યુદ્ધના કારણે ઈરાનની કરન્સીની હાલત ખરાબ થઈ ગઈ
ઈરાનમાં બેફામ મોંઘવારી : સરકારે એક કરોડની નોટ ઈશ્યૂ કરવી પડી, એક કરોડ ઈરાની કરન્સી એટલે ભારતના ૭૨૫ રૂપિયા
ઈરાનનું અર્થતંત્ર યુદ્ધના કારણે બેહાલ થઈ ગયું છે. ઈરાનની સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલાં ૫૦ લાખ રિયાલની કરન્સી નોટ જાહેર કરી હતી. એનાથી કામ ચાલ્યું નહીં એટલે ઈરાને એક કરોડ રિયાલની કરન્સી નોટ જાહેર કરવી પડી. એક વ્યક્તિ એક કરોડની નોટ લઈને દુકાને શોપિંગ કરવા ગયો તેનો વીડિયો સામે આવ્યો છે. બ્રેડ ખરીદવામાં ૧૦ લાખ રિયાલ ખર્ચાઈ જાય છે. શાકભાજી, ઈંડા, તેલ કે દૂધ જેવી ચીજવસ્તુઓ લેવાની હોય અને ચાર સભ્યોના પરિવારને એક દિવસ ચાલે એટલું રાશન લેવાનું હોય એમાં જ એક કરોડ ખર્ચાય જાય છે. ઘણાં પરિવારોએ જણાવ્યું હતું કે એક જ પરિવારને ચાલે એટલી ચીજવસ્તુઓ લેવી હોય તો ત્રણ કરોડ રિયાલની જરૂર પડે છે.
ઈરાનમાં છેલ્લાં મહિનાઓમાં મોંઘવારી ૬૦ ટકાથી વધીને હવે ૧૦૦ ટકા થઈ ગઈ છે. ફુગાવો પણ અભૂતપૂર્વ વધ્યો છે. ઈરાનમાં એક કરોડ રિયાલ એટલે ભારતના ૭૨૫ રૂપિયા. એના પરથી કલ્પના થઈ શકે છે કે ઈરાનની કરન્સીનું કઈ હદે પતન થયું છે. ઈન્ટરનેશન મોનેટરી ફંડના કહેવા પ્રમાણે જો યુદ્ધ હજુ લાંબું ખેંચાશે તો ઈરાનમાં મોંઘવારી કાબૂ બહાર જતી રહેશે અને ઈરાની કરન્સીનું મૂલ્ય વધુ ગગડી જશે. કદાચ સરકારે બે કરોડ રિયાલની નોટ જાહેર કરવી પડે એવું પણ શક્ય છે.


