Get The App

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું?

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 1 - image

Hormuz Strait Closed Amid Israel-Lebanon Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમત ધરખમ ઘટાડો અને મોટાભાગના દેશોના શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે ઈઝરાયલે લેબેનોનમાં તબાહી મચાવતા ઈરાને ચાર દેશો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા કર્યા છે, જેના કારણે ફરી ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા સાથે અનેક દેશોના શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો છે.

ઈઝરાયલે લેબેનોન પર હુમલો કરતા ઈરાનનો ચાર દેશો પર હુમલો

મળતી વિગતો મુજબ, ઈઝરાયલે લેબેનોનમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયલે બુધવારે લેબોનોન પર ડ્રોન અને મિસાઈલો ઝીંકતા 250થી વધુ લોકોના મોત અને હજારોથી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આ હુમલાના કારણે હવે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે. એટલું જ નહીં તેણે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત અને કતાર પર ડ્રોન-મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયલ અને ઈરાનના આ પગલાના કારણે યુદ્ધવિરામની સ્થિતિ પર ફરી ખતરો મંડરાઈ રહ્યો છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત

ઈઝરાયલ, લેબેનોન અને ઈરાન હુમલાના કારણે યુદ્ધવિરામ પર સંકટ

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું છે, જોકે અમેરિકાએ લેબેનોને બચાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અમેરિકા હોર્મુઝ જળમાર્ગ તાત્કાલીક ખોલવાની માંગ કરીને શાંતિ વાર્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે યુદ્ધવિરામ પછી ઈઝરાયલ, લેબેનોન અને ઈરાનના કારણે ફરી મધ્ય-પૂર્વમાં ચિંતા વાદળો ઘેરાયા છે અને યુદ્ધવિરામ ટકવાની સંભાવના પણ ઓછી થતી દેખાઈ રહી છે.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 2 - image

લેબેનોન મુદ્દે ઈઝરાયલ અને પાકિસ્તાનના જુદા-જુદા દાવા

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન બુધવારે 10 પોઈન્ટના યુદ્ધવિરામ પર સંમત થયા હતા. જોકે બીજીતરફ ઈઝરાયલે લેબેનોનના બેરુતમાં ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં આખી રાત હુમલા કર્યા. ઈરાને યુદ્ધવિરામની સમજૂતીમાં લેબેનોન પર હુમલાની વાત સામેલ ન હોવાનો દાવો કર્યો છે. બીજીતરફ ઈરાન અને સમજૂતીમાં મધ્યસ્થી કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) કહ્યું છે કે, યુદ્ધવિરામની શરતોમાં લેબેનોન પર હુમલા અટકાવવાનો મુદ્દો પણ સામેલ છે. જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Iran Foreign Minister Abbas Araghchi)એ કહ્યું કે, અમેરિકાએ યુદ્ધવિરામ અથવા ઈઝરાયલ દ્વારા યુદ્ધ... આમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે, બંને બાબતો સાથે ચાલીને આગળ ન વધી શકાય.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 3 - image

હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ

ઈઝરાયલે લેબેનોન પર હુમલો કરતા ઈરાન નારાજ થયું છે અને તેણે સમજૂતીની શરતોનું પાલન ન થયું હોવાનું કહી હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ કરી દીધો છે. ઈરાને સંકેત આપ્યા છે કે, તે હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી ટોલ વસૂલી શકે છે. જોકે અમેરિકાએ તેનો વિરોધ કર્યો છે. અમેરિકન વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટે (White House Press Secretary Karoline Leavitt) હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાની માંગ કરી છે.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 4 - image

લેબેનોનમાં રાષ્ટ્રીય શોક, સરકારી સંસ્થાઓ બંધ

ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં અનેક લોકોના મોત થયા બાદ મૃતકોના માનમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં તમામ સરકારી સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે અને ધ્વજ અડધી કાઠીએ ઝુકાવાયો છે. લેબેનોનના વડાપ્રધાન નવાફ સલામે (Lebanon PM Nawaf Salam) ઈઝરાયેલી હુમલા અટકાવવા માટે તમામ રાજદ્વારી પ્રયાસો શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો : ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ

ખાડી દેશોમાં કેવી છે સ્થિતિ?

  • કુવેત : યુદ્ધવિરામ લાગુ થયા બાદ કુવેતે કહ્યું કે, ડ્રોન હુમલાના કારણે તેના મુખ્ય ઓઈલ પ્લાન્ટ, વીજળી સ્ટેશનો અને ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટ્સને ઘણુ નુકસાન થયું છે.
  • સંયુક્ત આરબ અમિરાત : યુએઈના અબૂધાબીમાં મિસાઈલ હુમલો અટકાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં મિસાઈલનો કાટમાળ પડતા તેના હબશન ગેસ કોમ્પલેક્સમાં આગ લાગી ગઈ છે. આ કારણે પ્લાન્ટમાં કામ અટકાવી દેવાયું છે. હુમલામાં ત્રણ લોકોને ઈજા થઈ છે.
  • કતાર : એર ડિફેન્સ સિસ્ટમ સાત મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા હોવાનો કતારે દાવો કર્યો છે.
  • સાઉદી અરેબિયા : હોર્મુઝ જળમાર્ગ પર હજુ પણ સંકટ ચાલી રહ્યું છે. સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે, હોર્મુઝ જળમાર્ગને બાયપાસ કરતી એક મુખ્ય પાઈપલાઈન પર મિસાઈલ હુમલો થયો છે.
  • બહેરીન : આ દેશે પણ મિસાઈલ અને ડ્રોનથી હુમલો થયો હોવાની માહિતી આપી છે.

યુદ્ધવિરામ બાદ હજુ પણ હુમલાઓ ચાલુ રહેતા કુવેત, સંયુક્ત આરબ અમિરાત, કતાર, સાઉદી અરેબિયા અને બહેરીન ચોંકી ગયા છે. આ દેશોએ અમેરિકા અને ઈરાન પાસે યુદ્ધવિરામની શરતો પર સ્પષ્ટતા આપવાની માંગ કરી છે. આ દેશોએ ચેતવણી સાથે કહ્યું કે, શરતો અસ્પષ્ટ હોવાના કારણે ખાડી ક્ષેત્રની વર્તમાન અસ્થિરતા વધુ લંબાઈ શકે છે.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 5 - image

આમ તો યુદ્ધવિરામ થઈ ગયું છે, જોકે આવા હુમલાઓના કારણે મધ્ય-પૂર્વના દેશો ઉપરાંત અમેરિકા પણ આશંકા વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) કંઈ શરતો બાદ સંમતી આપી છે, તે મુદ્દે અમેરિકન તંત્ર અસમંજસમાં છે. સૌથી મોટી આશંકા લેબેનોન મુદ્દે છે.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 6 - image

જોકે અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે (US Vice President JD Vance) સ્પષ્ટ કહ્યું છે કે, યુદ્ધવિરામની શરતોમાંથી લેબેનોનને સંપૂર્ણ બહાર રાખવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે, માત્ર અમેરિકા-ઈઝરાયલનું માત્ર ઈરાન સાથે યુદ્ધવિરામ થયું છે, આમાં લેબેનોન અંગે કોઈ ચિંતા વ્યક્ત કરાઈ નથી.

લેબેનોન પર હુમલા બંધ કરો : અમેરિકામાં વિરોધ

યુદ્ધવિરામ છતા અમેરિકા વિરોધનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં યુદ્ધના વિરોધમાં ન્યૂયોર્ક ટાઈમ્સ પાસે અનેક લોકો એકઠા થયા છે. તેઓએ અમેરિકા-ઈઝરાયલ દ્વાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને કાયમ બંધ કરવા અને લેબેનોન પર બોમ્બમારો તાત્કાલીક બંધ કરવાની માંગ કરી છે. 

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું? 7 - image

યુદ્ધવિરામ અંગે નેતન્યાહૂએ શું કહ્યું?

યુદ્ધવિરામ છતાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ચેતવણી આપી છે કે, જો ઈઝરાયલને જરૂર પડશે તો ઈરાનનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે ટીવી પર સંબોધન કરીને કહ્યું કે, ‘હું સ્પષ્ટ કહું છું કે, અમારા કેટલાક લક્ષ્ય હજુ બાકી છે અને અમે તેને પૂરા કરીશું. ભલે અમારે સમજૂતી કરીને કે પછી લડાઈ કરવી પડશે તો અમે લડીશું.’

યુદ્ધવિરામ બાદ બુધવારે-ગુરુવારે માર્કેટમાં મોટી ઉથલ-પાથલ

બુધવારના રોજ અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામની સમજૂતીના સમાચાર આવતાની સાથે જ શેરબજાર અને કાચા તેલના બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. કાચા તેલના ભાવમાં પ્રતિ બેરલ આશરે 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બીએસઈ, નિફ્ટી અને નિક્કી જેવા શેરબજારોમાં તેજી જોવા મળી હતી. આ સમાચારને કારણે જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં આશરે 6 ટકાનો ઉછાળો આવ્યો હતો. મુંબઈ શેરબજાર એટલે કે બીએસઈ સેન્સેક્સ પણ 2946.32 પોઈન્ટ્સ (3.95 ટકા) ઉછળીને 77,562.90ના સ્તરે બંધ રહ્યો હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો હતો.

જોકે ગુરુવારના રોજ લેબનાન પર ઇઝરાયેલના હુમલા અને ખાડી દેશો પર ઈરાનના વળતા હુમલાને કારણે બજારની સ્થિતિ ફરી નબળી પડી હતી. આ હુમલાઓને કારણે બજારમાં ઝડપથી ઘટાડો થયો અને બપોર સુધીમાં બીએસઈ સેન્સેક્સ 938.55 પોઈન્ટ્સ અથવા 1.21 ટકા તૂટ્યો હતો. તેવી જ રીતે જાપાનના નિક્કી 225માં પણ અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તેલના બજારમાં પણ આવી જ અસર જોવા મળી જ્યાં ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 97.10 ડોલર પર પહોંચી ગઈ હતી, જે બુધવારના ભાવ કરતા આશરે 2.5 ટકા વધુ છે. એક રાહતની વાત એ છે કે કાચા તેલની કિંમત હજુ પણ 100 ડોલરની નીચે છે, જે યુદ્ધ દરમિયાન 120 ડોલર સુધી પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : 'ઈરાને ChatGPTથી લખ્યો સીઝફાયર પ્રસ્તાવ', અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનો દાવો, ટ્રમ્પે ડ્રાફ્ટને કચરામાં ફેંક્યો