ઈરાનના કુહેસ્તાકમાં ભયાનક હુમલો: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, 5 ના મોત, 60 થી વધુ ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Kuhestak Wedding Missile Attack 5 Killed: લગ્ન એક એવો પ્રસંગ છે જે આખા પરિવાર માટે ખુશીનો અવસર લાવે છે. પણ, ગીત, સંગીત અને હાસ્યથી ગુંજતો લગ્નપ્રસંગ અચાનક ચીસોથી ભરાઈ જાય, લોહીથી ખરડાઈ જાય, ત્યારે લોકોની શું હાલત થાય, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઈરાનના કુહેસ્તાક શહેરમાં આવો જ એક રૂવાડાં ઊભા કરી દે તેવો બનાવ બન્યો. જ્યાં લગ્નપ્રસંગ દરમિયાન એક જ સેકન્ડમાં ખુશીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ અને નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. આ ઘટના માનવતા પર એક મોટો ઘા છે અને યુદ્ધની ભયાનકતાનો વરવો ચહેરો રજૂ કરે છે.
ખુશીઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ
મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026 ની સાંજે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર કુહેસ્તાકમાં એક પરિવાર લગ્નની ઉજવણી માટે ભેગો થયો હતો. હજુ તો ધાર્મિક વિધિઓ શરૂ પણ નહોતી થઈ, મહિલાઓ અને બાળકો ઘરના કમ્પાઉન્ડમાં હતા, ત્યાં જ નજીકના ટેલિકોમ્યુનિકેશન ટાવર પર એક મિસાઈલ ત્રાટકી. ત્યારબાદ તરત જ લગ્ન સ્થળ પર બે ભયાનક વિસ્ફોટ થયા. આ દુર્ઘટનામાં એક બાળક સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા અને 60 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. લગ્નનું ઘર થોડી જ સેકન્ડોમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું.
પ્રત્યક્ષદર્શીઓએ આંખે દેખ્યો અહેવાલ આપ્યો
વિસ્ફોટ બાદનું દૃશ્ય અત્યંત ભયાનક હતું. સ્થાનિક રહેવાસી સુલેમાન ઝકારી ફર્દના જણાવ્યા મુજબ, વિસ્ફોટ પછી ચારેબાજુ માત્ર ધૂળ જ દેખાતી હતી અને ચીસો જ સંભળાતી હતી. હવામાં ગનપાઉડરનો કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. લોહીલુહાણ થયેલા લોકો પોતાનો જીવ બચાવવા બેબાકળા થઈને દોડી રહ્યા હતા.
34 વર્ષીય સ્થાનિક ઉદ્યોગપતિ
સાસન ઝરેઈ વિસ્ફોટનો અવાજ સાંભળીને તરત જ મદદે દોડી આવ્યા. તેમણે લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા. ઝરેઈએ જણાવ્યું કે ઘાયલોમાં મોટાભાગના નાના બાળકો હતા. કાટમાળમાં બાળકોના
પગરખાં અને સેન્ડલ વેરવિખેર પડેલા હતા. એક બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી, તેના ફેફસાં ફૂલી ગયા હતા, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાસને સ્પષ્ટ કર્યું કે આ કોઈ લશ્કરી થાણું ન હતું, પરંતુ એક સામાન્ય નાગરિકનું ઘર હતું. જમીન પર વિખેરાયેલા પગરખાં અને લોકોના અંગો પરિસ્થિતિની ભયાનકતા દર્શાવતા હતા.
અમેરિકન હુમલાની શંકા
આ હુમલો અમેરિકન સેના દ્વારા થયો હોવાની પ્રબળ શંકા છે. જોકે, અમેરિકાએ સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી અને તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. અમેરિકાનો દાવો છે કે તેમનો હેતુ માત્ર ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો હતો, નાગરિકોને નહીં. આ મામલે સમાચાર સંસ્થા રોઇટર્સ દ્વારા 4 શસ્ત્ર નિષ્ણાતો પાસે ઘટનાસ્થળના ફોટા અને વીડિયોની તપાસ કરાવવામાં આવી હતી. તેમાંથી 3 નિષ્ણાતોનું માનવું છે કે આ હુમલામાં અમેરિકન મિસાઇલ જ વપરાયા છે. જ્યારે 1 નિષ્ણાતે એવી શક્યતા વ્યક્ત કરી કે કદાચ મિસાઇલ તેના મુખ્ય લક્ષ્યથી ચૂકી ગઈ હશે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, જે ટેલિકોમ્યુનિકેશન ટાવર પર હુમલો થયો તે લગ્નના ઘરથી માત્ર 135 મીટર જ દૂર હતો.
અંતિમ યાત્રામાં ફેરવાયો લગ્નનો માંડવો
હુમલાને કારણે લોકો લગ્નની ઉજવણી કરવાના બદલે કાટમાળમાં પોતાના પ્રિયજનોને શોધવા મજબૂર બની ગયા હતા. જે આંગણામાં ગીતો ગાવા અને આનંદ વહેંચવા માટે સગાં-સંબંધીઓ ભેગા
થયા હતા, ત્યાંથી જ લોકોની અંતિમ યાત્રાઓ નીકળી. એક જ ક્ષણમાં આખું વાતાવરણ શોકમાં ગરકાવ થઈ ગયું. રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે લડાતા યુદ્ધની ત્રાસદીથી સામાન્ય માણસોનું જીવન કેટલી હદે પ્રભાવિત થતું હોય છે, એનું તાજું અને વરવું ઉદાહરણ આ હુમલો છે.




