વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે હાઈલેવલ બેઠક : રેસ, રેસલિંગ, ટેરિફ સહિત અનેક મુદ્દે થઈ વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Xi Jinping Meeting : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. એક દાયકા કરતાં વધુ સમય બાદ વોશિંગ્ટન પહોંચેલા જિનપિંગનું ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે યોજાયેલી આ મુલાકાતમાં બંને નેતાઓએ આપસી સંબંધો સુધારવા અને સંઘર્ષ ટાળવા પર ખાસ ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વેપાર, ટેક્નોલોજી, તાઇવાન અને બંને દેશોના સૈન્ય વચ્ચે નિયમિત સંવાદ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડી ચર્ચા થઈ હતી.
અમેરિકા અને ચીન વચ્ચે રેસ હોવી જોઈએ, રેસલિંગ નહીં: શી જિનપિંગ
બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો અંગે વાત કરતા ચીની રાષ્ટ્રપ્રમુખએ જણાવ્યું હતું કે, ‘બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે સાથે રહેવું જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે પરસ્પર સ્પર્ધા ખતમ કરવાની જરૂર નથી, પરંતુ તે સ્વસ્થ હોવી જોઈએ અને તેની એક મર્યાદા નક્કી હોવી જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે આગળ નીકળવાની રેસ હોવી જોઈએ, રેસલિંગ નહીં જેમાં એકની જીત બીજાની હાર પર નિર્ભર હોય. સંઘર્ષ બંને દેશો માટે નુકસાનકારક રહેશે અને સહયોગથી જ બંને પક્ષોને ફાયદો થઈ શકે છે. આ સાથે તેમણે કોઈપણ પ્રકારના ટકરાવથી બચવા બંને દેશોની સેનાઓ વચ્ચે નિયમિત વાતચીત અને કટોકટીના સમયે સંવાદની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પર પણ ભાર મૂક્યો હતો.’
અમારી વચ્ચે મહાન મિત્રતા, બીજા વિશ્વયુદ્ધની જેમ સાથે કામ કરી શકીએ: ડોનાલ્ડ ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં સંબોધન કરતી વખતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે બંને દેશો વચ્ચેના સંબંધોને બિરદાવતા કહ્યું હતું કે, ‘શી જિનપિંગ વ્હાઇટ હાઉસની બીજી ઔપચારિક મુલાકાત લેનારા પ્રથમ ચીની નેતા છે. વર્ષ 2016માં મારા પ્રથમ વખત ચૂંટાયા બાદથી અમારા બંને વચ્ચે ખરેખર એક મહાન મિત્રતા સ્થપાઈ છે. જે રીતે અમેરિકા અને ચીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથે મળીને કામ કર્યું હતું, તે જ રીતે હવે બંને દેશો વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે કામ કરી શકે છે. મને અમેરિકા અને ચીનના સંબંધો પર ગર્વ છે અને બંને દેશો વધુ સંતુલિત વેપાર સંબંધોની દિશામાં આગળ વધી રહ્યા છે.’
AI માનવ નિયંત્રણ હેઠળ રહેવું જોઈએ: શી જિનપિંગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે વિસ્તૃત છણાવટ કરતા શી જિનપિંગે જણાવ્યું હતું કે, ‘ચીન અને અમેરિકા આ ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશો છે, તેથી તેનો વિકાસ યોગ્ય દિશામાં થાય તે જોવાની બંનેની સંયુક્ત જવાબદારી છે. AI નો વિકાસ હંમેશા માનવીના નિયંત્રણ હેઠળ રહેવો જોઈએ અને તેનો ઉપયોગ ફક્ત લોકોના કલ્યાણ અને સારા કાર્યો માટે જ થવો જોઈએ. મને આશા છે કે અમેરિકામાં ચીની કંપનીઓ સાથે પણ નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે.’
સુપર ઇન્ટેલિજન્સ અને સુરક્ષા અંગે ભવિષ્યના નિર્ણયો: ડોનાલ્ડ ટ્રમ્પ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘આ એક સુપર ઇન્ટેલિજન્સ છે અને તે અમારી વાતચીતનો મુખ્ય મુદ્દો રહેશે. અમે બંને સુરક્ષા, ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ કરી રહ્યા છીએ. આ ક્ષેત્રોમાં અમે જે પણ નિર્ણયો લઈશું તે આવનારા ઘણા દાયકાઓ સુધી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને દિશા આપશે.’
વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે બંને દેશોનો સહયોગ અનિવાર્ય: શી જિનપિંગ
અમેરિકાની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા શી જિનપિંગે કહ્યું હતું કે, ‘હું અમેરિકાની આઝાદીની 250 મી વર્ષગાંઠ નિમિત્તે ટ્રમ્પ પરિવાર અને અમેરિકન લોકોને અભિનંદન પાઠવું છું. ચીન અને અમેરિકા બે મોટા દેશો તરીકે માનવ વિકાસ અને પ્રગતિને આગળ વધારવાની ઐતિહાસિક જવાબદારી ધરાવે છે. હું ચીન-અમેરિકા સંબંધોના વિશાળ જહાજને એક સ્થિર ભવિષ્ય તરફ લઈ જવા માટે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે કામ કરવા સંપૂર્ણ તૈયાર છું. અમે બંને એકબીજાનું સન્માન કરીએ છીએ અને નિયમિત સંપર્કમાં રહીએ છીએ. બંને દેશો વચ્ચેનો સહયોગ કદાચ દુનિયાની દરેક સમસ્યાનો ઉકેલ ન લાવી શકે, પરંતુ અમારા સહયોગ વિના વિશ્વની ઘણી સમસ્યાઓનું સમાધાન કરવું અત્યંત મુશ્કેલ બની જશે.’
ટ્રેડ વૉર રોકવા સમજૂતી અને યુવાનો માટે ખાસ જાહેરાત
બંને રાષ્ટ્રપ્રમુખઓની બેઠક અગાઉ અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે માહિતી આપી હતી કે બંને દેશો વેપાર યુદ્ધ રોકવા માટે અગાઉ થયેલી સમજૂતીને આગળ વધારવા પર સહમત થયા છે. અગાઉના ટ્રેડ વૉર દરમિયાન અમેરિકાએ ચીની સામાન પર 145 ટકા સુધી અને ચીને પણ જવાબમાં અમેરિકી સામાન પર 125 ટકા સુધી ડ્યુટી લગાવી હતી, જે વાટાઘાટો બાદ ઘટીને અમેરિકા માટે સરેરાશ 47 ટકા અને ચીન માટે 30 ટકા આસપાસ આવી ગઈ હતી. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન શી જિનપિંગે ભૂતકાળમાં સાથે લડેલા સૈનિકોને યાદ કરી આગામી 5 વર્ષમાં સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 100,000 અમેરિકન યુવાનોને ચીન આવવાનું આમંત્રણ આપ્યું હતું, તેમજ એટલાન્ટા ઝૂ ખાતે બે પાંડા મોકલી પોતાની પરંપરાગત પાંડા ડિપ્લોમસી થકી મિત્રતાનો સંદેશ આપ્યો હતો.




