‘શેખ હસીનાને ભારત આવવાની મંજૂરી ન આપી હોત તો...’ હાઈ કમિશનરે કર્યો મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sheikh Hasina India Asylum: બાંગ્લાદેશમાં ભારતના હાઈકમિશનર દિનેશ ત્રિવેદીએ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આશ્રય આપવા અને તેમને પરત સોંપવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, ઓગસ્ટ 2024 માં બાંગ્લાદેશ છોડ્યા બાદ જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારત આવ્યા, ત્યારે ભારત પાસે તેમનો સ્વીકાર કરવા સિવાય કદાચ જ કોઈ વિકલ્પ હતો. તેમણે શેખ હસીનાના બાંગ્લાદેશ પ્રત્યાર્પણની માંગ અંગે ભારતીય કાનૂની પ્રક્રિયાઓનો હવાલો આપ્યો હતો. હાઈકમિશનર ત્રિવેદીએ કહ્યું કે, ભારતમાં દરેક બાબતની એક કાનૂની પ્રક્રિયા છે, જે વ્યવસ્થિત છે અને હાલ ચાલી રહી છે.
ભારતે શેખ હસીનાને આશ્રય શા માટે આપ્યો?
ઢાકા ખાતે એક પેનલ ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ જણાવ્યું, 'તે સમયે, હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન હતા. અમારી પાસે આ અંગે કદાચ જ કોઈ વિકલ્પ હતો. એક પાડોશી તરીકે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ અમારી ફરજ હતી, કારણ કે ઘણીવાર એવી સ્થિતિ સર્જાય છે, જેના માટે તમે ક્યારેય તૈયાર નથી હોતા. તેમણે કહ્યું કે, ભારત આ પરિસ્થિતિ માટે તૈયાર નહોતું અને સવાલ ઉઠાવ્યો કે તે સમયે નવી દિલ્હી પાસે બીજો કયો વિકલ્પ હતો?
'શેખ હસીના પોતાની મરજીથી ભારત આવ્યા'
તેમણે વધુમાં કહ્યું, 'હું ટેલિવિઝન પર જોઈ રહ્યો હતો અને સમાચાર આવી રહ્યા હતા કે, તેઓ કોઈ અન્ય દેશમાં જઈ રહ્યા છે. ત્રિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે, હસીનાને ભારતીય વાયુસેના કે ભારતીય સેના ભારત લાવ્યા નહોતા. બાંગ્લાદેશથી તેમના જવાના સંજોગોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ઇતિહાસ જુઓ તો હસીનાને ભારતીય વાયુસેના કે સેના ભારત નહોતી લાવી. તેમણે તે સમયે બાંગ્લાદેશની સ્થિતિને દુઃખદ પરિસ્થિતિનું પરિણામ ગણાવ્યું અને કહ્યું કે આવી સ્થિતિ દુનિયામાં ક્યાંય પણ ફરી સર્જાવવી ન જોઈએ.'
શેખ હસીનાના બાંગ્લાદેશ પ્રત્યાર્પણ અંગે શું કહ્યું?
તેમણે કહ્યું, 'અમારી પાસે શું વિકલ્પ હતો? જો અમે ના પાડી દીધી હોત કે અમે સ્વીકાર નહીં કરીએ, લેન્ડિંગની મંજૂરી નહીં આપીએ, તો ન જાણે શું થાત.' તેમણે ઉમેર્યું કે હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની વિનંતી પર હવે ભારતમાં નક્કી કરેલી કાનૂની પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું, ભારત સરકારે વારંવાર એક જ જવાબ આપ્યો છે કે, આની એક કાનૂની પ્રક્રિયા છે, અને તે પ્રક્રિયા સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. તેથી આ મામલે કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ છે.'
પ્રત્યાર્પણની સમયમર્યાદા અંગે કોઈ સ્પષ્ટતા નહીં
તેમણે જણાવ્યું કે આ મામલામાં અદાલતો સામેલ છે અને તેથી કોઈ પણ આ નિર્ણય માટે સમયમર્યાદા આપી શકે નહીં. ત્રિવેદીએ કહ્યું, કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે, આ બાબતે તમે સંપૂર્ણપણે આશ્વસ્ત રહી શકો છો. તેમણે ઉમેર્યું કે, ભારત એક જીવંત લોકશાહી છે, જેવું બાંગ્લાદેશ પણ છે, અને કાનૂની વ્યવસ્થા હાલ આ સમગ્ર બાબતને જોઈ રહી છે.




