World

ઈરાન વાટાઘાટો નહીં કરે તો તેની પાસે કશું જ નહીં બચે! ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી, UN પણ ચિંતિત

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ઈરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો આગામી સપ્તાહે અમેરિકા તેના મહત્ત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે સતત ચોથા દિવસે સૈન્ય કાર્યવાહી અને ગોળીબાર થઈ રહ્યા છે. ઈરાને પણ જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન વાટાઘાટો નહીં કરે તો તેની પાસે કશું જ નહીં બચે! ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી, UN પણ ચિંતિત
IMAGE - IANS

US-Iran Escalation: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર નહીં આવે, તો આવતા સપ્તાહે અમેરિકા તેના મહત્ત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે સતત ચોથા દિવસે સામસામે સૈન્ય કાર્યવાહી અને ગોળીબાર થઈ રહ્યો છે.

ઈરાન સાથે આરપારની લડાઈના મૂડમાં ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં જણાવ્યું કે, 'આવતા અઠવાડિયે ઈરાન માટે સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે. જો તેઓ વાટાઘાટો માટે તૈયાર નહીં થાય, તો અમે તેમના તમામ પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ તોડી પાડીશું.' આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ ટ્રમ્પે ઈરાનની નાગરિક માળખાગત સુવિધાઓ પર બોમ્બમારો કરવાની ધમકી આપી હતી, જેના પર સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નાગરિક સુવિધાઓ પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ (War Crime) ગણાય છે.'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ ઈરાનના ઊર્જા ક્ષેત્રો (પાવર પ્લાન્ટ્સ) પર પણ હુમલો કરશે, જોકે આ કાર્યવાહી તેઓ સૌથી છેલ્લે કરશે. આ સાથે જ અમેરિકન વાટાઘાટકારોએ ઈરાનને સ્પષ્ટ અને આખરી સંદેશો આપી દીધો છે કે તેઓ કાં તો શાંતિથી સમજૂતી કરી લે અથવા તો યુદ્ધની સ્થિતિમાં દેશમાં કંઈ જ બચશે નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ વધ્યો અને સૈન્ય હુમલા તેજ

આ રાજકીય ગરમાવો ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા માલવાહક જહાજો પર લાદવામાં આવનાર 20% શુલ્કની ધમકી પાછી ખેંચી લીધી. તેના બદલે તેમણે ખાડી દેશો સાથે મોટા પાયે વેપાર અને રોકાણ કરારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના થોડા જ કલાકોમાં અમેરિકન સેનાએ ઈરાન પર સતત સાત કલાક સુધી હવાઈ હુમલા કર્યા અને તેના બંદરોની નાકાબંધી ફરી શરૂ કરી દીધી.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (Centcom)ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ડઝનબંધ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે જેથી ઈરાન વેપારી જહાજોને ધમકી ન આપી શકે. આ હુમલામાં દક્ષિણ-પૂર્વ શહેર બામપુરમાં ઈરાનના લશ્કરી મથક પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા સાત ઈરાની સૈનિકોના મોત થયા છે.

ઈરાનનો અમેરિકન ઠેકાણાઓ પર પલટવાર

બીજી તરફ, ઈરાને પણ અમેરિકા સામે વળતો પ્રહાર કર્યો છે. ઈરાની સ્ટેટ મીડિયાના અહેવાલ મુજબ, તેહરાને જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. કુવૈત અને બહેરીનના સૈન્ય વિભાગે દાવો કર્યો છે કે તેમણે ઈરાન તરફથી આવેલા ડ્રોન અને હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક હવામાં જ નષ્ટ કરી દીધા છે. અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ઈરાને જાણીજોઈને વેપારી જહાજો પર હુમલા કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે, જેમાં કેટલાક નાગરિકોના મોત પણ થયા છે.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા આ સૈન્ય તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો દરિયાઈ વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. આ વિસ્તાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની સપ્લાય માટે અત્યંત મહત્ત્વનો હોવાથી આ યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઈરાને અમેરિકા પર હોર્મુઝના મેનેજમેન્ટમાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ કર્યો છે. તો સામે પક્ષે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે ઈરાન સિવાયના તમામ દેશોના જહાજો માટે ખુલ્લી છે.

ઈરાન વાટાઘાટો માટે ઝૂકવા તૈયાર નથી

અમેરિકાની આ આર્થિક અને સૈન્ય નાકાબંધી સામે ઈરાન ઝૂકવા તૈયાર નથી. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું હતું કે જો અમેરિકા એવું વિચારતું હોય કે આર્થિક નાકાબંધી અને સૈન્ય દબાણ લાવવાથી ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવી જશે, તો તે અમેરિકાની મોટી ભૂલ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર તેનું જ નિયંત્રણ રહેશે.