World

મિડલ ઈસ્ટના દેશોને પછાડી ભારત આ દેશ માટે બન્યો સૌથી મોટો પેટ્રોલિયમ સપ્લાયર...

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
પેટ્રોલિયમ પેદાશો માટે ખાડી દેશો પર નિર્ભર ભારત હવે વૈશ્વિક બજારમાં તાકાત બતાવી રહ્યું છે. મધ્ય પૂર્વના સપ્લાય રૂટ ખોરવાતા UAE અને સાઉદી અરેબિયાનો પુરવઠો પ્રભાવિત થયો છે. આ સ્થિતિમાં, પૂર્વ આફ્રિકાના કેન્યા દેશે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ માટે ભારત તરફ વલણ અપનાવી, ભારતને નંબર 1 સપ્લાયર બનાવ્યું છે. ભારતે જુલાઈમાં 66% વૃદ્ધિ સાથે આફ્રિકામાં નિકાસ વધારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટના દેશોને પછાડી ભારત આ દેશ માટે બન્યો સૌથી મોટો પેટ્રોલિયમ સપ્લાયર...

India Kenya Refined Petroleum Export : અત્યાર સુધી પેટ્રોલિયમ પેદાશોની આયાત માટે ખાડી દેશો પર નિર્ભર ગણાતું ભારત હવે રિફાઇન્ડ ફ્યુઅલના વૈશ્વિક બજારમાં પોતાની મોટી તાકાત બતાવી રહ્યું છે. મધ્ય પૂર્વમાં સપ્લાય રૂટ ખોરવાઈ જવાના કારણે યુએઈ (UAE) અને સાઉદી અરેબિયાનો પુરવઠો ભારે પ્રભાવિત થયો છે. આ સ્થિતિ વચ્ચે પૂર્વ આફ્રિકાના દેશ કેન્યાએ પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ માટે ભારત તરફ વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી સરકારી કરારો હેઠળ સાઉદી અરામકો અને એડનોક (ADNOC) જેવી ખાડી દેશોની કંપનીઓ પાસેથી બળતણ ખરીદતું કેન્યા હવે ભારત પાસેથી મોટા પાયે આયાત કરી રહ્યું છે.

UAE અને સાઉદી અરેબિયાને પાછળ છોડી ભારત બન્યું નંબર-1 સપ્લાયર

બેલ્જિયમની કોમોડિટી ડેટા એજન્સી 'Kpler' ના આંકડાઓ અનુસાર, ભારતે કેન્યાને ગેસોલિન, ડીઝલ અને જેટ ફ્યુઅલ મોકલવામાં યુએઈ અને સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધા છે. જુલાઈ મહિનામાં આફ્રિકા ખંડમાં ભારતની પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં વાર્ષિક ધોરણે 66% નો મજબૂત વધારો નોંધાયો છે. યુરોપીયન યુનિયન (EU) દ્વારા રશિયન ક્રૂડમાંથી રિફાઇન કરાયેલી પ્રોડક્ટ્સ પર મુકાયેલા પ્રતિબંધો બાદ ભારતીય રિફાઇનરો માટે આફ્રિકન બજારોમાં નવી મોટી તકો ઊભી થઈ છે, જેનો ભારતે પૂરતો લાભ લીધો છે.

ભારતની રિફાઇનિંગ ક્ષમતા અને જામનગર કોમ્પ્લેક્સની તાકાત

ભારતની આ વૈશ્વિક સફળતા પાછળ દેશની મજબૂત રિફાઇનિંગ ક્ષમતા મુખ્ય કારણ છે. ભારત વિશ્વનો 4થો સૌથી મોટો ઓઇલ રિફાઇનર અને એશિયાનો 2જો સૌથી મોટો રિફાઇનિંગ દેશ છે. દેશમાં કાર્યરત 22 રિફાઇનરીઓની કુલ ક્ષમતા વાર્ષિક 258.1 મિલિયન ટન છે. ગુજરાતના જામનગરમાં આવેલું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ વિશ્વનું સૌથી મોટું ઓઇલ રિફાઇનિંગ સેન્ટર છે. નાણાકીય વર્ષ 2025-26 માં ભારતે 61.5 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી. ભારત પોતાની જરૂરિયાતનું 90% થી વધુ કાચું તેલ આયાત કરીને તેને પ્રોસેસ કરે છે અને પ્રોડક્ટ્સ વિદેશોમાં નિકાસ કરે છે.

જુલાઈમાં ભારત-કેન્યા વેપારમાં મોટો ઉછાળો

કેન્યામાં યુએઈથી થતી તેલની આયાત જાન્યુઆરીમાં દરરોજ 90,000 બેરલ હતી, જે ઓગસ્ટમાં ઘટીને 15,000 બેરલ રહી ગઈ છે. બીજી તરફ, ગુજરાતના સિક્કા બંદરગાહથી મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ સપ્લાય મોમ્બાસા બંદરગાહ પહોંચી રહી છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, જુલાઈ 2026 માં કેન્યાને ભારતની કુલ નિકાસમાં 151.41% નો વધારો થયો છે. આ સાથે જ જુલાઈમાં ભારતની ગ્લોબલ પેટ્રોલિયમ નિકાસ 4.13 અબજ ડોલરથી વધીને 6.92 અબજ ડોલર (67.64% વાર્ષિક વૃદ્ધિ) થઈ ગઈ છે. વર્ષ 2025-26 માં બંને દેશો વચ્ચે 4.31 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. જેમાં ભારતનું પલડું ભારે રહ્યું છે.