સાચા દુશ્મનને ઓળખો : અમેરિકા સામે ખાડી દેશોને એક થવા ઇરાનની અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તહેરાન : અમેરિકાની સાથે જારી તંગદીલી વચ્ચે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનેઇએ ખાડી દેશોને એક થઇને પોતાના સાચા દુશ્મન અમેરિકાને ઓળખવા આહવાન કર્યું છે. હાલમાં ઇરાનની આસપાસના દેશો અમેરિકાના ઇશારે કામ કરી રહ્યા છે એવામાં મોજતબાએ તેમને એક કરવાની અપીલ માટે ધર્મનો સહારો લેવો પડયો હતો. મોજતબાએ વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને દુશ્મનો સામે એકબીજાનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. ઇઝરાયેલ અને અમેરિકા બન્ને ઇરાન પર ફરી હુમલાની ધમકી આપી રહ્યા છે એવા સમયે મોજતબાએ આ વિનંતી કરવી પડી છે.
એવા અહેવાલો છે કે ઇઝરાયેલ હવે ઇરાનના તમામ ઉર્જા મથકો પર હુમલા કરવાનું આયોજન ઘડી રહ્યું છે. ઇરાન પણ ઇઝરાયેલના ઉર્જા મથકો પર હુમલા કરવાની તૈયારીમાં છે. સૈન્ય વિકલ્પો ખતમ થવા અને કૂટનીતિક પ્રયાસો પણ નિષ્ફળ જવાના સંકેતો વચ્ચે હવે બન્ને દેશો એકબીજાના ઉર્જા મથકો પર હુમલાની તૈયારીમાં છે. ઇરાન અગાઉ ખાડી ક્ષેત્રોમાં ઓઇલ અને ગેસ સુવિધાઓ પર હુમલા કરવાની પોતાની ક્ષમતા જગજાહેર કરી ચુક્યું છે. હવે ઇઝરાયેલ અને ઇરાન બન્ને વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયુ તો ઇઝરાયેલના ઉર્જા મથકો પર સહેલાઇથી ઇરાન હુમલા કરી શકે છે.
બીજી તરફ ઇરાનના વર્તમાન સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેનેઇએ ખાડી દેશોને એક થવા અને પોતાના સાચા દુશ્મનને ઓળખવા કહ્યું છે. આડકતરી રીતે ખામેનેઇએ ઇસ્લામના નામે તમામ મુસ્લિમ બહુમત દેશોને અમેરિકા અને ઇઝરાયેલની સામે એક થવા કહ્યું છે. મોહમ્મદ પયગંબરના જન્મ દિવસે ઇરાનના વડા દ્વારા વૈશ્વિક સંદેશો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે દુનિયાભરના મુસ્લિમો વચ્ચે એકતા સ્થાપિત કરવા, દુશ્મનો વિરુદ્ધ એકબીજાનું રક્ષણ કરવા અને સાથ સહકાર આપવાની અપીલ પણ કરી હતી. ખામેનેઇ હજુસુધી જાહેરમાં નથી દેખાયા, તેમણે આ સંદેશો ટેલીગ્રામ એકાઉન્ટ દ્વારા જાહેર કર્યો હતો.




