Get The App

અમેરિકા ઘેરાબંધી હટાવે તો હોર્મુઝ ખોલીએ: ઇરાનનો નવો પ્રસ્તાવ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા ઘેરાબંધી હટાવે તો હોર્મુઝ ખોલીએ: ઇરાનનો નવો પ્રસ્તાવ 1 - image

- ટ્રમ્પે પણ ઇરાનની નવી દરખાસ્ત સારી ગણાવી

- ઇરાનના વિદેશપ્રધાન અરાઘાચી રશિયા જતાં મધ્યપૂર્વના જંગમાં પુતિનની એન્ટ્રી હવે સુનિશ્ચિત

કૈરો : ઇરાને અમેરિકાને નવો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ મુજબ અમેરિકા ઇરાનની ઘેરાબંધી હટાવે અને ઇરાન તેના બદલામાં હોર્મુઝ ખોલશે. તેના પછીના તબક્કામાં પરમાણુ શસ્ત્રો અંગે મંત્રણા થઈ શકે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ઇરાને મોકલેલી દરખાસ્ત અગાઉની દરખાસ્ત કરતાં વધુ સારી છે. તેમણે એમ પણ જણાવ્યું કે મેં પ્રતિનિધિઓને મોકલવાનું રદ કર્યા પછી આ દરખાસ્ત મોકલાઈ છે. હવે અમેરિકા ઇરાનની આ દરખાસ્તનો કેવો પ્રતિસાદ આપે છે તેના પર આખા વિશ્વની નજર છે.

અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતી શાંતિની વાટાઘાટોમાં હવે રશિયાની એન્ટ્રી થઈ છે. અમેરિકા-સાથેની શાંતિ મંત્રણામાં ઇરાને સમજી ગયું છે કે અમેરિકા સામે તેનું રાજકીય વજન ઓછું પડી રહ્યુ છે. તેથી તેણે રાજકીય વજન સંતુલિત કરવા રશિયાનો સંપર્ક સાધ્યો છે.

આ સંદર્ભમાં ઇરાનના વિદેશપ્રધાન અરાઘાચી રશિયા ગયા હતા. પાકિસ્તાન અને ઓમાન જઈને આવેલા ઇરાનના વિદેશપ્રધાન અરાઘાચી રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. પુતિને તેમને ખાતરી આપી હતી કે રશિયા પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાય તેના માટે બધી જ મદદ કરી છૂટશે. આ બેઠકમાં રશિયન વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવ પણ હાજર હતા. પુતિને જણાવ્યું હતું કે રશિયા ઇરાન સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવા તૈયાર છે. 

પુતિને ઇરાન પોતાના સાર્વભૌમત્વ માટે જે રીતે લડયુ તેના વખાણ કર્યા હતા. અમને આશઆ છે કે ઇરાનના લોકોની સ્વતંત્રતાની હિંમત અને તેમની સ્વતંત્રતાની ઇચ્છા નવા આગેવાનનું માર્ગદર્શન દેશને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢવામાં ઉપયોગી નીવડશે અને શાંતિ સ્થપાશે. રશિયા આ માટે દરેક પ્રયત્ન કરી છૂટશે. 

અરાઘાચીએ જણાવ્યું હતું કે મોસ્કો અને તહેરાન વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી ઉચ્ચસ્તરે છે અને ગમે તેવા સંજોગોની વચ્ચે પણ તે સતત વિકસતી રહેશે. આમ હવે ઇરાન અમેરિકા સાથે સીધી વાત કે મંત્રણા કરતું હશે ત્યારે તેને રશિયાનું ચોક્કસ સમર્થન હશે. કદાચ આ પ્રકારની શાંતિમંત્રણાની દરખાસ્ત પણ રશિયા સાથે મળીને તૈયાર કરે તો આશ્ચર્ય નહીં થાય. હાલમાં આ લખાય છે ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૮ ડોલરની આસપાસ છે.