Get The App

હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે પડયું અમેરિકા સાથે ડીલ મુદ્દે કોંગ્રેસનો ટોણો

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે પડયું અમેરિકા સાથે ડીલ મુદ્દે કોંગ્રેસનો ટોણો 1 - image

- ટ્રમ્પને ભેટવા, હાથ મિલાવવા, ફોટો પડાવવાથી કોઇ ફાયદો ના થયો

- અમેરિકી વસ્તુઓની ભારતમાં આયાત ત્રણગણી થઇ જશે, ભારતના ખેડૂતોને નુકસાન થશે : જયરામ રમેશ

નવી દિલ્હી : અમેરિકા સાથે ભારતના વેપાર કરારોને લઇને વિપક્ષ કોંગ્રેસે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. સાથે જ દાવો કર્યો છે કે 'હાઉડી મોદી' પર 'નમસ્તે ટ્રમ્પ' ભારે પડી ગયું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે ભારત આવતી અમેરિકાની કૃષિ પેદાશો પર કોઇ ડયુટી નહીં લાગે, ભારતીય ખેડૂતોના ભોગે અમેરિકા સાથે આ ડીલ કરાઇ છે.  

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે ડીલ થઇ તેને લઇને સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યા જોકે તેમાં આ ડીલ અંગે વિસ્તૃત માહિતી આપવામાં નથી આવી. પંરતુ અમેરિકાના વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે તેવી ખાતરી આપી છે જેના પર અમેરિકા હવે નજર રાખશે. જો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવ્યું તો અમેરિકાએ ભારત પર ૨૫ ટકા ટેરિફ નાખવાની શરત મુકી છે. તેવો દાવો જયરામ રમેશે કર્યો હતો. 

આ ડીલમાં ભારતને નુકસાન થયું હોવાના દાવા સાથે જયરામ રમેશે કહ્યું હતું કે હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે પડી ગયું છે. નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદી આ બન્ને અમેરિકા અને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આયોજિત કાર્યક્રમોના નામ છે. અમેરિકામાં મોદીના સ્વાગત માટે હાઉડી મોદી જ્યારે ભારતમાં ટ્રમ્પના સ્વાગત માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયા હતા. જેને ટાંકીને કોંગ્રેસે આ કટાક્ષ કર્યો હતો. જયરામ રમેશે દાવો કર્યો હતો કે ટ્રમ્પને ભેટવા, હાથ મિલાવવા સહિતના ફોટો માત્ર દેખાડો હતો. આ ટ્રેડ ડીલથી ભારત દ્વારા કરાતી અમેરિકી વસ્તુઓની આયાત વાર્ષીક ત્રણગણી થઇ જશે.  

તેની કોઇ ખાસ અસર આ ડીલમાં નથી જોવા મળી. અગાઉ સરકાર દાવો કરી ચુકી છે કે અમેરિકા સાથે ડીલમાં ખેતી અને ડેરી ક્ષેત્રને દૂર રખાયા છે.