Get The App

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં, પરંતુ ભારત પાસે પ્લાન B તૈયાર

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં, પરંતુ ભારત પાસે પ્લાન B તૈયાર 1 - image

AI Image


Hormuz Strait Tension and India Oil Plan B : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગની સીધી અસર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ અને સપ્લાય ચેઇન પર જોવા મળી રહી છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) બંધ થવાની ભીતિએ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. જોકે, આ વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે મોદી સરકારનો 'પ્લાન-B' અત્યારે કારગત સાબિત થઈ રહ્યો છે. 

સરકારે સોર્સ વધાર્યા જેનો ફાયદો થશે 

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહે તો પણ ભારત પોતાની ઘરેલું માંગને પહોંચી વળવા માટે વૈકલ્પિક બજારો અને સપ્લાય રૂટનો ઉપયોગ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. ભારત સરકારે છેલ્લા કેટલાક સમયમાં તેલની આયાત માટે કોઈ એક દેશ કે રૂટ પર નિર્ભર રહેવાને બદલે વિવિધ દેશો સાથે સંબંધો વધારીને સપ્લાય સોર્સનું વૈવિધ્યકરણ (Diversification) કર્યું છે. આ રણનીતિને કારણે જ અત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ હોવા છતાં ભારત પર ઊર્જા સંકટ તોળાઈ રહ્યું નથી. 

આ પણ વાંચો : કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ ક્રેશ, સાઉદીમાં યમનનો એટેક! લેબેનોનમાં ઈઝરાયલના હુમલામાં 31ના મોત

પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ! 

ભારત પાસે હાલમાં શોર્ટ ટર્મ અવરોધોને પહોંચી વળવા માટે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે. દેશના વ્યૂહાત્મક ભંડારો (Strategic Reserves) LPG અને LNGની માંગને આશરે 15 દિવસ સુધી અને ક્રૂડ ઓઇલની જરૂરિયાતને લગભગ 45 દિવસ સુધી પૂરી કરી શકે તેમ છે. જોકે, સપ્લાય સુરક્ષિત હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવ ભારત માટે પડકારજનક બની શકે છે. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ હાલમાં 7 મહિનાની ઊંચી સપાટીએ એટલે કે 73 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે, જેની અસર મોંઘવારી અને દેશના ચાલુ ખાતાની ખાધ (CAD) પર પડી શકે છે. નોંધનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્ત્વના ઓઇલ રૂટમાંથી એક છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો 20% હિસ્સો પસાર થાય છે. આવી સ્થિતિમાં ભારતની સોર્સિંગ રૂટ બદલવાની અને વ્યૂહાત્મક ભંડારનો ઉપયોગ કરવાની ક્ષમતા દેશ માટે સુરક્ષા કવચ સમાન સાબિત થઈ રહી છે.