કટ્ટરવાદી કો-પાયલટ અમને સોંપો, ઈરાન સાથે જોડાણની તપાસ કરાશે : ઈઝરાયેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓમાની પાયલટના હુમલાની ઘટનામાં પાંચ દેશોએ તપાસ શરૂ કરી
- આતંકવાદથી લઈને માનસિક બીમારી સુધીની બધી જ સંભાવનાઓની તપાસ કરાશે : તપાસ અધિકારીનો દાવો
- ઈજાગ્રસ્ત ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરને વધુ સારવાર માટે અબુ ધાબી એરલિફ્ટ કરાયા
- ઓમાની પાયલટ મહિલાઓ સાથે હાથ પણ મિલાવતો નહોતો : સાથી પાયલટનો દાવો
જેરુસલેમ : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈના વિમાનમાં કેપ્ટન પર ચાકુથી હુમલો કરનાર ઓમાની પાયલટ ઈસ્લામિક કટ્ટરવાદી શિક્ષણ મેળવ્યું હતું. આ પાયલટને અમને સોંપી દેવો જોઈએ, અમે આ કૃત્યના મૂળ સુધી જઈશું તેમ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું. જોકે, ઓમાની પાયલટનું કૃત્ય આતંકી છે કે માનસિક બીમારી તેની તપાસકારોએ તપાસ શરૂ કરી છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે, ઓમાનનો કો-પાયલટ ઈસ્લામિક કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત હતો. તેનો આશય ઈઝરાયેલ આવતું વિમાન તોડી પાડવાનો હતો. આ પાયલટને ઈરાન સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની આગામી દિવસોમાં જાણ થઈ જશે. આ અંગે કંઈ પણ કહેવું ઘણું વહેલુ ગણાશે. જોકે, નેતન્યાહુએ ઓમાની પાયલટ અંગે કોઈ વધુ વિગતો આપી નહોતી. તેમણે ઉમેર્યું કે, કો-પાયલટને લોકોએ પકડી લીધો ત્યારે તે વારંવાર 'મને મારી નાંખો' તેવી બૂમો પાડતો હતો. ઈઝરાયેલે ઓમાની પાયલટને તેને સોંપી દેવાની માગણી કરી હોવાનું આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, તેની માગણી પર સાઉદી અરબ દ્વારા કોઈ ધ્યાન અપાયું છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
દરમિયાન ફ્લાય દુબઈના વિમાનનું સાઉદી અરબમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું હોવાથી કો-પાયલટની ધરપકડ કરાઈ છે અને તેને સાઉદીની જેલમાં રખાયો છે ત્યારે સાઉદી ઓથોરિટી આ ઘટનાની તપાસમાં ઈઝરાયેલ સહિત અન્ય દેશો સાથે કામ કરશે. યુએઈ, અમેરિકા, ઓમાન પણ તપાસમાં જોડાશે. યુએઈની સરકારે જણાવ્યું હતું કે, તેમની તપાસ ટીમે આ હુમલો આતંકી હેતુથી થયો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ વિમાન યુએઈમાં નોંધાયેલું હોવાથી તપાસ તેના દાયરામાં આવે છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ યુએઈના પ્રમુખ શેખ ઝાયેદ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ફોન પર વાત પણ કરી હતી.
દરમિયાન ઓમાની પાયલટે વિમાનને ઉડાવી દેવાના આશયથી આતંકી હુમલો કર્યો હતો કે સહ-પાયલટ સાથે કોઈ અંગત અદાવત હતી કે તે માનસીક બીમાર હતો તે દરેક પાસાઓ પર તપાસકારોએ તપાસ શરૂ કરી છે. આ ઘટનાનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી તેમ તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, અત્યાર સુધી હુમલાખોર અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી.
ઈઝરાયેલના મીડિયાએ ઓમાનના પાયલટના સાથીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઓમાની પાયલટ ખૂબ જ વધુ કટ્ટરવાદી હતો. તે મહિલાઓ સાથે હાથ પણ મિલાવતો નહોતો અને આખો દિવસ વધુ પડતી નમાઝ પઢતો રહેતો. જોકે, તેનો અર્થ એ નથી કે આ કારણે તેણે વિમાન તોડી પાડવા જેવું આકરું પગલું લેવાનો ઈરાદો રાખ્યો હોય તેમ સાથી પાયલટે કહ્યું હતું.
દરમિયાન આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરને વધુ સારવાર માટે અબુ ધાબી એરલિફ્ટ કરાયા છે. સ્મિત મચ્છરની સ્થિતિ હાલ સ્થિર છે. સ્મિત મચ્છર પર હુમલા અંગે હવે એવા અહેવાલો આવ્યા છે કે તેમના પર ચાકુ નહીં વિમાનના કોકપીટમાં રાખવામાં આવતી કુહાડીથી હુમલો કરાયો હતો.
સ્મિતનાં માતાપિતા યુએઈ પહોંચ્યાં, જોકે, તત્કાળ મુલાકાત નહીં
મુંબઈ : સ્મિતનાં માતાપિતા ગઈકાલે રાતે મુંબઈથી રવાના થયા બાદ યુએઈ પહોંચી ગયાં છે. જોકે, તેમની સ્મિત સાથે તત્કાળ મુલાકાત થઈ શકી ન હતી.
સ્મિતના કાકા કિશોરભાઈ મચ્છરે 'ગુજરાત સમાચાર'ને વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને મારા ભાઈ બને ટેક્સ્ટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સ્મિતે પરિવારનો વારસો જાળવવા ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગ કર્યું હતું. પરંતુ તેણે બાદમાં પાઈલોટ બનવાનું નક્કી કર્યું હતું અને ન્યુઝિલેન્ડથી એવિએશનનો કોર્સ કર્યો હતો. કિશોરભાઈનો દીકરો અને સ્મિતનો પિતરાઈ ભાઈ ભાવિક પણ ફલાય દુબઈમાં જ પાઈલોટ તરીકે ફરજ બજાવે છે.
ઉડ્ડયન જેવી જટિલ કામગીરીમાં મહત્વની તાલીમ
કેપ્ટન સ્મિતને હુમલા છતાં સ્થિતિ પર કાબુમાં મસલ મેમરીએ મદદ કરી
સતત પ્રેક્ટિસ અને ઘણા વર્ષોના અનુભવને કારણે કટોકટીની સ્થિતિમાં મસલ મેમરી કાર્યરત રહી
મુંબઈ : ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ સમયસૂચકતા અને તાલીમના આધારે સંભવિત મોટી દુર્ઘટના ટાળી હતી. વારંવારની તાલીમથી વિકસેલી મસલ મેમરીને કારણે તેઓ ગંભીર ઈજા છતાં કટોકટીની સ્થિતિમાં જરૂરી પગલાં લઈ શક્યા હોવાનું તેમના પડોશી અને યુરોલોજિસ્ટ ડો. જિતિન શાહે જણાવ્યું હતું.
ડો. જિનિત શાહના જણાવ્યા અનુસાર, સ્મિત કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવા માટે જાણીતા છે. પાયલટ તરીકેના ૧૩ વર્ષથી વધુનો અનુભવ ઉપરાંત તેઓ અન્ય પાયલટોને તાલીમ આપવાનું કામ પણ કરે છે અને તેમની પોતાની એકેડેમી પણ છે. આ તાલીમ અને લાંબા સમયના અવિએશન ઈન્ડસ્ટ્રીઝના અનુભવને કારણે કટોકટીના સમયે શું કરવું તેની સમજ જ સ્મિતને મદદરૂપ થઈ હોવાની શક્યતા છે. ડોક્ટર શાહના મતે, વારંવારની પ્રેક્ટિસથી વિકસતી મસલ મેમરીના કારણે સ્મિત ઘાયલ હોવા છતાં પરિસ્થિતિને રિસ્પોન્ડ કરી શક્યા હતા. હુમલા છતાં પણ તેમનું દિમાગ પોતે ચોક્કસ શું કરવાનું છે તે બાબતે સજાગ રહ્યું હતું. મસલ મેમરી એટલે લાંબા સમય સુધી કરવામાં આવતી તાલીમ અને અભ્યાસના પરિણામે કેટલીક શારીરિક ક્રિયાઓ સભાનપણે વિચાર્યા વિના પણ આપમેળે કરવાની ક્ષમતા વિકસતું જ્ઞાન હોય છે. ફલાઈટ ઉડાડવા જેવી જટિલ કામગીરીમાં આવી તાલીમ કટોકટીના સમયે ત્વરિત પ્રતિભાવ આપવામાં મદદરૂપ થઈ શકે છે.




