નેપાળમાં ત્રાસદી વચ્ચે માનવતા શર્મસાર, મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો VIDEO વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood News: નેપાળમાં કુદરતના કોપ અને વિનાશક પૂરની તબાહી વચ્ચે શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભીષણ પૂરમાં તણાઈ આવેલી એક મૃતક મહિલાના શવમાંથી કેટલાક લોકો સોનાની બુટ્ટીઓ ચોરતા હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જે બાદ નેપાળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મૃતદેહના કાનમાંથી સોનાની બુટ્ટીઓની ચોરી
મળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો 41 સેકન્ડનો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખસો પૂરમાં તણાઈને આવેલા એક મહિલાના મૃતદેહને લાકડાના પાટિયા અને વાળ પકડીને બહાર ખેંચી રહ્યા છે. ત્યારબાદ તેઓ મૃતદેહના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ કાઢીને એક તરફ મૂકી દે છે. આઘાતજનક બાબત એ છે કે આસપાસ ઊભેલા લોકો આ કૃત્ય અટકાવવાને બદલે મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા અને કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ શરમજનક ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા.
આરોપીઓને ઝડપી પાડ્યા
વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થતાં લોકોએ ભારે ફિટકાર વર્સાવ્યો હતો અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખી નેપાળ પોલીસે 'X' પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે મૃતકના કાનમાંથી બુટ્ટીઓ ચોરનારા આરોપીઓને ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળ અને તિબેટ સરહદી વિસ્તારમાં આવેલી ભયાનક પૂરની હોનારતમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આશરે 1,400થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ કુદરતી આફત વચ્ચે આવી હીન માનસિકતા ધરાવતી ઘટનાએ માનવતાને ઝંઝોડી મૂકી છે.




