World

હુથી બળવાખોરોનો સાઉદીમાં એરપોર્ટ, એરબેઝ, રિફાઈનરીઓ પર હુમલો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધના નવા વાદળો ઘેરાયા છે, જ્યાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબના એરપોર્ટ, એરબેઝ અને ઓઈલ રિફાઈનરીઓ પર મિસાઈલ હુમલા કર્યા. આ હુમલામાં 73થી વધુ લોકો ઘાયલ થયા હતા. યમનમાં સાઉદીના હુમલામાં 7 લોકોના મોત થયા હોવાના દાવા વચ્ચે, આ ઘટનાથી વૈશ્વિક અર્થતંત્ર પર અસર થવાની અને ક્રૂડ ઓઈલના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હુથી બળવાખોરોનો સાઉદીમાં એરપોર્ટ, એરબેઝ, રિફાઈનરીઓ પર હુમલો
  • પશ્ચિમ એશિયામાં નવા યુદ્ધના વાદળ ઘેરાયા
  • હુથીઓએ બેલેસ્ટિક મિસાઈલોથી હથિયારોથી લદાયેલા ટ્રકને ઉડાવ્યો, ૭૩ ઘાયલ : સાઉદીના હુમલામાં યમનમાં સાતનાં મોત

કૈરો : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ હજુ શાંત થયું નથી ત્યાં હવે સાઉદી અરબ અને યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે નવા યુદ્ધના વાદળો ઘેરાયા છે. હુથી બળવાખોરોએ મંગળવારે સાઉદી અરબમાં ઘૂસીને તેના એરપોર્ટ, એરબેઝ અને ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા કરતા ૭૩થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાથી પાકિસ્તાન, સાઉદી અરબ અને તૂર્કી વચ્ચેના મક્કા કરાર પર સવાલો ઊભા થયા છે. કારણ કે હુથી બળવાખોરોના હુમલા મુદ્દે પાકિસ્તાને ચૂપકિદી સેવી લીધી છે. આ હુમલાથી અમેરિકાના સાથી અને ઈરાન સમર્થિત પ્રોક્સી ગૂ્રપ વચ્ચે યુદ્ધ વધુ ભડકે બળે તેવી સંભાવના છે.
સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે, હુથી બળાવખોરોએ મંગળવારે દક્ષિણ વિસ્તારમાં કરેલા હુમલાથી અનેક ઓઈલ સુવિધાઓ અને યુટિલિટી સેન્ટરોમાં આગ લાગી હતી. હુથી બળવાખોરો અને સાઉદી અરબના સુરક્ષા દળો વચ્ચે સપ્તાહોથી ચાલતા ઘર્ષણ વચ્ચે આ હુમલાએ ચાર વર્ષથી બંને પક્ષો વચ્ચે ચાલતો યુદ્ધવિરામ જોખમમાં મૂકી દીધો છે.
હુથી બળવાખોરોએ મંગળવારે કહ્યું કે, તેમણે વહેલી સવારે સાઉદી અરબના આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કિંગ ખાલિદ એરબેઝ અને આભા તથા જિજાનમાં સરકારી ઓઈલ કંપની અરામકોની રિફાઈનરીઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. હુથી બળવાખોરોના આ હુમલાથી વૈશ્વિક અર્થતંત્રને નવો મોટો ફટકો પડવાની અને બંને પક્ષો વચ્ચે યુદ્ધ વકરવાની આશંકા છે.
પશ્ચિમ એશિયામાં છ મહિના કરતાં વધુ સમયથી ચાલતા અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઓઈલ પુરવઠો કગોરવાઈ ગયો છે. આવા સંજોગોમાં હુથીઓએ લાલ સમુદ્ર અને એડનના અખાતને જોડતા વ્યૂહાત્મક જળમાર્ગ બાબ અલ-મંદેબના સાઉદી અરબના શિપિંગ રૂટ અને ટ્રાન્સપોર્ટ ઓઈલ માર્ગ પર હુમલો કરતાં દુનિયામાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની ચિંતા વધી ગઈ છે.
બીજીબાજુ હુથી બળવાખોરોએ દાવો કર્યો હતો કે, સાઉદી અરબે યમનના ઉત્તરીય પ્રાંત જાવ્ફમાં એક જેલ પર હવાઈ હુમલો કરતાં એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા હતા અને અન્ય સાત ઘયાલ થયા હતા. આ હુમલાના જવાબમાં મંગળવારે વહેલી સવારે સાઉદીના આભા, જઝાન, નિજરાન અને ખામિસ મુશ્કૈત શહેરો પર નાગરિક અને આર્થિક સુવિધાઓ પર મિસાઈલ એટેક કરાયો હતો.
હુથી બળવાખોરોના હુમલાના પગલે ગયા મહિને પાકિસ્તાન, તૂર્કી અને સાઉદી અરબે કરેલો મક્કા કરાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરિફે હુથી બળવાખોરોના હુમલાની આકરી ટીકા કરી હતી, પરંતુ સાઉદી અરબના સમર્થનમાં યમનમાં તેમના પર સૈન્ય કાર્યવાહી કરવા અંગે મૌન સેવી લીધું હતું. પાકિસ્તાન, સાઉદી અરબ અને તૂર્કીએ ૭ ઓગસ્ટે મક્કા કરાર કરીને કોઈપણ એક દેશ પરના હુમલાને ત્રણેય દેશ પર હુમલા સમાન ગણાવ્યો હતો.