- કંપનીમાં AIનો ઉપયોગ 600 ટકા વધતા નિર્ણય
- એજેન્ટિક એઆઈ ફર્સ્ટ ઓપરેટિંગ મોડલ લાગુ કરાયું ઓટોમેશન, એઆઈ એજન્ટ્સ પર ભાર મૂકાશે
કેલિફોર્નિયા : અમેરિકાની સાયબર સુરક્ષા અને ક્લાઉડ સવસ કંપની ક્લાઉડફેરે વૈશ્વિક સ્તરે ૧,૧૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે, આ નિર્ણય ખર્ચ ઘટાડવા માટે નહીં, પરંતુ ઝડપથી વધી રહેલા આટફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કંપનીના કો-ફાઉન્ડર્સ મેથ્યુ પ્રિન્સ અને મિશેલ ઝેટલિને કર્મચારીઓને ઈમેઈલમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં જ કંપનીની અંદર એઆઈનો ઉપયોગ ૬૦૦ ટકા સુધી વધી ગયો છે. એન્જિનિયરિંગ, હ્યુમન રિસોર્સ, ફાઇનાન્સ અને માર્કેટિંગ જેવી વિવિધ ટીમો હવે રોજ હજારો એઆઈ સેશનનો ઉપયોગ કરી રહી છે. કંપની હવે એજેન્ટિક એઆઈ ફસ્ટ ઓપરેટિંગ મોડલ તરફ આગળ વધી રહી છે. જેમાં, ભવિષ્યમાં ઘણી પ્રક્રિયાઓ એઆઈ આધારિત ઓટોમેશન અને એઆઈ એજન્ટ્સ દ્વારા સંચાલિત થશે.
કંપનીના મતે જૂની કાર્યશૈલી બિઝનેસની ગતિને ધીમી પાડી શકે છે. ક્લાઉડફેર દ્વારા છટણી એક જ તબક્કામાં કરવામાં આવશે જેથી કર્મચારીઓમાં લાંબા સમય સુધી અનિશ્ચિતતા ન રહે.
અમેરિકામાં અસરગ્રસ્ત કર્મચારીઓને ૨૦૨૬ના અંત સુધી મૂળ પગાર, આરોગ્ય વીમા સહિતના લાભ અને ઇક્વિટી જેવી સુવિધાઓ આપવામાં આવશે. કંપનીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે, ક્લાઉફેરે ૨૦૨૬ના પહેલા ત્રિમાસિક ગાળામાં ૬૩૯.૮ મિલિયન ડોલરની આવક નોંધાવી હતી. જે વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ હતી.


