી મોટો કાચા તેલનો સપ્લાયર છે, પરંતુ આંકડા અનુસાર, જુલાઈમાં ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો 56% થી ઘટીને સપ્ટેમ્બરમાં લગભગ 35% થઈ ગયો છે. રશિયન યુરાલ્સ કાચા તેલની કિંમતોમાં પણ વધારો થયો છે, બાલ્ટિક સાગરથી આવતા કાચા તેલના ભાવ યુક્રેન યુદ્ધની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. આ ઉપરાંત, અમેરિકી પ્રતિબંધો અને દંડનાત્મક શુલ્કના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય રિફાઇનર્સ રશિયન ખરીદીને લઈને વધુ સાવચેત થઈ રહ્યા છે.




