ઐતિહાસિક પરિવર્તન : IAFના પાયલોટસ RAF ટ્રેઇની પાયલોટસને તાલિમ આપશે

- 'હિન્દી-બ્રિટિશ ભાઈ-ભાઈ'
- 80 વર્ષ પૂર્વે આપણે હિન્દુસ્તાનીઓને પ્લેન ઉડાડતાં શીખવાડતા હતા : હવે તેઓ આપણને શીખવાડે છે, આ સાચી ભાગીદારી છે : નિવૃત્ત RAF અધિકારી
લંડન : ઈતિહાસ કરવટ બદલે છે. ભારતીય એરફોર્સના પાયલોટ્સ વેલ્સની વેલીમાં રોયલ એરફોર્સના ટ્રેઈની પાયલોટ્સને ટ્રેનિંગ આપી રહ્યા છે. અહીં એ જ આકાશ છે કે જ્યાં આશરે એક સદી પૂર્વે ભારતીય યુદ્ધ વિમાન પાયલોટસને બ્રિટિશ પાયલોટ્સ ટ્રેનિંગ આપતા હતા. (ઉલ્લેખનીય છે કે ઈન્ડીયન એરફોર્સ જે તે સમયે રોયલ ઈંડીયન એરફોર્સ કહેવાતું હતું તેની સ્થાપના ૧૯૨૧માં કરવામાં આવી હતી. જોકે ત્યારે વિમાનો ઘણાં નબળા હતાં તે અલગ વાત છે).
આશ્ચર્યની વાત તે છે કે, જ્યારે ભારતીય ટ્રેઇનર પાયલોટ્સ વેલ્સના મુખ્ય શહેર બ્રિસ્ટોલમાં ઉતર્યા ત્યારે 'હિન્દી-બ્રિટિશ ભાઈ-ભાઈ'ના નારા તેમણે લગાવ્યા હતા.
આ ઈંડીયન રોયલ એરફોર્સે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અદ્ભૂત કાર્યવાહી કરી હતી. તે સમયે બ્રિટનનાં રોયલ એરફોર્સનાં ઈન્સ્ટ્રકટર્સે તેઓને તાલિમબદ્ધ કર્યા હતા.
બ્રિટિશ-રોયલ- એરફોર્સ દુનિયાનાં સૌથી જૂના વાયુદળ પૈકીનું એક છે. આ એરફોર્સને ટ્રેઇનર્સની ભારે ખેંચ અત્યારે પડી રહી છે. વિશેષત: 'ફાસ્ટ-જેટસ' માટેના ઈન્સ્ટ્રકટર્સ બહુ ઓછા છે. તેથી ભારતીય ટ્રેઇનર્સને બોલાવવા પડયા છે.
મહત્વની વાત તે છે કે, ભારતીય યુદ્ધ વિમાન પાયલોટસને રશિયન, ફ્રેન્ચ, અમેરિકન તથા દેશમાં જ નિર્મિત યુદ્ધ વિમાનો ઉડાડવાની પૂરી તાલિમ મળેલી હોય છે. તેઓ બ્રિટનની બનાવટનાં 'જગ્વાર' યુદ્ધ વિમાનો પણ ઉડાડી શકે છે. સૌથી મહત્વની વાત તો તે છે કે, વેલ્સમાં આવેલી બે પર્વતમાળાઓ વચ્ચેની ગિરિમાળાઓ વચ્ચેની ખીણમાં લોઝીક્ષા ઉથ-થી-કોલ્ટીશેલ શહેરો વચ્ચે તદ્દન નીચી ઉંચાઈએ યુદ્ધ વિમાન ઉડાડવામાં ખરી કસોટી થઈ જાય છે. કેટલાક વર્ષ પૂર્વે આ વેલીમાં યુદ્ધ વિમાન ઉડાડતાં અરૂણ પ્રકાશ નામક એક યુવાન ટ્રેઇની પાયલોટનું યુદ્ધ વિમાન તૂટી પડયું પરંતુ સદ્ભાગ્યે અરૂણ પ્રકાશ બચી ગયા. તેઓ પછીથી ભારતીય નૌકાદળના વડા (ચીફ ઓફ નેવલ સ્ટાફ) બન્યા.
લંડનનું 'ધી ડેઇલી-ટેલીગ્રાફ' જણાવે છે કે, આ પ્રક્રિયા (ઈંડીયન ટ્રેઇનર્સ) એક વિશિષ્ટ ઘટના છે. આર.એ.એફ.ના પૂર્વ ફાયટર-પાયલોટ-ઈન્સ્ટ્રકટર ટીમ ડેવીસ કહે છે કે, ભારતીય ઈન્સ્ટ્રકર્સ એક એસેટ સમાન છે. તેથી ઈંગ્લેન્ડમાં ઈન્સ્ટ્રકટર્સની કમી પૂરી શકાશે.
ભારતે ઈંગ્લેન્ડ સાથે ૩૫૦ મિલિયન પાઉન્ડનો બ્રિટિશ બનાવટની એર ડીફેન્સ સીસ્ટીમ માટે કરાર કર્યો છે. જ્યારે ભારતીય નૌકાદળનાં વિમાન વાહક જહાજ ઉપરથી કાર્યવાહી કરવા બ્રિટનનાં વિશાળ નવા વિમાન વાહક જહાજ 'પ્રિન્સ ઓફ વેલ્સ' ઉપર એકસર્સાઇઝ કરી રહ્યા છે.
(આ પૂર્વેનાં પહેલાં નૌકાદળ જહાજ પ્રિન્સ ઓફ વેલ્સ 'ધી રીયલ્સ' સાથે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના આત્મઘાતી પાયલોટસે ડૂબાડી દીધું હતું.)
દરમિયાન બ્રિટિશ યુદ્ધ વિમાન જે થિરૂવનંથપુરમમાં 'ખોટકાં'ને લીધે પડી રહ્યું હતું તેને ભારતીય ઈજનેરોએ સમું કરી દીધું અને તે ઈંગ્લેન્ડ પાછું પણ પહોંચ્યું.
આ પછી એક નિવૃત્ત આર.એ.એફ. અધિકારીએ કહ્યું, ૮૦ વર્ષ પૂર્વે આપણે તેમને ઉડતાં શીખવાડતા હતા. હવે તેઓ આપણને આપણાં જ વિમાનો ઉડાડતાં શીખવાડે છે.








