'તાત્કાલિક સૈન્ય કાર્યવાહી રોકો અને વાતચીત કરો', હોર્મુઝ સંકટ પર ચીનની અમેરિકાને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
China-Iran Strategic Ties: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર સર્જાયેલા સંકટ વચ્ચે ચીને વિશ્વના તમામ દેશોને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી રોકવા કહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સહિત અનેક દેશોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગની સુરક્ષા માટે પોતાના યુદ્ધ જહાજો તૈનાત કરવા અપીલ કરી છે.
ચીને કેમ વ્યક્ત કરી ચિંતા?
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને બેઇજિંગમાં જણાવ્યું હતું કે, હોર્મુઝમાં વધતા સૈન્ય તણાવથી આંતરરાષ્ટ્રીય વેપાર, ઊર્જા પુરવઠો અને પ્રાદેશિક શાંતિ પર મોટું જોખમ ઊભું થયું છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે જો સ્થિતિ વધુ બગડશે તો તેની ગંભીર અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે.
ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના ટકરાવને કારણે અત્યારે આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. ખાસ કરીને અમેરિકન હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ ચીને આકરી પ્રતિક્રિયા આપી છે.
હોર્મુઝ શા માટે છે મહત્ત્વનું?
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ રસ્તાઓ પૈકીનો એક છે, જ્યાંથી વિશ્વના મોટાભાગના દેશોમાં ઓઇલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે. તાજેતરમાં ઈરાને આ માર્ગને અસરકારક રીતે બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં ધરખમ વધારો થવા લાગ્યો છે. નિષ્ણાતોના મતે, જો આ રસ્તો લાંબો સમય સુધી બંધ રહેશે તો સમગ્ર વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ પેદા થઈ શકે છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર પર જોવા મળશે.
ટ્રમ્પની અપીલ અને ચીન પ્રવાસ પર લટકતી તલવાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ચીન, બ્રિટન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોને પોતાના યુદ્ધ જહાજો મોકલવા કહ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો ચીન આ માર્ગને સુરક્ષિત રાખવામાં સહયોગ નહીં આપે, તો આ મહિનાના અંતમાં યોજાનારી તેમની ચીન યાત્રા રદ થઈ શકે છે. જોકે, ચીને જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત હજુ ચાલુ છે.








